Nov 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-350

 

અધ્યાય-૬૨-દમયંતીનો ત્યાગ 


II नल उवाच II यथा राज्यं तव पितुस्तथा मम न संशयः I न तु तत्र गामिप्यामि विषमस्य: कयंचन II १ II

 નળ બોલ્યો-'રાજય જેવું તારા પિતાનું છે,તેવું મારુ પણ છે એ વિષે મને સંશય નથી,પણ વિષમ સ્થિતિમાં આવેલો હું ત્યાં કોઈ રીતે જઈશ નહિ,એકવાર સમૃદ્ધિ સંપન્ન એવો હું ત્યાં ગયો હતો,ને તારા હર્ષમાં વૃદ્ધિ કરનારો થયો હતો,પણ હવે ત્યાં જઈને હું તારા શોકમાં વધારો કરનારો શા માટે થાઉં?'

બૃહદશ્વ બોલ્યા-'દમયંતીને આમ કહીને તે બંને આમતેમ ઘૂમતાં રહ્યાં ને ભૂખ ત્રાસથી થાકી ગયેલા તેઓ કોઈ એક ધર્મશાળામાં જઈ પહોંચ્યાં.થાકેલાં બંને ધરતી પર જ સુઈ ગયા.થાકેલી દમયંતી તો તરત જ નિંદ્રાને આધીન થઇ ગઈ પણ નળને નિંદ્રા આવી નહિ.પોતાની પરિસ્થિતિ વિશે વિચારતો તે ઊંઘી શક્યો નહિ.તે વિચારવા લાગ્યો કે 'દમયંતી મારામાં આસક્ત હોવાથી,મારા દુઃખને કારણે તે દુઃખ પામી રહી છે,પણ જો હું તેને ત્યજીને અહીંથી ચાલ્યો જાઉં તો તે કદાચ પિયર ચાલી જાય તો તે સુખી થશે જ'


કલિના કારણે નળરાજાને આમ અવળી બુદ્ધિ થઇ ને તેણે દમયંતીને છોડીને જવાનો નિશ્ચય કર્યો.

ને પોતાની પાસે વસ્ત્ર ન હોવાથી દમયંતીનું અર્ધું વસ્ત્ર કાતરી લેવાનો વિચાર કર્યો.તે વખતે તેણે ત્યાં કોઈની તલવાર જોઈ,કે જે લઈને,દમયંતી જાગી ન જાય તેમ તેનું અર્ધું વસ્ત્ર કાપીને પહેરી લીધું.ને ત્યાંથી તે નાસવા લાગ્યો.પણ પાછી દુઃખી દમયંતીની પરિસ્થિતિના વિચારથી તે પાછો આવ્યો.ને દમયંતીને જોઈને રોવા લાગ્યો.

ને વિચારવા લાગ્યો કે-;આ દમયંતી ઘોર વનમાં એકલી કેવી રીતે જશે?' પણ પછી તે મનથી કહેવા લાગ્યો કે-

'હે મહાભાગ્યવતી,તું ધર્મથી અભિરક્ષિત છે,આદિત્યો,વસુઓ,રુદ્રો -આદિ તારું રક્ષણ કરો'


કલિથી હરાયેલો તે ફરીથી ત્યાંથી ઉઠીને ચાલવા માંડ્યો.એક બાજુ કલિ તેને ખેંચતો હતો તો બીજી બાજુ દમયંતી પ્રત્યેનો પ્રેમ તેને આકર્ષતો હતો.પણ છેવટે કલિના મોહમાં સપડાયેલ ને વિવેક શૂન્ય થયેલા એવા તેણે પોતાની ભાર્યાને ત્યાં જ એકલી જ ત્યજીને,ત્યાંથી ચાલવા માંડયુ .(29)

અધ્યાય-૬૨-સમાપ્ત