Dec 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-358

 

અધ્યાય-૭૧-વિદર્ભ દેશ તરફ ઋતુપર્ણનું પ્રસ્થાન 


II बृहदश्च उवाच II श्रुत्वा वचः सुदेवस्य ऋतुपर्णो नराधिपः I सान्त्ययन् श्लक्ष्णया वाचा बाहुकं प्रत्यभाषत II १ II

બૃહદશ્વ બોલ્યા-'સુદેવની વાત સાંભળીને રાજા ઋતુપર્ણે મધુર વાણીમાં બાહુકને કહ્યું કે-'હે બાહુક,દમયંતીના સ્વયંવરમાં જવા માટે વિદર્ભદેશમાં હું એક જ દિવસમાં પહોંચવા માગું છું,તો તું સારા અશ્વોથી જોડેલો 

રથ સત્વરે તૈયાર કર તું અશ્વવિદ્યામાં નિષ્ણાત છે,તો મારુ આટલું કામ કર'

દમયંતીના સ્વયંવરની વાત સાંભળી નળ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યો કે-'શું દમયંતી સાચે જ આવો સ્વયંવર કરી રહી છે? સંભવ છે કે દુઃખથી કંટાળીને તે આવું કાર્ય કરવા તૈયાર થઇ હોય,કે પછી,શું એવું પણ 

ન હોય કે? કદાચ મારી પ્રાપ્તિ માટે તેણે આવો મહાન ઉપાય શોધી કાઢ્યો હોય?(4)


મારો પણ દોષ છે,મેં તેને છેતરીને તેનો ત્યાગ કર્યો હતો,વિખુટા થવાથી સ્નેહ ઓસરી જતાં તે કદાચ આમ કરે પણ ખરી ! આ સંસારમાં સ્ત્રીઓનો સ્વભાવ ચંચળ છે.પણ,ના,ના,તે નિરાશ થતાં પણ આવું કામ કરે નહિ,કેમ કે તે સંતાન વાળી છે.હવે,આમાં સાચું શું ? ને ખોટું શું? તે તો ત્યાં જઈને જાણ્યા પછી જ નક્કી કરીશ'


બાહુકે આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને રાજાને કહ્યું કે-હું તમને એક જ દિવસમાં વિદર્ભદેશ પહોંચાડી દઇશ'

ત્યારે બાદ તેણે,અશ્વશાળામાંથી ઉત્તમ ઘોડાઓને રથમાં જોડ્યા,ને રાજા તથા વાર્ષ્ણેય સારથિને રથમાં બેસાડીને તેણે વેગપૂર્વક રથ હંકાર્યો.વાયુવેગે રથ જતો જોઈને વાર્ષ્ણેય આશ્ચર્ય પામ્યો ને વિચારવા લાગ્યો કે-


'આ ઇન્દ્રનો સારથી માતલિ તો નહિ હોય ને? કે પછી શું આ અશ્વવિધામાં નિષ્ણાત નળરાજા તો નથી ને?

કદ ને વય ને જ્ઞાનના પ્રમાણમાં તો આ બાહુક અને નળ સમાન લાગે છે માત્ર સ્વરૂપમાં ફેર છે.

મને લાગે છે કે સ્વરૂપને બદલી છૂપો વેશ ધારણ કરનાર,કદાચ નળરાજા હોઈ શકે? ' (36)

અધ્યાય-૭૧-સમાપ્ત