અધ્યાય-૫૦-પાંડવોના આહારનું વર્ણન
II जनमेजय उवाच II यदि दंशोचित्तं राज्ञा धृतराष्ट्रेन वै मुने I प्रव्राज्य पांडवान्वीरात्सर्वमेतन्निरर्थकम् II १ II
જન્મેજય બોલ્યા-હે મુનિ,વીર પાંડવોને વનમાં કાઢ્યા પછી રાજા ધૃતરાષ્ટ્રે આ જે શોક કર્યો હતો તે નિરર્થક હતો,
કેમ કે મહારથી પાંડુપુત્રોને કોપાવનાર,એ અલ્પબુદ્ધિ દુર્યોધનની તેમણે તે વખતે કેમ ઉપેક્ષા કરી હતી?
હવે મને કહો કે તે પાંડવોનો વનમાં શો આહાર હતો? તેઓ વગડાઉ ખાતા હતા કે ખેડેલું ખાતા હતા?(3)
વૈશંપાયન બોલ્યા-તે પાંડવો,ફળ કંદમૂળ,ખેતી અને વગડાઉ ધાન્યને બ્રાહ્મણોને અર્પતા અને પછી તેઓ ખાતા હતા.
તેઓ જયારે વનમાં નિવાસ કરતા હતા ત્યારે અગ્નિહોત્રી ને અગ્નિહોત્ર વિનાના બ્રાહ્મણો તેમની પાછળ આવ્યા હતા.
યુધિષ્ઠિર હજાર સ્નાતક બ્રાહ્મણોને અને દશ મહાત્મા મોક્ષવેત્તાઓને ભોજન આપતા હતા.
વળી,તેઓ તીક્ષણ બાણોથી મારેલાં મૃગોને ને હિંસક પશુઓને પણ તેઓ મારીને તેનું ભોજન પણ લેતા હતા,
ને રુરુ,કાળિયાર ને બીજાં વનચર પ્રાણીઓને મારીને.તેનાં ચર્મ બ્રાહ્મણોને આસન બનાવવા અર્પિત કરતા હતા.(7)
ત્યાં કોઈ,નિસ્તેજ,રોગી,દુબળો,દિન કે ભયગ્રસ્ત નહોતો.યુધિષ્ઠિર,પોતાના ભાઈઓનું પોતાના પુત્રની જેમ અને જ્ઞાતિજનોનું પોતાના સહોદરોની જેમ પોષણ કરતા હતા,યશસ્વિની દ્રૌપદી,સર્વ બ્રાહ્મણો ને પતિઓને,
માતાની જેમ પ્રથમ જમાડતી અને પછી વધેલું પોતે જમતી.યુધિષ્ઠિર પૂર્વ દિશામાં,ભીમસેન દક્ષિણ દિશામાં અને નકુલ-સહદેવ પશ્ચિમ ને ઉત્તર દિશામાં નિત્ય જઈને માંસને નિમિત્તે મૃગોનો વધ કરતા હતા.
આમ અર્જુન વિનાના તે ઉત્સુક પાંડવો વનમાં રહેતા હતા,ત્યારે સ્વાધ્યાય,જપ અને હોમમાં તેમનાં
પાંચ વરસ વીતી ગયાં હતાં. (12)
અધ્યાય-૫૦-સમાપ્ત