Dec 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-353

 

અધ્યાય-૬૬-નળ અને કર્કોટકનો સંવાદ 


II बृहदश्च उवाच II उत्सृज्य दमयन्ति तु नलो राज विशांपते I ददर्शं दावं दह्यन्तं महान्तं गहने वने II १ II

બૃહદશ્વ બોલ્યા-હે પૃથ્વીનાથ,દમયંતીને છોડીને નીકળેલા નળરાજાએ તે ગહન વનમાં મહાન દવ બળતો જોયો.

ને ત્યાં તે દાવાગ્નિના મધ્યમાં ગૂંચળું વાળીને બેઠેલા એક નાગને મદદ માટેની બૂમો મારતો જોયો.એટલે 

'તું બીશ નહિ' એમ કહીને નળે તે અગ્નિના મધ્યમાં પ્રવેશ કર્યો.નળને જોતાં જ તે નાગ ધ્રૂજતો ધ્રૂજતો કહેવા લાગ્યો કે-હે રાજન,મને કર્કોટક નાગ જાણો.મેં નારદને છેતર્યા હતા,તેથી તેમણે ક્રોધે ભરાઈને શાપ આપ્યો હતો કે-

'જ્યાં સુધી નળ આવીને તને અહીંથી ન લાઈ જાય ત્યાં સુધી અહીં સ્થાવરની જેમ પડ્યો રહેજે.તે તને લઇ જશે ત્યારે તું મારા આપેલા શાપથી છૂટશે' તેમના શાપથી હું એક ડગલું એ અહીંથી ચાલી શકતો નથી.

તમે મારુ રક્ષણકરવા યોગ્ય છો હું તમને તમારા કલ્યાણનો ઉપદેશ આપીશ,તમારો મિત્ર થઈશ ને તમારે 

અર્થે હું અંગૂઠા જેવડો નાનો થઇ જઈશ,એટલે તમે મને ઝટ અહીંથી ઉપાડીને બહાર નીકળો'


પછી,નળે તેને ઉપાડી લીધો અને દવ રહિત સ્થાન તરફ ચાલીને,તેને છોડી મુકવાની ઈચ્છા કરી.ત્યારે તે કર્કોટક બોલ્યો કે-'હે નૈષધનાથ,તમે અહીંથી તમારાં ડગલાં ગણીને થોડા દૂર સુધી જાઓ,ત્યાં હું તમારું કલ્યાણ કરીશ'

ત્યારે નળરાજા ત્યાંથી પગલાં ગણીને ચાલવા લાગ્યો,દશમે પગલે તે નાગ તેને ડસ્યો,એટલે રાજાનું મૂળ રૂપ અલોપ થઇ ગયું.પોતાનું વિકૃત થયેલું સ્વરૂપ જોઈને રાજા વિસ્મય પામ્યો,ને ત્યાં નાગને પોતાના મૂળરૂપે જોયો.


કર્કોટકે તેને સાંત્વન આપતાં કહ્યું કે-'મેં તમારા મૂળ રૂપને અદ્રશ્ય કર્યું છે એટલે તમને હવે કોઈ ઓળખી શકશે નહિ.વળી,તમારા દેહમાં રહેલ કલિથી છેતરાઈને અમે મહાદુઃખમાં પડયા છો,પણ હવે તે કલિ જ્યાં સુધી તમને છોડશે નહિ ત્યાં સુધી તે વિષથી વ્યાપેલાં અંગોને દુઃખપૂર્વક ભોગવશે.આમ,મેં તમારી રક્ષા કરી છે.

વિષને કારણે તમને કોઈ પીડા થશે નહિ,ને રણસંગ્રામમાં તમને સદૈવ વિજય મળશે.હે રાજન,તમે અહીંથી 

અયોધ્યા નગરીમાં જઈ રાજા ઋતુપર્ણને કહો કે-'હું બાહુક નામનો સારથી છું' તે રાજા જુગારમાં નિષ્ણાત છે,

એટલે અશ્વવિદ્યાના બદલામાં તે તમને દ્યુતવિદ્યાનું રહસ્ય આપશે.ને તમારો મિત્ર થશે.

તમે જયારે દ્યુતવિદ્યાના વેત્તા થશો ત્યારે તમે કલ્યાણથી યુક્ત થઈને તમારી પત્ની,બાળકો ને રાજ્યને પાછા મેળવશો,આ હું તમને સત્ય કહું છું.હે રાજન,તમને જયારે તમારું પોતાનું મૂળ સ્વરૂપ જોવાની ઈચ્છા થાય 

ત્યારે તમે આ વસ્ત્ર પહેરજો ને મારુ સ્મરણ કરજો.એટલે તમે તમારું મૂળ રૂપ પામશો'

આમ કહીને તે નાગે નાળને બે દિવ્ય વસ્ત્રો આપ્યાં.ને ત્યાંથી અંતર્ધાન થયો (26)

અધ્યાય-૬૬-સમાપ્ત