અધ્યાય-૬૫-દમયંતી ચેદિરાજના દેશમાં
II बृहदश्च उवाच II सा तच्छ्रुत्वा नवध्यांगी सार्थवाहवश्वस्तदा I जगाम सः तेनैव सार्थेन पतिलालसा II १ II
બૃહદશ્વ બોલ્યા-તે સાર્થવાહનાં વચન સાંભળીને સુંદશંગી દમયંતી,પતિદર્શનની લાલસાએ તે વખતે જ સંઘની સાથે ચાલી.પછી,બહુ દિવસો પછી,તે વણિકોના મહાસંઘે તે દારુણ વનમાં 'પદ્મસૌગન્ધિક'નામના એક સરોવરના કિનારે નિવાસ કર્યો.થાકેલો સંઘ રાત્રે સૂતો હતો ત્યારે તેમના પાળતુ હાથીઓ પર જંગલી હાથીઓ ત્યાં ધસી આવ્યા.સંઘ માટે હાથીઓનો વેગ દુઃસહ થઇ પડ્યો ને અનેક લોકો તેમના પગ નીચે કચરાઈ ગયા.
સંઘમાં જે બચ્યા હતા,તે કહેવા લાગ્યા કે-આ કોના કર્મનું ફળ મળ્યું? દેવોનું પૂજન તો શું બરોબર થયું નહોતું કે શું? કે પછી કોઈ રાક્ષસી કે યક્ષિણી માનવરૂપ (દમયંતી) ધરીને આ સંઘમાં આવી છે તેનો આ પ્રતાપ છે?
ખરેખર તો,આપણે આ સંઘને ભરખી જનારીને ચોક્કસ મારી નાખવી જોઈએ'
આવાં વચન સાંભળીને દમયંતી ભયભીત થઈને વનમાં દોડી જઈને ફરીથી પોતાના નસીબ વિશે વિલાપ
કરવા લાગી કે 'મને હાથીઓએ કેમ કચરી નાખી નહિ? મને કયા પાપનું ફળ મળી રહ્યું છે?'
બીજે દિવસે સંઘ ત્યાંથી ગયો ત્યારે,કેટલાક બચી ગયેલા બ્રાહ્મણો સાથે તે ત્યાંથી જવા નીકળી ને ટૂંક સમયમાં
તે સુબાહુ ચેદિરાજના નગરમાં પહોંચી.ને રાજમંદિરની પાસે ગઈ.મહેલમાં વિરાજેલી રાજમાતાએ તેને જોઈ ને
દાસીને તેને પોતાની પાસે લઇ આવવાનું કહ્યું.દમયંતી રાજમાતા પાસે આવી ત્યારે રાજમાતાના પૂછવાથી તેણે પોતાનું દુઃખભર્યું વૃતાન્ત કહ્યું ને પોતાની ઓળખ આપી એટલે રાજમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું કે-
'હે કલ્યાણી તું મારે ત્યાં રહે.મારા માણસો તારા સ્વામીને ઢૂંઢશે.અથવા તે અહીંતહીં ફરતો તે નળ,કદાચ અહીં આવી પહોંચે પણ ખરો' પછી રાજમાતાએ પોતાની પુત્રી સુનંદાને બોલાવીને તેના કહ્યું કે-'દેવીના જેવી રૂપવાળી આને તું સૈરંધ્રી (ચોસઠ કળામાં કુશળ,સદાચાર સ્વરૂપથી સંપન્ન ને શરીરને શણગારવાની ક્રિયાને જાણનાર સ્ત્રી)
તરીકે જાણજે.એ તારી સખી થાઓ' એટલે દમયંતી ત્યાં ઉદ્વેગરહિત થઇ રહેવા લાગી (71)
અધ્યાય-૬૫-સમાપ્ત