અધ્યાય-૭૦-નળરાજાની ભાળ મળી
II बृहदश्च उवाच II अथ दीर्घस्य कालस्य पर्णादो नाम वै द्विजः I प्रत्येत्य नगरं भैमीमिदं वचनमब्रवीत II १ II
બૃહદશ્વ બોલ્યા-પછી,લાંબા સમયે પર્ણાદ નામનો બ્રાહ્મણ નગરમાં પાછો આવીને દમયંતીને કહેવા લાગ્યો કે-
'હે દમયંતી,નૈષધનાથને શોધતો હું અયોધ્યા નગરીમાં ઋતુપર્ણ રાજાને ત્યાં ગયો હતો ને સભામધ્યે મેં તમારાં કહેલાં
વચનો યથાવત કહ્યાં,પણ કોઈએ કશું કહ્યું નહિ એટલે રાજાની રજા લઈને હું બહાર નીકળયો ત્યારે
બાહુક નામના સારથિએ મને એકાંતમાં બોલાવ્યો.તે કદરૂપો ને ટૂંકા હાથવાળો છે ને વાહન ચલાવવામાં
ને રસોઈ બનાવવામાં ઉત્તમ છે.તે અનેકવાર નિસાસા નાખીને રુદન કરીને બોલ્યો હતો કે-
'કુળવતી નારીઓ વિષમ પરિસ્થિતિમાં આવી પડ્યા છતાં પણ પોતાની જાતનું રખોપું કરે છે,ને સાચે જ સ્વર્ગને જીતે છે એમાં સંશય નથી.શ્રેષ્ઠ નારીઓ,પતિ ત્યજી દે તો પણ કદી ક્રોધ કરતી નથી ને સદાચારરૂપી કવચથી
પોતાના પ્રાણો ધારણ કરી રાખે છે.તે પુરુષ સંકટમાં હતો ને સુખનાં સાધનોથી વંચિત થવાથી મૂઢ થઈને પત્નીને ત્યાગી હતી તો પત્નીએ તેના પર ક્રોધ કરવો જોઈએ નહિ.પતિએ તેનો સત્કાર કે અસત્કાર કર્યો હોય તો પણ ભૂખથી પીડિત અને સંકટોના સાગરમાં ડૂબેલા તે પતિને,તેણે ક્ષમા આપવી જોઈએ'
પર્ણાદ બોલ્યો-હે દમયંતી,બાહુકની આવી વાત સાંભળી,હું તરત જ અહીં આવ્યો છું,હવે તમે જ
નિશ્ચય કરો કે આગળ શું કરવું છે?તમારી ઈચ્છા હોય તો રાજાને આ વાત કરજો'
પર્ણાદનાં વચન સાંભળી,દમયંતીની આંખો આંસુથી ભરાઈ ને તે માતા પાસે જઈ તેને સર્વ વાત કહી.
તેણે માતાને કહ્યું કે-'હે મા,પિતાજીને આ વાતની ખબર ના આપશો.હું સુદેવ બ્રાહ્મણને જ આ કામમાં
લગાડું છું.જેમ તેણે,મને આપ સર્વેને મેળવી આપ્યા છે,તે જ રીતે,તેને નળરાજાને લેવા અયોધ્યા મોકલું છું'
માતાને આમ કહી,પર્ણાદને ધન આપી તેનો સત્કાર કરીને પછી તેણે સુદેવને બોલાવીને કહ્યું કે-હે સુદેવ,તમે શીઘ્ર અયોધ્યા નગરી જઈને ઋતુપર્ણ રાજાને કહો કે-દમયંતીનો કાલે જ પુનઃ સ્વયંવર થવાનો છે.ને જો તમે ત્યાં જલ્દી પહોંચી શકો તો શીઘ્ર પહોંચો કેમ કે ઘણા રાજાઓ ત્યાં જઈ રહયા છે.કાલે સૂર્યોદય થયા પછી તે બીજા પતિને
વરશે,કેમ કે નળરાજા જીવિત છે કે નહિ,તેનો કોઈ પત્તો લાગ્યો નથી
દમયંતીના આવા કહેવાથી સુદેવ શીઘ્ર ઋતુપર્ણ રાજા પાસે ગયો ને તેને દમયંતીએ કહેલી સર્વ વાત કહી (27)
અધ્યાય-૭૦-સમાપ્ત