અધ્યાય-૪૭-લોમશ ઋષિનું યુધિષ્ઠિર પાસે આગમન
II वैशंपायन उवाच II कदाचिदटमानस्तु महर्षिरुत लोमशः I जगाम शक्रभवने पुरन्दरदिरक्षया II १ II
વૈશંપાયન બોલ્યા-એક વાર લોમશ મહર્ષિ,ઇંદ્રનાં દર્શનની ઈચ્છાથી ઘૂમતા ઘૂમતા ઇન્દ્રભવનમાં ગયા.
તેમણે ત્યાં પહોંચી ઇન્દ્રને નમસ્કાર કર્યા અને ઇન્દ્રના અર્ધા આસન ઉપર બેઠેલા અર્જુનને જોયો.
એટલે તેમને વિચાર આવ્યો કે-'ક્ષત્રિય અર્જુન કેવી રીતે ઇન્દ્રાસન પામ્યો?એણે એવું કયું પુણ્યકાર્ય કર્યું છે
કે કયા લોકોને જીત્યા છે તે આમ દેવોથી નમસ્કારેયેલા સ્થાનને પામ્યો છે?'
ત્યારે ઇન્દ્ર તેમનો વિચાર જાણી ગયા ને સ્મિતપૂર્વક તેમને કહેવા લાગ્યા કે-(6)
'મનુષ્યયોનિ પામેલો આ અર્જુન કેવળ મરણાધીન માનવી જ છે-એવું નથી,તે કુંતીમા ઉત્પન્ન થયેલો મારો પુત્ર છે ને
અસ્ત્રો મેળવવાના નિમિત્તથી અહીં આવ્યો છે.વળી,એ કોણ છે? ને તેનું પૃથ્વી પર અવતરવાનું કારણ હું કહું છું તે તમે સાંભળો.નર અને નારાયણ નામે જે બે પુરાણા ઋષિવરો છે,તે બંને આ ધનંજય અને શ્રીકૃષ્ણ છે એમ તમે જાણો.ને તે બંને મારા આદેશથી વિશેષ કાર્યના નિમિત્તે પૃથ્વી પર અવતર્યા છે.તેઓ ભૂમિનો ભાર ઉતારશે.
નિવાત-કવચ નામે કેટલાક ઉદ્ધત અસુરો વરદાન પામી મોહિત થઈને ને અમારું અપ્રિય કરવાનો,દેવોને મારવાનો વિચાર રાખે છે.તે ભયંકર ને મહાબલિ દનુપુત્રો પાતાળમાં વસનારા છે ને તેમની સામે લડવામાં દેવોના સંઘો પણ સમર્થ નથી.વિષ્ણુના અવતાર કપિલદેવે જેમ રસાતાળને ખોદી રહેલા સગરપુત્રોને માત્ર દ્રષ્ટિ વડે જ બાળ્યા હતા,તેમ વિષ્ણુના આ અવતાર શ્રીકૃષ્ણ (નારાયણ) ને નર (અર્જુન) અમારું મહાન કાર્ય કરશે.એમાં સંશય નથી.
એ મધુસૂદન,માત્ર એક દૃષ્ટિથી નિવાત-કવચ આદિ સર્વ અસુરોને તેમના અનુચરો સહિત હણી શકે તેમ છે.
એ અલ્પ કાર્યને માટે એમને જગાડવા યોગ્ય નથી,કારણકે તેજના મહાન ભંડાર એવા તે જાગી ઉઠે તો
સમસ્ત જગત બાળીને ખાખ કરી નાખે.આ અર્જુન,તે સમસ્ત અસુરોનો સામનો કરીને તેમને રણમાં રોળવા સમર્થ છે,તે સર્વને રણમાં રોળીને પાછો માનવલોકમાં જશે.એટલે હવે,તમે મારી આજ્ઞાથી પૃથ્વી પર જઈને કામ્યક વનમાં વસતા યુધિષ્ઠિરને મળો,ને તેમને મારો સંદેશો કહેજો કે-
'તેઓ અર્જુન વિશે ચિંતા કરે નહિ.અર્જુન અસ્ત્રસિદ્ધિને પામ્યો છે ને સંગીતની વિદ્યામાં પણ પારંગત થયો છે,
તે ઝટ પાછો આવી જશે.તેઓ પુણ્યતીર્થોમાં ફરીને,સ્નાન કરીને પાપ ને સંતાપથી મુક્ત થાય-એમ તેમને કહેજો.
વળી,હે દ્વિજશ્રેષ્ઠ,તમે તપોબળથી સંયુક્ત છો તો તમે યુધિષ્ઠિરનું રક્ષણ કરજો'
ઇન્દ્રે.લોમશ મુનિને આમ કહ્યું એટલે અર્જુન પણ તેમને કહેવા લાગ્યો કે-હે મહામુનિ,એવું કરજો કે
યુધિષ્ઠિરરાજ તમારાથી રક્ષાઇને તીર્થયાત્રા કરી શકે ને દાન આપી શકે.
વૈશંપાયન બોલ્યા-ત્યારે તે લોમશ મુનિએ 'ભલે એમ કરીશ' એવી પ્રતિજ્ઞા કરીને પૃથ્વી પર આવી,કામ્યક વનમાં ગયા,ત્યાં તેમણે ભાઈઓ ને તપસ્વીઓથી વીંટળાયેલા ધર્મરાજ યુધિષ્ઠિરને જોયા.(35)
અધ્યાય-૪૭-સમાપ્ત