Dec 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-359

અધ્યાય-૭૨-નળના દેહમાંથી કલિનું નાસવું 


II बृहदश्च उवाच II स नदीपर्वताश्चैव वनानि च सरांसि च I अचिरेणातिचक्राम खेचरः खेचरन्निव II १ II

બૃહદશ્વ બોલ્યા-'ઋતુપર્ણનો તે રથ,આકાશચારી પંખીની જેમ,નદીઓ,પર્વતો અને સરોવરોને પલકારામાં વટાવી ગયો.તેવામાં ઋતુપર્ણે પોતાનું ઉપરણું નીચે પડી જતું જોયું.એટલે તેણે નળને કહ્યું કે-'તું રથ ઉભો રાખ,આ વાર્ષ્ણેય 

મારો ઉડી ગયેલો દુપટ્ટો લઇ આવે' નળે ઉત્તર આપ્યો કે-'આપણે ત્યાંથી એક જોજન દૂર આવી ગયા છીએ,એટલે તે

પાછું લાવી શકાય તેમ નથી.કેમ કે તેથી સમય બરબાદ થશે ને આપણે સમયસર પહોંચી શકીશું નહિ'

આગળ જતાં,એક ફળવાળું બહેડાનું વૃક્ષ જોઈને રાજાએ બાહૂકને કહ્યું કે-'હે સારથી,તું સંખ્યા ગણવાની મારી પરમ શક્તિને જો.આ વૃક્ષની બંને ડાળીઓને પાંચ કરોડ પત્તાં,ને બે હજાર પંચાણું ફળો છે'

બાહુકને,રાજાની આ વાત પર શંકા થઇ,તેને તરત રથ ઉભો રાખીને કહ્યું કે-હે રાજન હું આ ડાળીને કાપીને 

પત્તાં ને ફળની ગણતરી કરીશ કેમ કે મને તમારી વાત પર વિશ્વાસ આવતો નથી' 

રાજાએ કહ્યું કે-'અત્યારે વિલંબ કરવાનો વખત નથી' ત્યારે બાહુકે કહ્યું કે 'હું તમને સમયસર પહોંચાડી દઈશ'


એમ કહી બાહુકે તે ડાળીઓ કાપીને પત્તાં ને ફળ ગણ્યાં તો તે બરોબર રાજાએ કહ્યાં હતાં તે પ્રમાણે જ હતાં.

બાહુકે કહ્યું-'હે રાજા તમારી આ વિદ્યા-શક્તિ અદભુત છે તે વિદ્યા હું સાંભળવા ઈચ્છું છું'

વિદર્ભદેશ જલ્દી પહોંચવા ઇચ્છતા રાજાએ કહ્યું કે-'તું મને અક્ષના રહસ્યનો ને સંખ્યા ગણિતનો વિશારદ માન.

હાલ સમય નથી,પણ અનુકૂળતાએ હું તને જણાવીશ.'

બાહુક બોલ્યો-'હે મહારાજ તમે મને આ અક્ષવિદ્યા (પાસાઓનું રહસ્ય) આપો હું તમને અશ્વવિદ્યા આપું'


રાજા બોલ્યો-'ભલે,પાસાઓનું રહસ્ય હું તને જણાવું છું,ને અશ્વ રહસ્ય હું પછીથી તારી પાસેથી લઈશ'

એમ કહીને ઋતુપર્ણ રાજાએ,નળને અક્ષવિદ્યા આપી.તે જ વખતે કલિ નળરાજાના શરીરમાંથી બહાર નીકળી ગયો.ને કર્કોટકનું વિષ ઓકવા લાગ્યો.વિષથી મુક્ત થયેલો તે કલિ,જયારે પોતાના અસલી સ્વરૂપને પ્રાપ્ત થયો,

ત્યારે,'કદાચ નળરાજા શાપ આપે' એવા ભયથી તે હાથ જોડીને કરગરીને કહેવા લાગ્યો કે-'હે મહારાજ તમે કોપ કરશો નહિ,હું તમારી કીર્તિ વધારીશ.તમે દમયંતીને ત્યજી દીધી હતી,એટલે તેના શાપથી ને નાગના વિષથી હું તમારા શરીરમાં રાતદિવસ બળતો હતો.હવે હું તમારે શરણે આવ્યો છું,તમે મને શાપ નહિ આપો તો,

આ સંસારમાં જે મનુષ્યો તમારું કીર્તન કરશે તેંમને મારા તરફથી કદી ભય થશે નહિ'


નળે,પોતાનો કોપ પાછો વાળ્યો ત્યારે તે કલિ બહેડાના વૃક્ષમાં ભરાયો,કે જેથી તે વૃક્ષ હીણું થઇ ગયું.

આમ,નળ,કલિથી મુક્ત થઈને આનંદ પામ્યો ને પરમ તેજવાળો બન્યો,પણ તે હજુ મૂળ સ્વરૂપે થયો નહોતો.

રથે હવે ફરીથી ત્વરાથી વિદર્ભનગરી તરફ પ્રયાણ કર્યું.(44)

અધ્યાય-૭૨-સમાપ્ત