Nov 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-346

 

અધ્યાય-૫૭-દમયંતીનો સ્વયંવર 


II बृहदश्च उवाच II अथ काले शुभे प्राप्ते तिथौ पुण्ये क्षणे तथा I आजुहाव महीपालान भीमो राजा स्वयमवरे II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,શુભ સમયે,પુણ્યતિથિએ અને મંગલ ઘડીએ ભીમરાજાએ,રાજાઓને સ્વયંવરમાં તેડાવ્યા.

એટલે દમયંતીની કામના કરતા સર્વ મહીપાલો દેવો ને નળરાજા આવીને પોતપોતાના સ્થાન પર વિરાજ્યા.

પછી,સુંદરમુખી,દમયંતી જયારે રંગમંડપમાં દાખલ થઇ ત્યારે,રાજાઓની દ્રષ્ટિ તેના જે જે ગાત્રો પર પડી ત્યાં જ તે ચોંટી રહી ગઈ.પછી,રાજાઓના નામ બોલવા લાગ્યા ત્યારે તે દમયંતીએ એક સરખી આકૃતિવાળા પાંચ પુરુષોને જોયા,કે જેને જોઈને તે સંદેહમાં પડી ને તે નળરાજાને તે પાંચમાંથી ઓળખી શકી નહિ.(11)

જેને તે જોતી હતી તેને જ તે નળરાજા માનવા લાગી,પણ પછી તેણે પોતે સાંભળેલાં 'દેવોનો ચિહ્નો' વિશે વિચાર્યું,

પણ તેમાંથી એકે ચિહ્નો તેને ત્યાં બેઠેલા એકેયમાં જોયા નહિ.વારંવાર વિચાર કરીને તેણે નિશ્ચય કર્યો કે તે દેવોને શરણે જવું જ યોગ્ય છે.એટલે તેણે મન ને વાણીથી દેવોને નમસ્કાર કર્યા ને ધ્રૂજતી ધ્રૂજતી બોલી કે-'હે દેવો,હંસના વચન સાંભળીને મેં નૈષધનાથને જ મન અને વાણીથી મારા પતિ તરીકે સ્વીકાર્યા છે,ને જો આ સત્ય હો તો તે સત્ય વડે મને એ નળને બતાવો.હે લોકપાલો,તમે પોતાનું સ્વરૂપ પ્રગટ કરો એટલે હું નળને ઓળખી શકું'


દમયંતીના કરુણ વિલાપથી,તેના પાકા નિશ્ચયથી,તેની સાચી પ્રીતિથી,તેના મનની પવિત્રતાથી ને તેની બુદ્ધિ તથા નૈષધરાજ પ્રત્યેની ભક્તિ જોઈને દેવોએ પોતપોતાના ચિહ્નો પ્રગટ કર્યા.ત્યારે દમયંતીએ,પરસેવા વિનાના,અપલક આંખોવાળા,પ્રફુલ્લ પુષ્પમાળાવાળા,રજ વિનાના અને પૃથ્વીને સ્પર્શ કર્યા વિનાના દેવોને જોયા,પણ 

માત્ર પલકતી આંખોવાળા નળને જ પૃથ્વીને અડીને બેઠેલો જોયો.ને તરત જ તેણે,તેને વરમાળા આરોપી. 


વિસ્મય પામેલા દેવોએ 'સરસ થયું' એવો ઘોષ કર્યો,ત્યારે નળરાજા દમયંતીને ધીરજ આપીને બોલ્યો કે-

'હે કલ્યાણી,તું દેવોની સમક્ષ જ મને એક મનુષ્યને ભજે છે,તેથી તું મને તારી આજ્ઞામાં રહેનારા પતિ તરીકે જાણજે,

જ્યાં સુધી મારામાં પ્રાણ હશે ત્યાં સુધી હું તારામાં જ પરાયણ રહીશ.આ હું તને સત્ય કહું છું'

દમયંતીએ પણ તેને અભિનંદન આપ્યા ને પરસ્પર પ્રસન્નતા પામેલા તેઓ દેવોને શરણે ગયા.


એટલે તે ચાર તેજસ્વી લોકપાલોએ પ્રસન્ન થઈને,દરેકે બે બે વરદાન આપ્યાં.ઇન્દ્રે 'પોતાનું પ્રત્યક્ષ દર્શન અને શુભ અનુપમ ગતિ' એ બે વરો આપ્યા.અગ્નિએ,'નળ ઈચ્છે ત્યારે પ્રગટ થવું ને પ્રકાશમાન  લોકોની ગતિ' એ બે વર આપ્યા.યમરાજાએ 'અન્નરસ તથા ધર્મમાં પરમ નિષ્ઠા' ને વરુણે 'નળ ઈચ્છે ત્યાં જળપ્રાપ્તિ ને સુગંધી ફૂલમાળા'

એવાં બે બે વરદાનો આપ્યાં.ને આમ,વરદાનો આપી દેવો પાછા,પોતપોતાના વિમાનમાં સ્વર્ગમાં સિધાવ્યા.

ત્યાર બાદ,ભીમરાજે પુત્રીના વિવાહ સંસ્કાર કર્યા.નળરાજા નારીઓમાં રત્નસમી એવી દમયંતીને પામીને 

પોતાના નગરે જઈને તેની સાથે રમણ કરવા લાગ્યો.ને તે દમયંતીથી તેને, ઇંદ્રસેન નામે કુમાર ને ઇંદ્રસેની નામે કન્યાની પ્રાપ્તિ થઇ,તે નરપતિએ યજ્ઞો અને વિહારો કરતા રહી વસુંધરાનું રક્ષણ કર્યા કર્યું હતું (48)

અધ્યાય-૫૭-સમાપ્ત