Nov 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-330

 

અધ્યાય-૪૧-અર્જુનને લોકપાલો પાસેથી અસ્ત્રપ્રાપ્તિ 


II वैशंपायन उवाच II तस्य संषश्यत्स्त्वेव पिनाकी वृषभध्वजः I जगामादर्शनं भानुर्लोकस्येवास्त मियिवान II १ II

વૈશંપાયન બોલ્યા-જેમ,અસ્ત પામતો સૂર્ય,લોકની દ્રષ્ટિ બહાર જાય છે,તેમ પિનાકધારી વૃષભધ્વજ (શંકર) તે અર્જુનના દેખાતા જ તેના દર્શન બહાર થઇ ગયા.અર્જુન 'મેં સાક્ષાત મહાદેવને જોયા' એવું પરમ આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો કે-ભગવાને દર્શન આપીને તેમણે મારો સ્પર્શ કર્યો,એથી હું ધન્ય ને કૃપાપાત્ર થયો.

હવે હું સર્વ શત્રુઓને જીતી શકીશ ને મારુ પ્રયોજન સિદ્ધ થઇ ગયું.'(4)

અર્જુન આ પ્રમાણે વિચારતો હતો ત્યારે,જળચરોના અધિપતિ એવા વરુણદેવ નાગો,નદો-આદિ સાથે ત્યાં આવી પહોંચ્યા,પછી,યક્ષોથી અનુસરાયેલા કુબેર,મહાતેજસ્વી વિમાનમાં ત્યાં આવ્યા,ત્યાર બાદ,વિવસ્વાન પુત્ર અને ધર્મરાજ એવા સાક્ષાત યમ,મનુષ્ય શરીર ધારણ કરી લોકપાલક પિતૃઓ સાથે વિમાનમાં આવ્યા.

આ સર્વે હિમાલયના ઝળહળતાં શિખરો પર બેસીને તપથી યુક્ત અર્જુનને જોવા લાગ્યા.(12)


તે પછી,થોડીવારે,ઐરાવતના મસ્તક પર વિરાજેલા ને સુરગણોથી વીંટાયેલા,ઇન્દ્ર,પત્ની ઈન્દ્રાણી સાથે ત્યાં આવ્યા.

ગંધર્વો ને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા,ગિરિશૃંગે પહોંચી,તે સૂર્યની જેમ શોભી રહ્યા.


ત્યારે ધર્મજ્ઞ યમરાજે શુભ વાણી ઉચ્ચારી-'હે અર્જુન,અહીં આવેલા અમને લોકપાલોને જો.અમે તને દિવ્ય દૃષ્ટિ આપીએ છીએ,તું અમારા દર્શનને યોગ્ય છે.તું પૂર્વે નર નામે ઋષિ હતો પણ બ્રહ્માની આજ્ઞાથી માનવયોનિને પામ્યો છે,ભીષ્મ તારે હાથે હારવાને યોગ્ય છે.દ્રોણે રક્ષેલા ક્ષત્રિયો,માનવદેહ પામેલા દાનવો,નિવાત-કવચ નામે દાનવો ને કર્ણ પણ તારા હાથે જ હણાશે.દેવ,દાનવો અને રાક્ષસોના જે અંશો આ પૃથ્વીમાં પ્રાગટ્ય છે તે સર્વ તારે હાથે યુદ્ધમાં મરવાના જ છે.ને પોતાના કર્મોના ફળથી જીતેલી સ્વગતિને પામશે.તેં મહાદેવને સંતુષ્ટ કર્યા છે,તેથી લોકમાં તારી કીર્તિ અચળ રહેશે.તારે વિષ્ણુરૂપ શ્રીકૃષ્ણ સાથે રહી આ ધરતીનો ભાર ઉતારવાનો છે.

હે મહાબાહુ,તું કદી પણ પાછું નહિ ફરનાર આ દંડ-રૂપી અસ્ત્ર સ્વીકાર,કે જેનાથી તું ઘણું મોટું કામ કરીશ'(26)


વૈશંપાયન બોલ્યા-પછી,પૃથાપુત્રે તે અસ્ત્રને મંત્ર,ઉપચાર-આદિ સહિત યથાવિધિ સ્વીકાર્યું.ત્યાર બાદ વરુણદેવ બોલ્યા કે-'હે [પાર્થ,તું ક્ષત્રિયોમાં મુખ્ય છે,ક્ષાત્રધર્મમાં પરાયણ છે,તું મને જો.મેં સંહાર અને ઉપસંહાર સહિત આપવા આણેલા આ અનિવાર્ય વારણપાશોને તું સ્વીકાર,હે વીર,તારકામય નામે સંગ્રામમાં મેં આ પાશોથી હજારો મહાન દૈત્યોને બાંધી દીધા હતા.આ પાશથી સજ્જ થયેલા એવા તારાથી યમરાજ પણ છૂટી શકશે નહિ,

તું જયારે આ અસ્ત્ર સહિત સંગ્રામમાં વિચારશે ત્યારે ભૂમિ નક્ષત્રી થઇ જશે.


વરુણે અને યમે આમ જયારે અર્જુનને દિવ્ય અસ્ત્રો આપ્યા પછી,ધનપતિ કુબેર બોલ્યા-'હે પ્રાજ્ઞ,તને મળ્યાથી,

જાણે અજિત શ્રીકૃષ્ણ મને મળ્યા હોય તેટલો હું પ્રસન્ન થયો છું.પૂર્વકલ્પોમાં અમારી સાથે તું નિત્ય શ્રમિત થયો છે,

હું તને દિવ્ય (અંતર્ધાન) અસ્ત્ર આપું છું,તેનાથી તું દુર્જયઃ દેવાધિઓને પણ જીતી લેશે.ને ધૃતરાષ્ટ્રપુત્રની સેનાને બાળીને ખાખ કરી શકશે.બળ,તેજ,કાંતિ આપનારું,શત્રુઓને મૂર્છિત કરનારું અને તેમને સંહારનારું આ અસ્ત્ર સ્વીકાર.મહાત્મા શંકરે જયારે ત્રિપુરનો વિનાશ કર્યો ત્યારે તેમણે આ જ અસ્ત્ર છોડ્યું હતું.એ અસ્ત્રથી મહાન અસુરો નષ્ટ થઇ ગયા હતા,

જે હું તારા માટે લાવ્યો છું,તું એને ધારણ કરવાને યોગ્ય છે' 

ત્યારે અર્જુને તે દિવ્ય અંતર્ધાન અસ્ત્ર,કુબેર પાસેથી.વિધિપૂર્વક સ્વીકાર્યું.(41)


તે પછી,દેવરાજ ઇન્દ્રે અર્જુનને કહ્યું કે-'હે કુંતીપુત્ર,તું પુરાતન ઈશ (નર) મૂર્તિ છે,તું પરમ સિદ્ધિ પામ્યો છે.

અને તેને 'સાક્ષાત દેવગતિ' પ્રાપ્ત થઇ છે,તારે અતિમહાન કાર્ય કરવાનું છે.હવે તારે (સદેહે) સ્વર્ગમાં ચડવાનું છે,

તું તૈયાર થા,તારે માટે માતલિ સારથી સાથેનો રથ પૃથ્વી પર આવશે.ત્યાં સ્વર્ગમાં હું તને દિવ્ય અસ્ત્રો આપીશ'


પછી,ગિરિશિખર પર એકઠા થયેલા લોકપાલોની ,અર્જુને  વાણી,જળ ને ફળોથી વિધિપૂર્વક પૂજા કરી,

એટલે એ દેવોએ ધનંજયને વળતો સત્કાર આપ્યો અને મનના જેવા વેગવાળા તે દેવતાઓ,જેમ આવ્યા હતા તેમ ત્યાંથી ચાલ્યા ગયા.ને આમ વિવિધ અસ્ત્રને પામેલો અર્જુન આનંદ પામ્યો ને પોતાને કૃતાર્થ માનવા લાગ્યો (50)

અધ્યાય-૪૧-સમાપ્ત 

કિરાત પર્વ સમાપ્ત