અધ્યાય-૭૩-કુંડિનપુરમાં રાજા ઋતુપર્ણ
II बृहदश्च उवाच II ततो विदर्भान्संप्राप्तं सायाह्ये सत्यविक्रमं I ऋतुपर्ण जना राज्ञे भीमाय प्रत्यवेदयन II १ II
બૃહદશ્વ બોલ્યા-'સત્યપરાક્રમી ઋતુપર્ણ વિદર્ભનગરી પહોંચ્યો,ત્યારે સેવકોએ રાજા ભીમને તેના સમાચાર આપ્યા.ભીમના આદેશથી ઋતુપર્ણ રાજાએ કુંડિનનગરીમાં પ્રવેશ કર્યો.રથઘોષથી નળે,સર્વ દિશાઓને ગજવી મૂકી.દમયંતીએ પણ તે ઘોષ સાંભળ્યો ને તે પરમ આશ્ચર્ય પામી કેમ કે પૂર્વે જયારે નળ અશ્વોને હાંકતા હતા તે સમયના જેવો જ તે ઘોષ હતો.ઘોડાઓ,હાથીઓ ને મોરો પણ મોં ઊંચાં કરી નાદ કરવા લાગ્યા.(7)
દમયંતી વિચારવા લાગી કે-'આ રથનો ધ્વનિ મારા ચિત્તને આહલાદ ઉપજાવે છે,તેથી એ નળરાજાનો જ છે.
હવે,જો હું તેમને જોઇશ નહિ તો નક્કી મરણને જ ભેટીશ' આમ વિચારી તે,નળના દર્શનની ઈચ્છાર મહેલની
ઊંચી અટારીએ ચઢી.કે જ્યાંથી તેણે રથને જોયો કે જેમાં ઋતુપર્ણ,વાર્ષ્ણેય ને બાહુક બેઠા હતા.
ઋતુપર્ણ,રથ પરથી ઉતરી ભીમરાજાને મળ્યો,ભીમે તેનો સત્કાર કર્યો ને તેને વિશ્રામ લેવાનું કહ્યું.
તે સમયે ઋતુપર્ણે ચારે તરફ નજર નાખી,પણ ત્યાં ક્યાંય સ્વયંવરનું કોઈ ચિહન જોવામાં આવ્યું નહિ.
એટલે તેણે સ્વયંવરની વાત મનમાંથી કાઢી નાખી.પછી,દમયંતીના કરતૂતથી અજાણ એવા ભીમે,
જયારે એકાએક ને અકસ્માત આવી ચડેલા ઋતુપર્ણને પૂછ્યું કે-;કહો,શા અર્થે અહીં આવવાનું થયું છે?'
ત્યારે ઋતુપર્ણે કહ્યું કે-'હું તો આપણે વંદન કરવા આવ્યો છું'
ત્યાર બાદ,બાહુક રથને લઈને અશ્વશાળામાં જઈને ઘોડાઓને છોડીને તેમની ચાકરી કરી રથ પર બેઠો.
દમયંતી આ નવા રૂપવાળા નળને (બાહુકને) જોઈને શોકથી વ્યાકુળ થઇ ને વિચારવા લાગી કે-
'નળના રથ જેવો જ તે ધ્વનિ હતો પણ હું નળને જોતી નથી.કદાચ વાર્ષ્ણેયે નળ પાસેથી તે વિદ્યા શીખી હશે એટલે કદાચ તેવો જ ધ્વનિ થયો હોય કે પછી શું ઋતુપર્ણ રાજા પણ નળ જેવો નિષ્ણાત હશે?'
આમ દમયંતીએ અનેક અટકળો કરીને એક દાસીને નળની શોધમાં મોકલી (38)
અધ્યાય-૭૩-સમાપ્ત