Nov 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-329

અધ્યાય-૪૦-અર્જુનને પાશુપત અસ્ત્રની પ્રાપ્તિ 


II देवाधिदेव उवाच II नरस्त्वं पूर्वदेहे वै नारायणसहायवान I वदयां तप्तवानुपं तपोवर्पायुतान्व्हन II १ II

 દેવાધિદેવ બોલ્યા-'પૂર્વજન્મમાં તું નારાયણના સાથવાળો 'નર' નામે ઋષિ હતો.અને ત્યારે બદ્રિકાશ્રમમાં તેં લાખો વર્ષ

તપ કર્યું હતું.તારામાં ને શ્રીવિષ્ણુમાં પરમ તેજ રહેલું છે ને તમે બંને આ જગતને તેજથી ધારણ કરી રહ્યા છો.

ઇન્દ્રના યજ્ઞ વખતે તમે બંનેએ મેઘના ઘોષવાળું ધનુષ્ય (ગાંડીવ) ધારણ કરીને દાનવોને મારી નાખ્યા હતા.

હે પાર્થ એ જ ગાંડીવ તારા હાથને જ યોગ્ય છે.મેં માયા વડે તેને હરી લીધું હતું,તે તને પાછું મળી જશે.

હે અર્જુન,તું સત્ય પરાક્રમી છે,હું તારા પર પ્રસન્ન છું,તારા સમાન મનુષ્યલોક કે સ્વર્ગલોકમાં,બીજો કોઈ પુરુષ નથી,

ને સર્વ ક્ષત્રિયોમાં તું શ્રેષ્ઠ છે.તું ઈચ્છીત વરદાન માગી લે (6)

અર્જુન બોલ્યો-'હે ભગવાન વૃષભધ્વજ,તમે મને જો પ્રીતિપૂર્વક વરદાન આપવા ઇચ્છતા હો તો હું દિવ્ય 

પાશુપતાસ્ત્રને ઈચ્છું છું.બ્રહ્મશિર નામનું તે ઉગ્ર અને ભયંકર પરાક્રમવાળું અસ્ત્ર પ્રલયકાળ આવતાં સમગ્ર જગતને સંહારે છે.મારે કર્ણ,ભીષ્મ,કૃપ ને દ્રોણ સાથે મહાયુદ્ધ થનાર છે.તો તમારી કૃપાથી હું તેમને યથાવિધિ જીતી શકું,ને એ અસ્ત્રથી હું રણમાં દાનવોને,રાક્ષસોને,ભૂતો,પિશાચો,ગંધર્વોને સર્પોને બાળી શકું.આ અસ્ત્રને અભિમંત્રિત કરતાં,ભયંકર દેખાવવાળી ગદાઓ,તથા સર્પાકાર ઝેરી બાણો ઉત્પન્ન થઇ આવે છે.હે ભગવાન,આ મારી પ્રથમ કામના છે તો તમારા પ્રસાદથી હું કૃતાર્થ ને સમર્થ થાઉં તેમ કરો'.(14)


ભવ બોલ્યા-હે અર્જુન,હું તને મારુ પ્રિય પાશુપતાસ્ત્ર આપું છું.તું એને છોડવામાં ને પાછું વાળવામાં સમર્થ છે.

એ અસ્ત્રને નથી મહેન્દ્ર જાણતા,કે નથી યમ,કુબેર,વરુણ કે વાયુ પણ જાણતા,તો માનવો તો તેને જાણે જ કેમ?

હે પાર્થ,તારે તે ક્યારેય આ અસ્ત્રને કોઈ પુરુષ પર છોડવું નહિ,કેમ કે તે જો અલ્પ તેજવાળા પર છોડવામાં આવે છે,તો એ સર્વ જગતનો વિનાશ કરે છે.આ ત્રૈલોક્યમાં કશું જ આ અસ્ત્રને માટે અવધ્ય નથી.એને મન વડે,આંખ વડે,વાણી વડે અથવા ધનુષ્યથી પ્રયોજવામાં આવતા તે શત્રુઓનો નાશ કરે છે.(18)


વૈશમ્પાયન બોલ્યા-'આ સાંભળીને અર્જુન તત્કાળ પવિત્ર થઈને વિશ્વેશ્વર પાસે આવીને બોલ્યો કે-મને શાસ્ત્રનો ઉપદેશ આપો' ત્યારે શિવજીએ 'બહુ સારું' કહીને અર્જુનને તે સાક્ષાત કાળ જેવા અસ્ત્રનું રહસ્ય ને તેને પાછું 

વાળવાની ક્રિયા સહિત ભણાવ્યું.પછી તે અસ્ત્ર અર્જુન પાસે આવી ઉભું ને તેણે તેનો પ્રેમથી સ્વીકાર કર્યો.

તે વખતે સમસ્ત પૃથ્વી ડોલી ઉઠી,શંખો ને દુંદુભિઓન નાદો ગાજી રહ્યા.ભગવાન શંકરે અર્જુનને સ્પર્શ કાર્ય તેથી તેના દેહમાં જે કંઈ અશુભ હતું તે નાશ પામ્યું.પછી તે સમયે ભગવાન ત્રિલોચન બોલ્યા કે-'હવે તું સ્વર્ગમાં જા'


ત્યારે અર્જુન શિર ઢાળીને હાથ જોડીને મહાદેવને નમન કરી રહ્યો.ભગવાન શંકરે તેનું ગાંડીવ 

પાછું આપ્યું ને તેના દેખતાં જ તે દેવી ઉમા સાથે આકાશમાં ચાલ્યા ગયા.(28)

અધ્યાય-૪૦-સમાપ્ત