અધ્યાય-૫૮-કલિનો દેવો સાથે સંવાદ ને તેનો કોપ
II बृहदश्च उवाच II वृते तु नैषधे भैम्या लोकपाला महौजसः I यान्तो दद्क्षुरायान्त द्वापर बलिना सह II १ II
બૃહદશ્વ બોલ્યા-તે ભીમનંદિની દમયંતી,નૈષધરાજને વરી,તે પછી મહાઓજસ્વી તે લોકપાલો પાછા જતા હતા ત્યારે તેમણે દ્વાપરને કલિ સાથે જોયો.તે વખતે ઇન્દ્રે કલિને પૂછ્યું કે-'તું દ્વાપરને લઈને ક્યાં જાય છે?'
એટલે કલિએ ઇન્દ્રને કહ્યું કે-'દમયંતીના સ્વયંવરમાં જઈને હું તેને વરીશ કેમ કે મારુ મન તેનામાં લાગેલું છે'
ઇન્દ્રે હસીને કહ્યું કે-'તે સ્વયંવર તો પૂરો થઇ ગયો,ને તે દમયંતી અમારી હાજરીમાં જ નળને વરી છે'(4)
ત્યારે કલિ ક્રોધે ભરાયો ને બોલ્યો-'તે દમયંતીએ દેવોની મધ્યે એક મનુષ્યને પતિ કર્યો છે તેથી તેને ભારે દંડ દેવો યોગ્ય છે' ત્યારે દેવોએ કહ્યું કે-'દમયંતી અમારી સંમતિથી નળને વરી છે.સર્વ ગુણોથી સંપન્ન એવા નળરાજાનો
કઈ સ્ત્રી આશ્રય ન લે? તે નળ અખિલ ધર્મોને જાણે છે,વેદો જાણે છે,અહિંસાવાદી છે,સત્યવાદી ને વ્રતધારી છે.
આવા નળને જે શાપ આપવા ઈચ્છે છે તે મૂરખ પોતાને જ શાપ આપે છે અને જાતે જ જાતને હણે છે.ને
કષ્ટદાયી એવા નરકમાં ગબડે છે' આમ કહી દેવો ત્યાંથી ચાલ્યા ગયા.(12)
દેવો ચાલ્યા ગયા પછી,કલિએ,દ્વાપરને કહ્યું કે-'હું મારા ક્રોધને પાછો વાળી શકતો નથી,
હું તે નળમાં જઈને વસીશ અને તેને રાજ્યથી ભ્રષ્ટ કરીશ.કે જેથી તે દમયંતી સાથે રમણ કરી શકશે નહિ.
મને તું મદદ કર ને (જૂગટાના) પાસાઓમાં પેસીને મારો સહાયભૂત થા.(15)
અધ્યાય-૫૮-સમાપ્ત
અધ્યાય-૫૯-નળનું દ્યુત
II बृहदश्च उवाच II एवं स समयं कृत्वा द्वापरेण कलिः सह I आजगाम ततस्तत्र यत्र राजा स नैषध: II १ II
બૃહદશ્વ બોલ્યા-આમ દ્વાપર સાથે વાત કરીને કલિ નળરાજાના નગરમાં આવીને નળમાં પેસવાનું નિત્ય છિદ્ર શોધતો તે નિષધનગરમાં બાર વર્ષ વસ્યો હતો.બારમે વર્ષે તેને નળનું એક છિદ્ર ખોળી કાઢ્યું.
એક વખત તે નળરાજે પેશાબ કર્યા પછી પગ ધોયા નહિ ને માત્ર આચમન કરીને સંધ્યોપાસનામાં બેઠો,
ત્યારે કલિએ તેનામાં પ્રવેશ કર્યો.ને પછી,તે કલિ,નળના ભાઈ પુષ્કર પાસે જઈને તેને કહેવા લાગ્યો કે-
'ચાલ,તું નળની સાથે જુગટુ રમ.મારી સહાયતાથી તું તેને નક્કી જીતીશ.આ નૈષધના રાજને તારું કર'
એટલે તે પુષ્કર નળ પાસે ગયો ને દમયંતીની હાજરીમાં તેને દ્યુત રમવાનું કહ્યું.એટલે નળે તેનો સ્વીકાર કર્યો.
પછી,સમયથી ઝપટાયેલો તે નળ,તે જુગારમાં ધન,સુવર્ણ,વાહન ને વસ્ત્રો હારી ગયો.જુગારના મદમાં મત્ત થયેલા તે નળને મિત્રોમાંથી,નગરજનોમાંથી,મંત્રીઓમાંથી કોઈ વારી શક્યું નહિ.અનેક માસ સુધી તે જુગટુ રમાયું
કે જેમાં તે પુણ્યશ્લોક નળરાજા હારી ગયો (18)
અધ્યાય-૫૯-સમાપ્ત