અધ્યાય-૫૪-દમયંતીના સ્વયંવરની તૈયારી
II बृहदश्च उवाच II दमयंती तु तच्छ्रुत्या वचो हंसस्य भारत I ततः प्रभृति न स्वस्था नलं प्रतिवभूव सा II १ II
બૃહદશ્વ બોલ્યા-હે ભારત,હંસનાં તા વચન સાંભળ્યા બાદ દમયંતી,નળના સંબંધમાં સ્વસ્થ રહી શકી નહિ,ને ચિંતામાં ડૂબી દીન થયી ગઈ.તેનું મોં ફિક્કું પડી ગયું,તે સુકાવા લાગી ને વારંવાર નિસાસા નાખવા લાગી.
તે વિચારમાં લાગી રહેતી અને જાણે ગાંડા જેવી દેખાતી,તેનું ચિત્ત કામથી ઘેરાઈ ગયું હતું.તે પીળી પડી ગઈ,તેને ભોગોમાં પ્રીતિ થતી નહોતી અને દિવસ કે રાતે તે સુઈ શક્તિ નહોતી,ને રડયા કરતી હતી.
દમયંતીની સખીઓ આ વાત જાણી ગઈ ને તેમણે વિદર્ભનાથને વાત કરી.'પુત્રીને યૌવન આવ્યું છે' તેમ જાણીને તેણે દમયંતીના સ્વયંવરની તૈયારી કરી ને સર્વ રાજાઓને આમંત્રણો મોકલ્યાં.એટલે સર્વ રાજાઓ તેના ત્યાં આવી પહોંચ્યા,ત્યારે વિદર્ભરાજ ભીમે તે સર્વનો પૂજા કરી સત્કાર કર્યો,ને રાજાઓએ મુકામ કર્યો.એ જ વખતે દેવર્ષિઓમાં શ્રેષ્ઠ એવા નારદ અને પર્વત બે મુનિઓ ફરતા ફરતા ઇંદ્રલોકમાં ગયા.ઇન્દ્રે તેમનો સત્કાર કરીને કુશળ પૂછ્યું.ને પછી 'હમણાં અહીં પૃથ્વીના રાજાઓ કેમ આવતા દેખાતા નથી?' તે વિષે નારદને પ્રશ્ન કર્યો (19)
નારદ બોલ્યા-'વિદર્ભરાજને ત્યાં દમયંતી નામે એક વિખ્યાત પુત્રી છે.તેણે પોતાના રૂપમાં તો પૃથ્વીની
સર્વ યુવતીઓને પાછળ મૂકી દીધી છે,તેના સ્વયંવરમાં સર્વ રાજાઓ પહોંચી ગયા છે'
નારદજી આમ કહી રહ્યા હતા,ત્યારે અગ્નિ-આદિ લોકપાલો ત્યાં આવી પહોંચ્યા.તે સર્વેએ પણ દમયંતીની
સુંદરતા ને સ્વયંવરની વાત સાંભળીને,દમયંતીના સ્વયંવરમાં જવાનો નિશ્ચય કરી,વિદર્ભદેશ પહોંચ્યા.
દમયંતીમાં ધ્યાનપરાયણ થયેલો ઉદાર મનવાળો નળ પણ સ્વયંવરમાં વિદર્ભમાં આવ્યો.સાક્ષાત કામદેવ જેવો રૂપવાળો ને સૂર્યની જેમ ઝળહળી રહેલ તે નળ રાજાને જોઈને લોકપાલો વિસ્મિત થયા ને દમયંતી સંબંધમાં ભગ્ન મનોરથ થયા.એટલે તેઓએ પોતાના વિમાનો આકાશમાં જ ઊભાં રાખીને,નીચે ઉતરીને,
નિષધરાજ નળને કહેવા લાગ્યા કે-'તમે સત્યવ્રત છો,અમને સહાય કરો ને અમારા દૂત થાઓ' (31)
અધ્યાય-૫૪-સમાપ્ત