Nov 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-328

 

અધ્યાય-૩૯-કિરાત અને અર્જુનનું યુદ્ધ 


II वैशंपायन उवाच II गतेषु तेपु सर्वेपु तपस्विपु महात्मसु I पिनाकपाणिर्भगवान सर्वपापहरो हरः II १ II

વૈશંપાયન બોલ્યા-તે સર્વ તપસ્વી મહાત્માઓ જયારે ગયા,તે પછી,સર્વ પાપને હરનારા ને હાથમાં પિનાકને ધારણ કરનારા ભગવાન શંકરે તેજસ્વી કિરાત (ભીલ) નો વેશ ધારણ કર્યો.ને હાથમાં ધનુષ્ય ને સર્પ જેવાં તીક્ષણ બાણો લઈને

તે મહાવેગથી નીચે ઉતર્યા.તે વખતે ઉમાદેવી ને વિવિધ વેશધારી ભૂતો તેમને અનુસરી રહ્યાં હતાં.

ભીલવેશધારી ભગવાન અર્જુન પાસે આવ્યા તો ત્યાં તેમને મૂક નામનો દાનવ જોયો કે જે દાનવ વરાહનું રૂપ લઈને અર્જુનને હણવા માટે તાકી રહ્યો હતો.અર્જુને ગાંડીવ પર બાણ ચડાવી તે રાક્ષસને કહ્યું કે-'તું અહીં આવેલા એવા મને નિરૂપદ્રવીને મારવા ઈચ્છે છે,તો હું અત્યારે જ તને યમના ઘર ભેગો કરી દઉં છું' અર્જુન જ્યાં પ્રહાર કરવા જ જતો હતો ત્યારે કિરાતરૂપી શંકરે તેને વાર્યો અને કહ્યું કે-'આ વરાહને તો પ્રથમ મેં જ મારવા ઈચ્છયો છે'

પણ અર્જુને તે વચનનો અનાદર કરીને વરાહ પર પ્રહાર કર્યો.ને તે જ વખતે કિરાતે પણ પ્રહાર કર્યો.

આ પ્રમાણે તે બંનેએ છોડેલાં બાણ તે વરાહ પર પડ્યાં,ને તે રાક્ષસનું રૂપ ધારણ કરીને મરણ પામ્યો.(16)


સ્ત્રીના સાથવાળા તે કિરાતને જોઈને અર્જુન બોલ્યો-'અહીં,શૂન્ય વનમાં સ્ત્રીઓથી ઘેરાઈને તું કોણ ફરી રહ્યો છે?

તને આ ઘોર વનમાં ભય લાગતો નથી? અહીં આવેલા આ રાક્ષસ પર પ્રથમ મેં જ બાણ છોડ્યું છે,તો તેં તેને શા માટે વીંધ્યો? તેં જે આ કર્યું તે મૃગયા ધર્મ નથી,આથી હું તને મારી નાખીશ' ત્યારે કિરાતે જવાબ આપ્યો-

'અમે તો બહુ પ્રાણીઓવાળા આ વનમાં જ વસીએ છીએ,પણ તેં અહીં કેમ આવો દુષ્કર વાસ પસંદ કર્યો છે?

તું સુકુમાર છે ને સુખને યોગ્ય છે તો આ વનના શૂન્યભાગમાં એકલો કેમ કરીને વિચરી રહ્યો છે?'


અર્જુન બોલ્યો-'ગાંડીવ અને તીક્ષ્ણ બાણોનો આશ્રય કરીને આ મહારણ્યમાં હું વસી રહ્યો છું.વરાહનું રૂપ 

લેનારા ને મને મારવા આવેલા આ રાક્ષસને બાણ મારીને પ્રથમ મેં જ એને મારી નાખ્યો છે'

કિરાત બોલ્યો-'આ રાક્ષસ મારા બાણોથી માર્યો છે,મેં જ પ્રથમ એને મારુ નિશાન કર્યો હતો.હે મંદબુદ્ધિ,

પોતાના બળમાં છકી જઈને,બીજાના પર દોષો લગાડવા એ યોગ્ય નથી,હવે,તું મારા હાથથી જીવતો જાય એમ નથી,તું સ્થિર થા,હું તારા પર વજ્ર જેવાં બાણો છોડું છું,તું પણ યુક્તિથી પ્રયત્ન કર ને બાણો છોડ'


કિરાતના વચનોથી અર્જુનને ક્રોધ ચડ્યો ને તેણે,કિરાત પર બાણોની ઝડી વરસાવી,કે જેને તે કિરાતે પ્રસન્ન મનથી ઝીલી લીધાં.રોષમાં આવેલા તે બંને એકબીજા પર સર્પાકાર બાણો ચલાવવા લાગ્યા.કિરાતરૂપી પિનાકધારી,તો 

તે બાણોની વર્ષને સહજતાથી ઝીલીને પર્વતની જેમ અક્ષત શરીરે અચલ ઉભા હતા.તેથી અર્જુન અત્યંત આશ્ચર્ય પામ્યો.ને વિચારી રહ્યો કે-'આ કોણ છે? સાક્ષાત રુદ્ર છે કે કોઈ દેવ કે સુર અસુર છે? મારી આ બાણ વર્ષાને તો સાક્ષાત મહાદેવ સિવાય બીજું કોઈ પણ સહન કરવાને તો સમર્થ નથી.ભલેને તે કોઈ દેવ કે યક્ષ હોય હું તેને મારા બાણોથી યમદ્વારે પહોંચાડી દઈશ' આમ વિચારીને તેણે સેંકડો નારાચો છોડ્યાં,કે જેને પણ ભગવાન શૂલપાણિએ 

ઝીલી લીધાં.અર્જુનનાં બાણો ખૂટવા લાગ્યાં,તેણે અગ્નિનું સ્મરણ કર્યું.પણ,અગ્નિએ આપેલાં બે અક્ષય ભાથાં પણ ખૂટી ગયાં.એટલે તેણે વિચાર કર્યો કે-'એ આશ્ચર્ય છે કે મારાં બાણો ખૂટી ગયાં,આ કોઈ એવો પુરુષ છે કે મારાં સર્વ બાણોને ગળી જાય છે હવે તો હું આને ધનુષ્યની અણીથી જ હણીશ'  (48)


પછી એ મહાતેજસ્વી કિરાતને પકડીને ધનુષ્યની અણીથી ને મુઠ્ઠીથી મારીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો,

ત્યારે કિરાતે તેનું દિવ્ય ધનુષ્ય હરી લીધું.એટલે અર્જુને હાથમાં ખડગ લઈને કીર્તન માથા પર ઝીંકયું,

પણ,તે ખડગ તેના માથા સુધી પહોંચે તે પહેલાં જ તેના ટુકડા થઇ ગયા.એટલે અર્જુને વૃક્ષોને શિલાઓથી યુદ્ધ કર્યું.

તો કિરાતે તે સર્વને પણ ઝીલી લીધાં.એટલે છેવટે તે બંને મુષ્ટિ યુદ્ધ કરવા લાગ્યા.અત્યંત પીડાયેલા અર્જુનને,

કિરાતે ગાત્રોથી પકડ્યો ને અત્યંત ભીંસ આપી એટલે અર્જુનનો શ્વાસોશ્વાસ અટકી ગયો 

ને તે નિશ્ચેટ થઈને જમીન પર ઢળી પડ્યો ને નિષ્પ્રાણ જેવો બની ગયો.


થોડીક વારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે મનથી પિનાકપાણીનું સ્મરણ કરીને તેમને શરણે ગયો ને 

માટીનું લિંગ બનાવી તેમનું ફુલમાળાથી પૂજન કર્યું,તો ત્યાં તે અર્જુને તે ફૂલમાળા કિરાતના મસ્તકે વિરાજેલી જોઈ.

એટલે તે તેમને ચરણે પડ્યો,કે જેથી શિવજી પ્રસન્ન થયા ને તેને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,તારા આ અદ્વિતીય કર્મથી ને તારા શૌર્ય ને ધીરજથી હું પ્રસન્ન થયો છું.કોઈ પણ ક્ષત્રિય તારો બરોબરિયો નથી તારું તેજ મારા સમાન છે,તું મારાં દર્શન કર હું તને દિવ્યદ્રષ્ટિ આપું છું.તું પુરાણઋષિ 'નર' છે ને રણમાં તું શત્રુઓ ને સર્વ દેવગણોને પણ જીતશે.હું તને પ્રીતિપૂર્વક અમોઘ શસ્ત્ર આપું છું કેમ કે તેને ધારણ કરવાને માત્ર તું જ સમર્થ છે (71)


અર્જુને મહાકાંતિવાળા,હાથમાં ત્રિશૂળ ધારણ કરનારા એ મહાદેવને ત્યાં ઉમાદેવી સાથે જોયા,

એટલે અર્જુને જમીન પર ઘૂંટણિયે પડી,શિર ઢાળીને પ્રણામ કરી ને ભગવાન હરને પ્રસન્ન કરવા તેમની સ્તુતિ કરવા લાગ્યો.'હે સર્વ દેવોના અધિપતિ,હે ભગનેત્રને ધારણ કરનારા,દેવોના દેવ મહાદેવ,હે નીલકંઠ,હે જટાધર,તમને હું કારણોના પરમ કારણ જાણું છું.તમને નમસ્કાર હો.હે પ્રભુ,તમે મારા અપરાધને ક્ષમા આપવા યોગ્ય છો.

તમારાં દર્શનની આકાંક્ષાએ હું તમારા પ્રિય એવા આ મહાગિરીએ આવ્યો છું.મેં અજ્ઞાનથી ને અતિ સાહસથી તમારી સાથે આજે યુદ્ધ કર્યું છે તે મારો અપરાધ અક્ષમ્ય છે,પણ હું તમારી શરણે આવ્યો છું.તો ક્ષમા આપો.


વૈશંપાયન બોલ્યા-ત્યારે મહાતેજસ્વી વૃષભધ્વજે સ્મિત કર્યું ને અર્જુનનો હાથ પકડીને કહ્યું કે-'મેં તને ક્ષમા આપી જ છે' પછી,પ્રસન્ન મનવાળા એ ભવભયહારી ભગવાન શિવજી અર્જુનને બે હાથથી ભેટયા અને 

ફરીથી સાંત્વનપૂર્વક તેને કહેવા લાગ્યા કે- (85)

અધ્યાય-૩૯-સમાપ્ત