Nov 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-331

 

ઇન્દ્રલોકાભિગમન પર્વ 

અધ્યાય-૪૨-અર્જુન ઇન્દ્રપુરીમાં 


II वैशंपायन उवाच II गतेषु लोकपालेषु पार्थः शत्रुनिवर्हण: I चितयामास राजेन्द्र देवराजरथं प्रति II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજેન્દ્ર,તે લોકપાલો ગયા પછી અર્જુન,ઇન્દ્રના રથનું મનમાં ચિંતન કરતો હતો,તે સમયે,

માતલિ સાથેનો મહા કાંતિમાન રથ ત્યાં આવી પહોંચ્યો.તે રથ આકાશને અંધકારરહિત કરતો હતો ને જાણે મેઘોને ચીરતો હતો.તે રથમાં અસંખ્ય શસ્ત્રો હતા ને વાયુના વેગ જેવા દશ સહસ્ત્ર હરિ નામના અશ્વો જોડેલા હતા.

અર્જુને,સુવર્ણજડિત દંડે બાંધેલો 'વૈજયંત' નામનો ઇન્દ્રધ્વજ જોયો.ને રથમાં સુવર્ણથી વિભૂષિત થયેલા સારથિને બેઠેલો જોઈને 'તે કોઈ દેવ જ છે' એવો તર્ક થયો.પણ,એટલામાં તો તે માતલિ સારથી રથમાંથી ઉતરીને તેની પાસે આવીને અતિ નમ્ર સ્વરે અર્જુનને કહેવા લાગ્યો કે-(10)

'હે શકનંદન,શ્રીમાન ઇન્દ્ર તમને મળવા ઈચ્છે છે,તો તમે ઇન્દ્રના આ માનીતા રથમાં ઝટ ચડો.દેવોમાં શ્રેષ્ઠ અને તમારા પિતા શતક્રતુ ઇન્દ્રે મને કહ્યું છે કે-'સ્વર્ગ નિવાસી દેવો,ઋષિઓ,ગંધર્વો ને અપ્સરાઓ,તમને જોવાને ઇચ્છીને તમારી રાહ જોઈ રહ્યા છે.તો રથમાં ત્યાં પધારી,અસ્ત્રપ્રાપ્તિ કરીને આ લોકમાં તમે પાછા આવજો'


અર્જુન બોલ્યો-'હે માતલિ,તું જા,અને પ્રથમ એ રથમાં ચઢ.મહાભાગ્યશાળી રાજાઓ,દેવતાઓ ને દાનવો માટે પણ એ રથમાં બેસવું અતિ દુર્લભ છે.તપશ્ચર્યા નહિ કરનારો મનુષ્ય તો એ દિવ્ય રથને જોઈ શકતો નથી કે સ્પર્શ પણ કરી શકતો નથી,તો તેમાં બેસી તો કેમ શકે?તું રથમાં બેસ ને ઘોડાઓ સ્થિર થાય પછી હું રથમાં ચડીશ'


વૈશંપાયન બોલ્યા-'અર્જુનનાં વચન સાંભળી તે માતલિ,તરત જ રથમાં ચડ્યો ને લગામથી અશ્વોને સ્થિર કર્યા.

અર્જુને ગંગામાં સ્નાન કરી,જાપ જંપી,પિતૃઓને તર્પણ કરી,મંદરાચળ પર્વતની સ્તુતિ કરી તેમની આજ્ઞા 

માગી.ને તેમની રાજા લઈને તે દિવ્ય રથમાં ચડ્યો.ને રથ અતિત્વરાથી આકાશમાં ચાલ્યો.ને મનુષ્યોની 

દ્રષ્ટિમર્યાદાથી બહાર નીકળી ગયો.માર્ગમાં તેણે અદભુત રૂપવાળાં હજારો વિમાનો ને તારાઓ દીઠાં..

ત્યાં યુદ્ધમાં હણાયેલા વીરો,રાજર્ષિઓ,અને સિધ્ધો જોવામાં આવ્યા.

વળી,સેંકડોના સંઘો,તેમણે તપસ્યાથી જીતેલા સ્વર્ગમાં આવતા જોયા.


સૂર્યના જેવા જ્વલંત તેજવાળા હજારો ગંધર્વો,ગુહ્યકો,ઋષિઓ અને અપ્સરાઓના સંઘોને જોઈને અર્જુન વિસ્મય પામ્યો એટલે તેને માતલિને તે વિષે પૂછ્યું ત્યારે માતલિએ કહ્યું કે-'હે પાર્થ,તમે ભૂતળ પર જે તારાઓ જોયા છે તે આ પુણ્યશાળીઓ પોતપોતાના સ્થાને પ્રતિષ્ઠિત છે' પછી,અર્જુને,સ્વર્ગદ્વારે ઉભા રહેલા,ચાર દાંતવાળા ઐરાવત નામના ઇન્દ્રના હાથીને જોયો.ને સિદ્ધોના માર્ગને વટાવીને,અને રાજલોકોને પાછળ મૂકીને આગળ ગયો.

આમ,તે સ્વર્ગલોકમાં વધુ આગળ ગયો ત્યારે તેણે ઇન્દ્રની અમરાવતી પુરીને જોઈ (42) 

અધ્યાય-૪૨-સમાપ્ત