અધ્યાય-૬૦-દ્યુતથી રોકવાનો દમયંતીનો પ્રયાસ
II बृहदश्च उवाच II दमयन्ती ततो दष्टवा पुण्यश्लोकं नराधिपम् I उन्मत्तवदनुन्मत्ता देवेन गतचेतसम II १ II
બૃહદશ્વ બોલ્યા-પછી,હે રાજન,પુણ્યશ્લોક નળ મહારાજને,જુગારમાં ગાંડાની જેમ ભાન ગુમાવેલો જોઈને,દમયંતી
ભય ને શોકથી ઘેરાઈ ગઈ ને રાજા પ્રત્યેના પોતાના અતિમહાન કાર્યનો વિચાર કરવા લાગી.ને તે નળ પાસે ગઈ.
રાજાએ તેના પ્રત્યે ધ્યાન ન આપ્યું એટલે દમયંતીએ બૃહત્સેના નામની દાસીને મંત્રીઓને બોલાવી લાવવા કહ્યું.
મંત્રીઓ આવ્યા ત્યારે પણ રાજાએ તેમના તરફ લક્ષ આપ્યું નહિ.ને જુગારમાં મશગુલ રહ્યો.
પછી,દમયંતીએ તે દાસીને નળના સારથી વાર્ષ્ણેયને બોલાવી લાવવા કહ્યું,તે સારથી જયારે આવ્યો ત્યારે દમયંતીએ તેને કહું કે-'રાજા તારી સાથે સદૈવ સારું વર્તન રાખે છે,તો આપત્તિમાં આવી પડેલા અમને તારે સહાય કરવી યોગ્ય છે.તે જેમ જેમ હારતા જાય છે તેમ તેમ તેમને જુગારમાં વિશેષ ચસ્કો ચડે છે.પુષ્કરના પાસાઓ તેના મનમાન્યા પડે છે.ને રાજાના પાસા ઉલ્ટા પડે છે.મોહમાં પડેલા તે કોઈનું એ વચન સાંભળતા નથી.
હે સારથી,તું મારુ વચન માન,હું તારા આશ્રયે આવી છું.મને અશુભ વિચારો આવે છે કદાચ વિનાશ આવશે.
એથી નળના પ્રિય અશ્વો,રથને જોડીને,તું આ બે બાળકોને તેમાં બેસાડીને કુંડીનપુર (વિદર્ભ દેશ) જા,
ને તેમને,રથને ને ઘોડાઓને ત્યાં મારા સગાંઓને સોંપજે ને તારી ઈચ્છા હોય તો તું પણ ત્યાં રહેજે અથવા બીજે ચાલ્યો જજે' પછી,મંત્રીઓએ પણ તે સારથિને તેમ કરવાની આજ્ઞા આપી એટલે તે રથ જોડીને,બાળકોને લઈને વિદર્ભદેશ ગયો અને સર્વ વિદર્ભરાજ ભીમસેનને સોંપ્યાં,ને પછી તે નળરાજાનો શોક કરતો અયોધ્યા નગરીમાં ગયો ને ત્યાં ઋતુપર્ણ રાજાની સેવામાં રહીને પોતાનો નિર્વાહ કરવા લાગ્યો (25)
અધ્યાય-૬૦-સમાપ્ત