અધ્યાય-૫૬-દમયંતીનો નિશ્ચય
II बृहदश्च उवाच II सा नमस्कृत्य देवेभ्यः प्रहस्य नलमन वीत I प्रणयस्य यथाश्रध्धं राजन किं करवाणि ते II १ II
બૃહદશ્વ બોલ્યા-પછી,મનથી દેવોને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરીને તે દમયંતીએ નળને કહ્યું કે-'હે રાજન,તમે મને પરણો.કહો હું તમારું શું પ્રિય કરું?હું ને મારુ ધન એ સર્વ તમારું જ છે,તમે વિશ્વાસપૂર્વક મને વરો.હંસોએ વર્ણવેલ તમારા રૂપની પ્રશંસાએ મને વિહવળ બનાવી છે ને તમારે કાજે જ મેં આ સર્વ રાજાઓને અહીં ભેગા કર્યા છે,તમે મને જો તરછોડશો તો હું આત્મહત્યા કરીશ' ત્યારે નળે કહ્યું કે-'લોકપાલો તારી ઈચ્છા કરતા ઉભા છે,છતાં તું મનુષ્યને કેમ પસંદ કરે છે?
હું તો તેમના ચરણની રજ બરાબર પણ નથી,માટે મારા વિશેનું તારું મન
તું પાછું વાળ.કેમ કે દેવોનું અપ્રિય કરનારો મનુષ્ય મૃત્યુ જ પામે છે એટલે તું મને બચાવ ને શ્રેષ્ઠ દેવને વર
તું દેવોને પામીને સ્વર્ગના સર્વ ભોગોને પ્રાપ્ત થઈશ.એક મિત્ર તરીકે મારુ કહેવું માની લે' (12)
ત્યારે અશ્રુજળથી ભરેલ નેત્રોવાળી દમયંતી બોલી-'સર્વ દેવોને નમસ્કાર કરીને હું તમને જ મારા પતિ તરીકે
વરુ છું,આ હું તમને સત્ય વચન જ કહું છું' પછી તે ધ્રૂજતી અને હાથ જોડી રહેલી દમયંતીને નળે કહ્યું કે-
'હે કલ્યાણી,હું તો દૂતના કામે આવ્યો છું.માટે તું મારા કહ્યા પ્રમાણે કર,પ્રતિજ્ઞા કરીને દેવોને વચન
આપ્યા પછી,હું સ્વાર્થ સાધવાનું કાર્ય કેવી રીતે કરી શકું? છતાં,મારો એ સ્વાર્થ જો ધર્મરૂપ હોય,
તો હે ભદ્રા,તું જ એવો પ્રયત્ન કર કે હું એ સ્વાર્થને સાધું'
દમયંતી બોલી-'હે નરેશ્વર,મેં આ નિષ્પાપ ઉપાય શોધી કાઢ્યો છે કે જેથી તમને દોષ નહિ લાગે,
મારો જ્યાં સ્વયંવર છે ત્યાં તેમે સર્વ દેવો સાથે આવજો,પછી એ લોકપાલોની સમક્ષ જ હું તમને વરીશ'
વૈદર્ભીએ આ પ્રમાણે કહ્યું એટલે નળ, દેવો પાસે પાછો ફર્યો.દેવોએ તેને 'શું બન્યું?' તે વિશે પૂછ્યું.
નળ બોલ્યો-'તમારી આજ્ઞા અને તેજને લીધે હું દમયંતીના આવાસમાં પ્રવેશી શક્યો હતો.
મેં ત્યાં સમયંતી આગળ તમારાં વખાણ કર્યા,પણ તે તો તમારો વિચાર પડતો મૂકીને મને જ વરવા તૈયાર થઇ છે ને તેણે મને કહ્યું કે-'તમે સાથે દેવો સ્વયંવરમાં આવજો ત્યારે દેવોની સમક્ષ હું તમને વરીશ,તેથી તમને કોઈ દોષ નહિ લાગે'હે દેવો,આવું ત્યાં બન્યું હતું.હવે આગળ શું કરવું તેમાં તમે મુખત્યાર છો ને તમે કહો તે પ્રમાણરૂપ' (31)
અધ્યાય-૫૬-સમાપ્ત