Dec 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-356

અધ્યાય-૬૯-દમયંતી પિતાને ત્યાં,અને નળરાજાની શોધ 


II सुदेव उवाच II विदर्भराजो धर्मात्मा भीमो नाम महाधुतिः I सुतेयं तस्य कल्याणी दमयन्तीति विश्रुता II १ II

સુદેવ બોલ્યો-'ધર્માત્મા અને મહાતેજસ્વી એવા વિદર્ભદેશના રાજા ભીમની આ પુત્રી દમયંતી નામે પ્રસિદ્ધ છે.

તે નિષધદેશના રાજા નળની પત્ની છે,જેના રાજ્યને તેના ભાઈએ જુગટામાં જીતી લીધું હતું એટલે તે આ દમયંતી સાથે રાજ્યમાંથી ચાલ્યો ગયો હતો ને તેમની કોઈ ભાળ મળતી નહોતી,તેથી રાજા ભીમની આજ્ઞાથી આ દમયંતીને ખોળવા અમે બ્રાહ્મણો પૃથ્વી પર વિચરી રહ્યા હતા,તે અહીં મને તે તમારા ભવનમાં મળી આવી છે,

આની બે ભંવર વચ્ચે જન્મથી જ એક ઉત્તમ કમલાકાર તલ છે,કે જે મેલથી ઢંકાયેલો છે,છતાં મેં તે નિશાનથી તેને

ઓળખી લીધી છે' સુદેવના આવા વચનથી સુનંદાએ તે તલ પરના મેલને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

મેલ દૂર થતાં ને તે તલ દેખાતાં સુનંદા ને રાજમાતા રોવા લાગી ને રાજમાતાએ કહ્યું કે-'તું તો મારી બહેનની દીકરી છે.તારી મા અને હું,એ બંને દશાર્ણ દેશના રાજાની પુત્રીઓ છીએ,તારી માતાને ભીમરાજા જોડે પરણાવી હતી.

તારા જન્મ વખતે મેં તને જોઈ હતી,હે ભાવિની,હવે તું આ ઘર તારું જ છે એમ માની અહીં રહેજે'

ત્યારે દમયંતીએ માસીને વંદન કર્યા ને કહ્યું-'તમારે ત્યાં હું સુખપૂર્વક રહી છું,ને તમે મારુ સદૈવ રક્ષણ કર્યું છે,

પણ,હું લાંબા કાળથી રખડી રહી છું,ને મને મારાં બાળકો પાસે જવાની રાજા આપો'


પછી,રાજમાતાએ તેને પાલખીમાં બેસાડી,ને દમયંતી પિતાને ત્યાં આવીને સર્વને મળી.ભીમરાજા પુત્રીને મળી પ્રસન્ન થયો ને સુદેવને સહસ્ત્ર ગયો,ગામ ને દ્રવ્ય આપીને પ્રસન્ન કર્યો.થોડાક દિવસની વિશ્રાંતિ બાદ,દમયંતીએ,

પોતાની મા ને કહ્યું કે-'હે મા,તું મને જીવતી રાખવા ઇચ્છતી હો તો,નળને ખોળી લાવવાનો પ્રયત્ન કર'

ત્યારે રાણીએ રાજા ભીમને આ વિષે વાત કરી,એટલે રાજાએ હવે નળની શોધ માટે બ્રાહ્મણોને મોકલવાનું નક્કી કરી બ્રાહ્મણોને પ્રથમ દમયંતી પાસે જવાની આજ્ઞા કરી.બ્રાહ્મણો દમયંતીની પાસે આવ્યા.


દમયંતીએ કહ્યું કે-હે બ્રાહ્મણો,તમે સર્વ દેશમાં જઈને આ વચનો વારંવાર બોલજો કે-'જેનું અર્ધું વસ્ત્ર ફાડીને જેને  વનમાં છોડીને તમે  ચાલ્યા ગયા છો,તે આજે પણ તમારી રાહ જોઈને રુદન કરી રહી છે,એના પર કૃપા કરી 

તમે ઉત્તર આપો.તમે દયા કરો,તમારા વગર તે શરીરને બાળી નાખશે' હે બ્રાહ્મણો,તમે આ પ્રમાણે બોલો ને કોઈ પ્રત્યુત્તર આપે તો તે મને આવીને જણાવજો ને તમે આ મારી આજ્ઞાથી બોલો છો એવું તે જાણી ન જાય તેમ કરજો'


પછી,તે બ્રાહ્મણો,નળને ખોળવા,નાગરો,રાજ્યો,આશ્રમો એવી સર્વ જગ્યાએ ગયા ને દમયંતીના કહ્યા પ્રમાણે વચનો સંભળાવવા લાગ્યા,છતાં નળનો કોઈ પત્તો લાગ્યો નહિ.(50)

અધ્યાય-૬૯-સમાપ્ત