નલોપાખ્યાન પર્વ
અધ્યાય-૫૨-ભીમસેનનાં વાક્યો ને નળાખ્યાનની પ્રસ્તાવના
II जनमेजय उवाच II अस्त्रहेतोर्गते पार्थे शक्रलोकं महात्मानि I युधिष्ठिरप्रभृतय: किमकुर्यत पांडवा: II १ II
જન્મેજય બોલ્યા-અસ્ત્રપ્રાપ્તિ માટે મહાત્મા અર્જુન ઇન્દ્રલોક ગયો ત્યારે યુધિષ્ટિર આદિ પાંડવોએ શું કર્યું?
વૈશંપાયન બોલ્યા-ત્યારે પાંડવો કામ્યક વનમાં વસી રહ્યા હતા.અર્જુનના વિયોગથી પીડાઈને,શોકમાં ડૂબેલા
તે પાંડવો એક વખત કૃષ્ણાની સાથે એકાંત સ્થાનમાં બેઠા હતા ત્યારે ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,જેના પર પાંડવોના પ્રાણનો આધાર છે,તે અર્જુન તમારી આજ્ઞાથી અહીંથી ગયો છે,તેનું વિશેષ દુઃખ છે.
જો એનો વિનાશ થાય તો આપણે સર્વ પણ વિનાશ જ પામીએ એમાં સંશય નથી,તેના ભુજબળથી જ આપણે સર્વ શત્રુઓને યુદ્ધમાં હરાવીને પૃથ્વી પ્રાપ્ત કરી હતી,એના પ્રભાવને લીધે જ મેં તે રાજસભામાં ધૃતરાષ્ટ્રપુત્રો ને શકુનિને પરલોકમાં વળાવ્યા નહોતા.એક તમારા કારણે જ અમે અમારા ઉછળતા આ રોષને સહન કરીએ છીએ.
અમે જો શ્રીકૃષ્ણના સહકારથી કર્ણ આદિ શત્રુઓને મારી નાખીએ તો જાતના બાહુબળથી જીતેલી સમગ્ર પૃથ્વી પર શાસન કરી શકીએ.તમારા જુગારદોષને કારણે જ અમે પૌરુષવાળા હોવા છતાં આ આપત્તિમાં ડૂબ્યા છીએ.ને દુર્યોધન આદિ મુર્ખાઓ બળવાન સામંતોનો સાથ લઈને વિશેષ બળવાન થઈને બેઠા છે.
હે મહારાજ,તમારે ક્ષાત્રધર્મને જોવો જોઈએ,કેમ કે વનમાં પડી રહેવું એ કોઈ ક્ષાત્રધર્મ નથી.વિદ્વાનો રાજ્યને જ ક્ષત્રિયોનો પ્રેમ ને ધર્મ જાણે છે.તો તમે એ ધર્મમાર્ગનો રખે નાશ કરો.આપણે એ અર્જુનને પાછો બોલાવીએ,
જનાર્દનને તેડાવીએ અને બાર વર્ષ પહેલા જ ધૃતરાષ્ટ્રપુત્રોને હણી નાખીએ.અમે તેમને હણી નાખીએ પછી તમે ભલે પાછા વનમાં આવજો,હે મહારાજ,આમ કરવામાં તમને કોઈ દોષ લાગશે નહિ.થયેલાં પાપોને વિવિધ યજ્ઞો વડે દૂર કરીને આપણે ઉત્તમ સ્વર્ગમાં જઈશું.પણ,આમ ત્યારે જ બનશે કે જયારે તમે અમારા ધર્મપરાયણ રાજા,
નાદાન ને દીર્ઘસૂત્રી ન થાઓ.કપટ બુદ્ધિવાળાઓને તો કપટબુદ્ધિથી જ હણવા જોઈએ.એવો વિદ્વાનોનો નિશ્ચય છે.કપટીને કપટથી મારવામાં પાપ કહ્યું નથી.વળી,ધર્મજ્ઞો એક રાતદિવસને એક વર્ષની બરાબર જુએ છે.
તેમ જ હે વિભુ,સદૈવ એ વેદવાચન સંભળાય છે કે,કૃચ્છપ્રાજાપત્ય કરવાથી એક વર્ષ સુધી પાળવાનું વ્રત પૂરું થાય છે.એટલે જો વેદ પ્રમાણરૂપ હોય તો તેર દિવસ પુરા થતાં તેર વર્ષનો કાળ પૂરો થયો છે એમ તમે જાણો.
તે દુર્યોધન સમગ્ર પૃથ્વીને હાથ ધરે તે પહેલા જ તેને તેના અનુચરો સાથે હણી નાખવાનો આ સમય છે.
હે રાજેન્દ્ર,તમે દ્યુતપ્રિય હોવાથી આવું કર્યું છે તમે અમને સર્વને અજ્ઞાતવાસમાં રાખવાના છો,
પણ તે દુર્જન દુર્યોધન પોતાના દૂતો દ્વારા આપણને જ્યાં ન જાણી શકે એવો કોઈ દેશભાગ મને દેખાતો નથી.
એ નીચ આપણને પકડી પાડીને ફરીથી વનમાં ધકેલશે અને જો કોઈ રીતે આપણી ભાળ કાઢી શકશે નહિ તો ફરીથી જૂગટું રમવા બોલાવશે.ત્યારે હે મહારાજ,તમે પ્રથમ જૂગટું રમીને ફરી જૂગટું રમ્યા હતા,તેમ તમને ફરી વાર તેડવામાં આવતાં તમે જૂગટું રમશો જ.અને ફરીથી તે દ્યુતથી જ લક્ષ્મી હરી લેશે.ને તમે ભાન વિનાના થઈને વનમાં વિચરશો ને વનવાસો રાખશો.હે મહારાજ,તમે અમને જીવનભર દીન જ રાખવા ઇચ્છતા હો તો તમે સમગ્ર વેદધર્મોંનો વિચાર કાર્ય કરો.બાકી કપટીને કપટથી જ મારવો જોઈએ એ સિદ્ધાંત છે.એટલે તમે અનુમતિ આપો તો હું ત્યાં જઈને દુર્યોધનને મારી સર્વ શક્તિથી હણી નાખીશ.
વૈશંપાયન બોલ્યા-'ત્યારે યુધિષ્ઠિરે ભીમનું શિર સૂંઘીને સાંત્વન આપતાં બોલ્યા કે-'તેર વર્ષ પુરા થતાં,તું અર્જુન સાથે દુર્યોધનને અવશ્ય હણશે,જ.પણ તું 'આજે યોગ્ય વખત આવ્યો છે' એવું જે કહે છે તેવું જુઠ્ઠું બોલવાની હામ ધરી શકું તેમ નથી.અવધિ પત્યા પછી તું દુર્યોધનને હણવાનો જ છે'
આમ તેઓ વાત કરી રહ્યા હતા તે વખતે બૃહદશ્ચ મહર્ષિ ત્યાં આવી પહોંચ્યા.તેમનું પૂજન આદિ થયા પછી તેમણે વિશ્રાંતિ લીધી,એટલે યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે-'કપટી જુગારીઓએ કપટથી મારા ધન ને રાજ્યને હરી લીધા,દ્રૌપદીનું ભરી સભામાં અપમાન કરીને અમને વનમાં મોકલ્યા છે.ને મેં અત્યંત દુઃખ પામી રહ્યા છીએ.
જુગારના પ્રસંગે મેં જે ભયંકર વચનો સાંભળ્યા છે ને પછી દુખિયારા મિત્રજનોએ જે વચનો મને સંભળાવ્યા છે,
તે સર્વને સાંભળીને મારી બધી રાત્રિઓ વિચારમાં જ વહી જાય છે.
વળી,જે અર્જુનના આધારે અમારા સર્વના પ્રાણો છે તેના વિના હું તો જાણે મડદું થઇ ગયો છું.તેને હું ક્યારે જોઈ શકીશ? આ પૃથ્વીમાં તમે ક્યારે ય એવો કોઈ રાજા પૂર્વે જોયો છે કે સાંભ;યો છે કે જે મારા કરતાંય વિશેષ અલ્પ ભાગ્યવાળો હોય ? મારા કરતાં બીજો કોઈ મનુષ્ય વધુ દુઃખીયો નથી એવું મારુ માનવું છે (50)
બૃહૃદશ્ચ બોલ્યા-હે મહારાજ,તમે જો સાંભળવા ઇચ્છતા હો તો તમેં કહું છું કે તમારા કરતાંયે વધુ દુખિયારો એક રાજા હતો.નિષધ દેશમાં વીરસેન નામે એક પ્રસિદ્ધ મહી[પાલ હતો,તેને ધર્મ-અર્થમાં નિષ્ણાત એવો નળ નામે પુત્ર હતો.મેં સાંભળ્યું છે કે.તે નળરાજાને,તેના ભાઈ પુષ્કરે દ્યુતમાં હરાવ્યો હતો અને ત્યાંત દુઃખાતુર થયેલો તે પોતાની ભાર્યા સાથે વનમાં જઈને વસ્યો હતો.ત્યારે તેની સાથે એકે ય દાસ નહોતો,રથ નહોતો કે ભાઈ કે સાગા સબંધી હતા.જયારે તમે તો દેવના જેવા વીર ભાઈઓથી અને દ્વિજોથી વીંટાઇને રહયા છો તેથી તમને શોક કરવો ઘટતો નથી' યુધિષ્ઠિર બોલ્યા-'તે મહાત્મા નળનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું તો તે મને કહો'(60)
અધ્યાય-૫૨-સમાપ્ત