અધ્યાય-૪૯-ધૃતરાષ્ટ્રનો ખેદ
II संजय उवाच II यदेतत्कचितं राजंस्त्वया दुर्योधनं प्रति I सर्वमेतयथातत्वं नैतन्मिथ्या महीपते II १ II
સંજય બોલ્યો-હે મહીપતિ,તમે દુર્યોધન સંબંધમાં જે કહ્યું તે બધું સાચું જ છે,તેમાંનું કશું મિથ્યા નથી.પોતાની ધર્મપત્ની કૃષ્ણાને સભામાં ઘસડી લાવવામાં આવેલી જોઈને તે પાંડવો ક્રોધથી ઘેરાયા છે.દારુણ ફળ લાવનારાં તે કર્ણ અને દુઃશાસનનાં વચનો સાંભળીને તે પાંડવો ઉંઘશે નહિ.એમ મારુ માનવું છે.હે રાજન,મેં સાંભળ્યું છે કે-
દેવાધિદેવ શિવજી,પોતે જ જિજ્ઞાસા માટે કિરાતનો વેશ લઈને અર્જુન સામે લડ્યા હતા,
ત્યારે અર્જુને તેમને પ્રસન્ન કર્યા છે.ને તેમની પાસેથી પાશુપતાસ્ત્ર મેળવ્યું છે,
વળી,તે વખતે લોકપાલોએ પણ તેને સાક્ષાત દર્શન આપ્યા છે.ને તેમના અસ્ત્રો પણ આપ્યા છે.આ ભૂમંડળ પર
અર્જુન સિવાય બીજો કોઈ માણસ એ ઇશ્વરોના સાક્ષાત દર્શન પામવાની હિંમત પણ કરી શકે.નહિ.
હે રાજન,જે અર્જુન,સંગ્રામમાં મહેશ્વર સામે પણ હાર્યો નથી,તેને હરાવવાને કયો માણસ હામ ભીડી શકે?
દ્રૌપદીને ઘસડનારાઓએ ને પાંડવોને કોપાવાનારાઓએ આ ઘોર અને રોમાંચક યુદ્ધ ઉભું કર્યું છે.
ત્યાં,દુર્યોધને,દ્રૌપદીને પોતાની સાથળો બતાવી હતી,તે જોઈને ભીમે કહ્યું હતું કે-;સંગ્રામમાં હું તારી સાથળોને ભાંગી નાખીશ' એ સર્વ પાંડવો પ્રહાર કરવામાં શ્રેષ્ઠ છે,અમાપ તેજસ્વી છે,સર્વ અસ્ત્રના વેત્તા છે અને તેઓ દેવોથી પણ અત્યંત દુર્જય છે,હું માનું છું કે રોષે ભરાયેલા ને પત્નીના અપમાનથી વિશેષ ક્રોધયુક્ત થયેલા તે પૃથાપુત્રો યુદ્ધમાં તમારા પુત્રોનો અંત લાવશે'
ધૃતરાષ્ટ્ર બોલ્યો-હે સૂત,કર્ણે કડવાં વચન બોલીને શું કર્યું?કૃષ્ણા સભામાં આવી એ જ વેરનું મૂળ કારણ છે.
જેમનો મોટોભાઈ (દુર્યોધન) વિનયમાં રહેતો નથી,તો બીજા મંદબુદ્ધિ મારા પુત્રો હવે શું નીતિમાં રહેશે?
મને આંખ વિનાનો,ચેષ્ટા વિનાનો અને ચેતન વિનાનો જોઈને તે મંદભાગી દુર્યોધન મારાં વચન સંભળાતો નથી.
કર્ણ,શકુનિ આદિ તેના જે મૂર્ખ મંત્રીઓ છે તેઓ તો અક્કલ વિનાના દોષોને વિશેષ વધાર્યા જ કરે છે.
તે અમાપ તેજસ્વી એવા અર્જુનનાં,જો,માત્ર સાધારણ રીતે છોડેલાં બાણો પણ મારા પુત્રોને બાળી શકે તેમ છે તો, તેણે ક્રોધમાં આવીને છોડેલાં બાણો વિશે તો શું કહેવું? વળી,અર્જુનના ધનુષ્યમાંથી દિવ્ય અસ્ત્રમંત્રોથી મંત્રેલાં બાણો તો દેવોને પણ હણી શકે તેમ છે.આ ઉપરાંત,ત્રૈલોક્યના નાથ એવા શ્રીહરિ જનાર્દન જેના મંત્રી,રક્ષક અને મિત્ર છે,તેને માટે શું અજેય છે? હે સંજય,અર્જુને મહાદેવ સાથે હાથોહાથનુ યુદ્ધ કર્યું હતું,એવું જે સંભળાય છે,
તે પણ એક અતિ આશ્ચર્ય ને અર્જુનની શક્તિનું માપ જણાવે છે.પૂર્વે,તેણે અગ્નિને સહાય આપવા ખાંડવવનમાં જે કર્યું હતું તે સર્વ પણ લોકની આંખ આગળ જ છે,સાચે જ,આ અર્જુન,ભીમ અને યદુવંશી વાસુદેવ ક્રોધે ભરાશે ત્યારે મારા પુત્રો,તેમના મંત્રીઓ અને શકુનિ સહિત બધા જ નાશ પામશે (23)
અધ્યાય-૪૯-સમાપ્ત