અધ્યાય-૪૫-ચિત્રસેન અને ઉર્વશીનો સંવાદ
II वैशंपायन उवाच II आदायेवाथ तं शक्रचित्रसेनं रहोSब्रवित् I पार्थस्य चक्षुरुर्वश्यां सक्तं विज्ञाप वासवः II १ II
વૈશંપાયન બોલ્યા-વાસવ ઈંદ્રે,'અર્જુનની દૃષ્ટિ ઉર્વશીમાં આસક્ત થઇ છે' એવું જાણીને એકવાર ચિત્રસેનને એકાંતમાં બોલાવીને કહ્યું કે-'હે ગંધર્વરાજ,તું આજે જ મારા મોકલવાથી અપ્સરાશ્રેષ્ઠ ઉર્વશી પાસે જા ને તે અર્જુન પાસે જાય તેમ કર.તે અસ્ત્રવિદ્યા ને સંગીતવિદ્યામાં પારંગત થયો છે ને હવે તે સ્ત્રીસંગમાં વિશારદ થાય,એમ તું પ્રયત્ન કર' આમ,ઇન્દ્રની આજ્ઞાથી તે ચિત્રસેન,ઉર્વશી પાસે ગયો ઉર્વશીએ તેનો ભાવ જાણીને તેને સત્કાર આપ્યો.
પછી સુખપૂર્વક બેઠેલો ચિત્રસેન,સુખાસને બેઠેલી ઉર્વશીને કહેવા લાગ્યો કે-(5)
'હે સુનીતંબિની,ઈંદ્રના મોકલવાથી હું અહીં આવ્યો છું.જે (અર્જુન) પોતાના સહજ ગુણોથી,લક્ષ્મીથી,શીલથી,
વ્રતથી અને ઇન્દ્રિયદમનથી દેવો ને મનુષ્યોમાં પ્રખ્યાત છે,જે બળ ને વીર્યથી વિખ્યાતિ પામ્યો છે,જે પ્રતિષ્ઠાવાન છે,જે વર્ચસ્વી ને તેજસ્વી છે,જે ક્ષમાવાન અને મત્સરરહિત છે,જે વેદોને પુરાણોને ભણ્યો છે,જે મેધાવી છે,
જે યુવાન છે ને ઇન્દ્રની જેમ પૃથ્વીનો રક્ષક છે,જે આપવડાઈથી મુક્ત છે,જે સામાને સન્માન આપે છે,
જે સૂક્ષ્મને પણ સ્થૂલની જેમ તરત જાણી લે છે,જે પ્રિય બોલનારો છે,જે સ્નેહીઓને અન્ન-આદિથી તૃપ્ત કરે છે,
જે સત્યવચની,પૂજિત,વક્તા,રૂપવાન તથા નિરહંકારી છે,જે ભક્તો પર અનુકંપાવાન છે,જે યુદ્ધમાં સ્થિર છે અને
જે ઇચ્છનીય ગુણોના સમૂહ વડે મહેન્દ્ર ને વરુણની તુલ્ય છે,તે વીર અર્જુનને તો તું જાણે જ છે.ઇન્દ્રની આજ્ઞા પામેલો તે આજે તારા ચરણને પ્રાપ્ત થઇ સ્વર્ગના ફળને પ્રાપ્ત કરે તેટલું તું કર.તે તારા શરણે આવ્યો છે'
ત્યારે ઉર્વશીએ સ્મિત કર્યું ને ઇન્દ્ર તરફથી મળેલા સન્માનથી પ્રસન્ન થઇ બોલી-'તમે મને અર્જુનના સાચા ગુણોમાંના થોડા જ કહ્યા છે,તેના બધા ગુણો તો મેં પ્રથમથી જ સાંભળ્યા છે ને તેથી હું કામપીડા પામી રહી છું.
હું તો તેને વરી ચુકી છું.ઇન્દ્રની આજ્ઞાથી,તમારી પ્રાર્થના અને એના ગુણોથી હું તેના પર મોહિત થઇ જ છું.
તમે યચેચ્છ જાઓ.હું સુખેથી અર્જુનને ત્યાં જઈશ જ' (18)
અધ્યાય-૪૫-સમાપ્ત