અધ્યાય-૬૧-નળનું વનગમન
II बृहदश्च उवाच II ततस्तु याते वार्ष्णेये पुण्यश्लोकस्य दीव्यतः I पुष्करेण हतं राज्यं यथान्यद्वसु किंचन II १ II
બૃહદશ્વ બોલ્યા-વાર્ષ્ણેય સારથિના ગયા પછી,પુષ્કરે,જુગાર રમતા પુણ્યશ્લોક નળરાજાનું રાજ્ય તથા તેની પાસે જે સંપત્તિ હતી,તે સર્વ હરી લીધું.પછી,પુષ્કરે હસતાં હસતાં કહ્યું કે-'હવે તારી પાસે એક દમયંતી બાકી છે,તને ઠીક લાગે તો તેને તું દાવમાં મૂક' ત્યારે નળનું હૃદય ક્રોધથી જાણે ફાટી ગયું,ને તેણે કોઈ ઉત્તર આપ્યા વિના,
પોતાના અંગો પરના સર્વ અલંકારો ઉતારીને માત્ર એક પહેરેલે ધોતિયે ત્યાંથી નીકળી ગયો.
તે વખતે દમયંતી પણ માત્ર એક વસ્ત્ર પહેરીને તેને અનુસરી રહી.
નગરની બહાર,નળ-દમયંતી ત્રણ રાત રહ્યા.પણ પુષ્કરે નગરમાં ઢંઢેરો પીટાવ્યો હતો કે 'જે કોઈ નળની સાથે સત્કારપૂર્વક વર્તશે તેને મારે હાથે વધની શિક્ષા થશે' એટલે કોઈ નગરજનોએ તેને સાથ આપ્યો નહિ.
ભૂખથી પીડાઈ રહેલા તેઓ ફળફૂલ મેળવવા ભટકતા હતા.અનેક દિવસો વીત્યા પછી,તેમને સોનાની પાંખવાળાં કેટલાંક પક્ષીઓ જોયાં.એટલે નળે વિચાર્યું કે-'મને આ ભક્ષ્યરૂપ ને સંપત્તિરૂપ થયા છે' એટલે તેણે તે પક્ષીઓને તેને પોતાના પહેરેલા વસ્ત્રથી ઢાંકવા માંડયા,પણ ત્યાં તો તે વસ્ત્ર લઈને તે પક્ષીઓ આકાશમાં ઉડી ગયા.(14)
પોતાની આવી પરિસ્થિતિ થયેલી જોઈને નળે દમયંતીને કહ્યું કે-હે અનિન્દિતા,પાસાઓને કારણે મારી આવી પરિસ્થિતિ થઈને હું નિર્વસ્ત્ર ને દુઃખી થયો છું.ને મારે લીધે તું પણ દુઃખી થઇ છે.પણ,હવે આ આ આગળ જે રસ્તો છે તે વિદર્ભદેશ જાય છે તો તું ત્યાં બાળકો પાસે જા' ત્યારે દમયંતીએ કહ્યું કે-'દુઃખી થયેલા એવા તમને છોડીને હું કેમ કરીને છોડી જઈ શકું? જંગલમાં હું તમારે સાથે રહીને તમારી મદદરૂપ થઈશ.(29)
નળ બોલ્યો-'હે દમયંતી,તું સત્ય કહે છે.દુઃખી મનુષ્ય માટે ભાર્યા સમાન કોઈ મિત્ર કે ઔષધ નથી,
હું તને ત્યજવાને ઈચ્છતો નથી.હું મારા દેહનો ત્યાગ કરીશ પણ તારો ત્યાગ કરીશ નહિ'
દમયંતી બોલી-'તમે મને ત્યજવા ઇચ્છતા નથી તો મને આ વિદર્ભદેશનો માર્ગ કેમ બતાવો છો?તમારું મન ઠેકાણે ન હોવાથી કદાચ તમે મને ત્યજી દો,એવા વિચારથી તમે મારો શોક વધારી રહ્યા છો.તમે જો મારા દુઃખની ચિંતા કરીને મને પિયર મોકલવાની ઈચ્છા કરતા હો,તો આપણે બંને સાથે જ વિદર્ભ દેશ જઈએ,ત્યાં વિદર્ભરાજ તમારો સત્કાર કરશે,ને જથી તમે મારા પિયરમાં સુખેથી વસી શકશો (36)
અધ્યાય-૬૧-સમાપ્ત