Dec 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-354

 

અધ્યાય-૬૭-નળરાજાનો ગુપ્તવાસ અને વિલાપ 


II बृहदश्च उवाच II तस्मिन्नंतर्हिते नागे प्रपयौ नलः I ऋतुपर्णस्य नगरं प्राविशदशमेSहनि II १ II

બૃહદશ્વ બોલ્યા-તે નાગના અંતર્ધાન થયા પછી,નૈષધરાજ નળ ત્યાંથી નીકળીને દશમે દિવસે ઋતુપર્ણના નગરે પહોંચ્યો.

ને રાજાની પાસે જઈને બોલ્યો કે-'હું બાહુક નામે સારથી છું.ઘોડાઓ હાંકવામાં,પૃથ્વી પર મારો કોઈ બરોબરિયો નથી.ચતુરાઈના કામોમાં સલાહ આપવા હું યોગ્ય છું,ભોજન બનાવવામાં,શિલ્પ કલામાં ને બીજાં 

જે દુષ્કર કામો છે તે સર્વ કરવાને હું હું પ્રયત્ન કરીશ,હે રાજા તમે મારુ ભરણ પોષણ કરો. (4)

ઋતુપર્ણ બોલ્યો-હે બાહુક,તારું મંગલ થાઓ,હું તને અશ્વશાળાનો ઉપરી નીમું છું,તને દશ હજાર મુદ્દાનું 

વેતન મળશે.વાર્ષ્ણેય ને જીવલ નામના સારથી નિત્ય તારી આજ્ઞામાં રહેશે.તું મારે ત્યાં જ રહે'

બૃહદશ્વ બોલ્યા-'ત્યારે નળ,ઋતુપર્ણ નગરમાં વાર્ષ્ણેય ને જીવલની સાથે વસ્યો,તો પણ તે વૈદર્ભીનું નિત્ય ચિંતન કરીને

રોજ સાંજે એક શ્લોક બોલ્યા કરતો કે-'અરે,ભૂખ તરસથી થાકી ગયેલી,તે તપસ્વીની ક્યાં હશે?' 

એક વખત જીવલે તેને પૂછ્યું કે-'હે બાહુક તું સદૈવ કઈ સ્ત્રીનો શોક કરી રહ્યો છે?'


નળે (બાહુકે) કહ્યું કે-'કોઈ એક મંદ બુદ્ધિવાળાની એક માનીતી સ્ત્રી હતી.પણ તેને આપેલા વચનને ભૂલીને 

તે સ્ત્રીથી તે મુરખો વિખૂટો થયો છે ને દુઃખથી પીડાઈને ભટકીને શોકથી સળગી રહ્યો છે.તે સ્ત્રીને સંભારીને તે એક શ્લોક ગાય છે,ને પૃથ્વી પર ભટકતો તે ક્યારેક કોઈ સ્થાન પર વાસો કરે છે,પણ ત પોતાની દશાને અયોગ્ય એવી દશાને સંભારીને,પોતાના દુઃખને કારણે શોક કર્યા કરે છે.તે સ્ત્રી તેની પાછળ વનમાં આવી હતી,પણ તે 

અલ્પ ભાગ્યવાળા મનુષ્યે તેને દારુણ વનમાં છોડી દીધી હતી.તે જીવતી જ હશે તો પણ દુઃખમાં જ જીવતી હશે'

આ રીતે નળ,તે દમયંતીનું સ્મરણ કરીને ઋતુપર્ણ રાજાને ત્યાં અજ્ઞાત રીતે વસતો હતો (20)

અધ્યાય-૬૭-સમાપ્ત