અધ્યાય-૪૮-ધૃતરાષ્ટ્રના ઉદગાર
II जनमेजय उवाच II अत्यद्भुतमिदं कर्म पार्थस्यामिततेजसः I धृतराष्ट्रो महाप्राज्ञः श्रुत्वा विप्र किमब्रवीत II १ II
જન્મેજય બોલ્યા-અમાપ તેજસ્વી એવા તે પૃથાનંદનનું આ અદભુત કર્મ સાંભળી ધૃતરાષ્ટ્ર શું બોલ્યા હતા?
વૈશંપાયન બોલ્યા-દ્વૈપાયન ઋષિ પાસેથી,'અર્જુન ઇંદ્રલોકમાં ગયો છે' એ સાંભળીને ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું કે-
'હે સૂત,ધીમાન પાર્થનું કર્મ મેં સાંભળ્યું છે,તું પણ એને યથાર્થ જાણે છે.પણ મૈથુન કાર્યમાં ગાંડો થયેલો મંદબુદ્ધિ,
પાપી વિચારવાળો ને દુર્બુદ્ધિવાળો મારો પુત્ર,આ પૃથ્વીનો ઘાણ જ કાઢશે એમ લાગે છે.(4)
વિનોદમાં પણ જેની વાણી નિત્ય સત્યમય છે અને ધનંજય જેનો લડવૈયો છે,તે યુધિષ્ઠિરને ત્રણે લોકનું રાજ્ય હાથ થશે.સરાણ પર તેજ કરેલાં કર્ણી ને નારાચ નામનાં બાણોને અર્જુન જયારે ફેંકતો હશે,ત્યારે મૃત્યુરુપી કાળ પણ તેની આગળ ઉભો રહી શકશે નહિ.મારા સર્વ દુરાત્મા પુત્રો મૃત્યુને વશ પડેલા છે.દુર્યોધનને દુર્જેય પાંડવો સાથે યુદ્ધ કરવાનું ઉભું થયું છે,ત્યારે હું રાતદિવસ વિચારી રહ્યો છું કે-એવો કોઈ રથી નથી કે જે યુદ્ધમાં અર્જુન સામે ટકી શકે.જો દ્રોણ,કર્ણ અને ભીષ્મ પણ તેની સામે ઝૂઝે,તો પણ મને સંદેહ છે કે તે તેને જીતી શકશે.
મને જય વિશે સંદેહ છે કેમ કે કર્ણ દયાળુ છે,કૃપાચાર્ય પ્રમાદી છે અને ગુરુ દ્રોણ ઘરડા છે.
અર્જુન અસહનશીલ છે,બળવાન છે,ઉદ્યોગી છે ને દ્રઢ પરાક્રમી છે.હવે તુમુલ ને અપરાજિત યુદ્ધ થશે જ,
તે સર્વે પાંડવો,અસ્ત્રવેત્તાઓ ને શૂરાઓ છે ને મહાન યશને પામેલા છે.ને ચક્રવર્તી પદની આકાંક્ષા રાખે છે.
એટલે એમના વધથી જ તેમને જીતી શકાય પણ અર્જુનને જીતી કે હણી શકે એવો કોઈજ મને દેખાતો નથી.
વળી,મારા પ્રત્યે ઉત્પન્ન થયેલો ક્રોધ કેમ કરીને શાંત થાય? ઇન્દ્રના જેવા એ વીરે ખાંડવવનમાં અગ્નિને તૃપ્ત કર્યો હતો,ને રાજસૂય યજ્ઞ વખતે તેણે સર્વ રાજાઓને જીતી લીધા હતા.જેમ,પર્વત પરથી પડતું વજ્ર કંઈ બાકી રહેવા દે નહિ તેમ,અર્જુને છોડેલાં બાણો કંઈ બાકી રાખશે?
જેમ,સૂર્યનાં કિરણો ચરાચર સર્વને બળે છે તેમ,અર્જુનના હાથમાંથી છુટેલાં બાણો મારા પુત્રોને બાળી નાખશે.
અર્જુનના રથના ઘોષથી,જાણે,મારી સેનાએ થરથરી ઉઠીને ચારે બાજુ નાસભાગ કરી રહી હોય એવું મને ભાસે છે.
જયારે અર્જુન,શસ્ત્ર સજ્જ થઈને સંગ્રામમાં એકધારાં બાણોને ચલાવશે,ત્યારે વિધાતાએ સર્જેલા સર્વનો સંહાર કરનારા કાળની જેમ એનો કોઈ પરાજય કરી શકશે નહિ એમ મને લાગે છે (18)
અધ્યાય-૪૮-સમાપ્ત