અધ્યાય-૪૬-અર્જુનને ઉર્વશીનો શાપ
II वैशंपायन उवाच II ततो विसृज्य गंधर्व कृतकुत्यं शुचिस्मिता I उर्वशी चाकरोत्सनानं पार्थदर्शनलालसा II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,મંગળ હાસ્યવાળી ઉર્વશીએ,કૃતાર્થ થયેલા ગંધર્વને વિદાઈ આપી અને પાર્થને મળવાની લાલસાએ સ્નાન કર્યું.સ્નાન પછી,સજેલા હૃદયહારી અલંકારોથી,સુગંધમાળાઓથી,ધનંજયના રૂપથી અને કામપ્રેરિત બાણોથી અતિશય વીંધાયેલ મન વડે તે કામથી પ્રદીપ્ત થઇ રહી હતી.પછી,
જયારે ચંદ્રોદય થયો ત્યારે તે પોતાના ભવનમાંથી નીકળી પાર્થના ભવન તરફ જવા નીકળી.(5)
સુકુમાર,વાંકડિયા,લાંબા કેશકલ્પથી તે લલના શોભાયમાન થઇ રહી હતી.ભમ્મરોના કટાક્ષોથી,આલાપોના માધુર્યથી,કાંતિથી,સૌમ્યતાથી અને પોતાના મુખચંદ્રથી તે જાણેકે ગગનચંદ્રને પડકારતી જતી હોય તેમ જણાતી હતી.ચાલી જતી તે ઉર્વશીનાં ઉત્તમ ચંદનની અર્ચાવાળાં ને હારની શોભા વધારનાર સ્તનો ઉછાળા મારી રહ્યા હતા.ને તેના ભારને લીધે તે ડગલે ડગલે નમી જતી જણાતી હતી.વિશાલ,ઊંચા અને ભરાવદાર નિતંબોથી સંયુક્ત,
કામદેવના ધામરૂપ,ઉજ્જવળ,કટિમેખલાથી વિભૂષિત,ને ઋષિઓનાં મનને પણ ચલિત કરવામાં કારણ સમું,
સૂક્ષ્મ વસ્ત્રને ધારણ કરી રહેલું,એનું જઘન સ્થાન નિષ્કલંક શોભી રહ્યું હતું.અલ્પ મદ્યપાનથી,સંતોષથી,
કામભાવથી,ને વિવિધ વિલાસોથી તે વિશેષ દર્શનીય થઇ હતી.(13)
આમ નીકળેલી તે વિલાસિનીનું રૂપ અનેક આશ્ચર્યોવાળા સ્વર્ગમાં પણ સિદ્ધો,ચારણો.ગંધર્વો માટે અતિ પ્રેક્ષણીય થયું હતું.મેઘવર્ણા,ઝળહળતા,અને અતિસુક્ષ્મ એવા ઓઢણાથી વીંટાયેલી,તે ઘડીકમાં તો અર્જુનના ભવને પહોંચી.
દ્વારપાળોએ અર્જુનને તેના આવવા ની ખબર આપી એટલે અર્જુને તેને આવકારવા સામે ગયોઃ ને ઉર્વશીને જોતાં જ તેનાં નયનો લજ્જાથી બીડાઈ ગયાં,ને તેણે અભિવાદન કરી ગુરુને યોગ્ય એવો સત્કાર આપ્યો (19)
અર્જુન બોલ્યો-હે અપ્સરાઓમાં શ્રેષ્ઠ,હું તમને શિર ઢાળીને વંદન કરું છું,હે દેવી,તમે આજ્ઞા ફરમાવો,હું તમારો સેવક તમારી સામે ઉભો છું' અર્જુનનાં આવાં વચન સાંભળીને ઉર્વશી તે વખતે મૂઢ જેવી થઇ ગઈ,
પણ પછી ચિત્રસેન ગંધર્વે કહેલાં વચનો તે અર્જુનને સંભળાવતી બોલી કે-હે મનુજવર,ચિત્રસેનએ મને જે કહ્યું હતું અને જે કારણે હું અહીં આવી છું તે હું તમને કહીશ.તમારા આગમન નિમિત્તે તમારા સત્કર્મ સ્વર્ગમાં પરમ ઉત્સવ થયો હતો,ને તે ઇન્દ્રની મનોરમ સભામાં સર્વ સમૂહની સામે ગંધર્વની વીણાઓ ને અપ્સરાઓના નૃત્ય ચાલી રહ્યા હતા,ત્યારે હે પાર્થ,તમે મને એકીટશે મને એકલીને જ જોઈ રહ્યા હતા.
તમારી શસ્ત્રોની ને સંગીતની શિક્ષા બાદ,ઈન્દ્રથી આદેશ પામેલો ચિત્રસેન મારી પાસે આવ્યો હતો,ને મને
કહ્યું હતું કે-'તું ઈન્દ્રનું,મારું ને તારું પોતાનું પ્રિય કર અને રણમાં શૂર અને સર્વગુણસંપન્ન એવા અર્જુનને ભજ'
એટલે તમારા પિતાની ને ચિત્રસેનની આજ્ઞા પામીને હું તમારી પાસે આવી છું.તમારા ગુણોથી મારું ચિત્ત તમારા પ્રતિ ખેંચાયું છે ને હું કામને આધીન થઇ છું.ને ઘણા વખતથી ઇચ્છેલો આ મારો મનોરથ પણ છે'(35)
વૈશંપાયન બોલ્યા-ઉર્વશીના આવા કહેવાથી અર્જુન શરમથી અત્યંત ઘેરાઈને કાનોને હાથથી ઢાંકીને બોલ્યો-
'હે ભાવિની,તું મને જે કહી રહી છે તે મારે સાંભળવા યોગ્ય ન હો.તું તો મારે મન નિઃસંશય ગુરુપત્ની સમાન છે.
જેવી મારે માતા કુંતી છે ને ઇન્દ્રપત્ની શચી છે તેવી તું પણ છે.આ વિશે વિચારણા કરવાની હોય નહિ.
હે શુભા,મેં તારી સામે વિશેષ કરીને જે જોઈ રહ્યો હતો,તેનું સત્ય કારણ તું સાંભળ.મેં તને ત્યાં જોઈ,ત્યારે
'આ પૌરવ વંશની જનેતા પ્રસન્નતા પામી રહી છે' એમ જાણીને મારા લોચન પ્રફુલ્લ થયા હતાં.આથી તારે અવળી રીતે મારે વિશે વિચાર કરવો ઘટે નહિ,તું તો મારા ગુરુની પણ ગુરુ છે ને મારા વંશને વધારનારી છે.(41)
ઉર્વશી બોલી-'હે ઈંદ્રનંદન.અમે સર્વ અપ્સરાઓ,આવરણમુક્ત છીએ.મને માતાના સ્થાને ગણવી યોગ્ય નથી.
પુરુવંશના જે પુત્રો ને પૌત્રો,તપ વડે અહીં આવ્યા છે,તેઓ પણ અમારી સાથે રમણ કરે જ છે,તેમાં તેમનું કોઈ ઉલ્લંઘન થતું નથી,તો તમે પ્રસન્ન થાઓ મને કામાતુરને છોડવી યોગ્ય નથી.તમારી ભક્ત એવી મને ભજો'(44)
અર્જુન બોલ્યો-'હે અનિન્દિતા,હું જે સત્ય કહું છું તે તું સાંભળ.ને દિશાઓ,દેવતાઓ પણ મારી વાત સાંભળે.
જેવી કુંતી,માદ્રી ને શચી મારી માતા છે,તેવી મારા વંશની જનેતા જેવી તું પણ મારી માતા છે.આજે તો તું અધિક પૂજાપાત્ર છે.તું અહીંથી જા,હું શિર ઢાળીને તારે પગે પડું છું,તારે મારુ પુત્રની જેમ રક્ષણ કરવું ઘટે છે' (47)
ત્યારે ઉર્વશી ક્રોધથી મૂર્છિત થઇ ગાઈને ભમ્મરને વાંકી કરીને કોપીને ધનંજયને શાપ આપતી બોલી કે-
'તારા પિતાની આજ્ઞા પામીને,જાતે કરીને તારે ભવને આવેલી ને કામબાણથી પરવશ એવી મને તું અભિનંદન આપતો નથી,તેથી હે પાર્થ,તું સ્ત્રીઓની વચ્ચે માન વિનાનો નાચનારો થશે અને નપુંસક તરીકે વિખ્યાત થઈને ષંઢની જેમ વિચરશે' ને આમ અર્જુનને શાપ આપીને ધૂજતા હોઠવાળી તે પોતાના ભવને દોડી ગઈ.
પછી,અર્જુન,ઉતાવળે પગલે ચિત્રસેન પાસે ગયો ને સર્વ વાત કહી સંભળાવી.ચિત્રસેનએ તે સર્વ વાત ઇન્દ્રને કહી,એટલે ઇન્દ્રે અર્જુનને એકાંતમાં બોલાવીને સાંત્વન આપી સ્મિતપૂર્વક કહ્યું કે-'હે શ્રેષ્ઠ,તને પુત્રરૂપે પામીને પૃથા સુપુત્રવતી થઇ છે,ઉર્વશીએ તને જે શાપ આપ્યો છે તે તને અર્થકારી ને કાર્યસાધક થશે.તમારે તેરમા વર્ષે પૃથ્વી પર ગુપ્તવાસ રાખવાનો છે ત્યાં તું આ શાપ ભોગવી લેજે.એ નાચનારાના વેશમાં તથા નપુંસક તરીકે એક વર્ષ ગાળ્યા પછી તું ફરીથી પુરુષપણાને પામશે.' ઇન્દ્રે જયારે આમ કહ્યું ત્યારે અર્જુન પરમ આનંદ પામ્યો ને શાપને ભૂલીને ગંધર્વ સાથે સ્વર્ગભાવનમાં આનંદ કરવા લાગ્યો.(61)
જે કોઈ પાંડુપુત્ર અર્જુનનું આ ચરિત્ર નિત્ય સાંભળે છે તેને પાપકર્મોમાં ઈચ્છા થતી નથી,અર્જુનનું આ ચરિત સાંભળીને રાજાઓ મદ,દંભ,રાગ તથા દોષોથી મુક્ત થાય છે,ને સ્વર્ગમાં આનંદથી રમણ કરે છે (63)
અધ્યાય-૪૬-સમાપ્ત