Nov 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-327

 

કૈરાત પર્વ 

અધ્યાય-૩૮-અર્જુનની તપશ્ચર્યા 


II जनमेजय उवाच II भगवन् श्रोतुमिच्छामि पार्थस्याक्लिष्टकर्मणः I विस्तरेण कथामेतां यथास्त्राण्युपलब्धवान II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન.કઠિન કર્મ (તપ) કરવાવાળા અર્જુને જે રીતે અસ્ત્રોની પ્રાપ્તિ કરી તે કથા વિસ્તારથી 

હું સાંભળવા ઈચ્છું છું.હે બ્રહ્મન,તમે દેવોની ને મનુષ્યોની સર્વ વાતો જાણો છો.તો તે અર્જુને શિવજીને અને ઇન્દ્રને કેવી રીતે પ્રસન્ન કર્યા? કહે છે કે અર્જુને પૂર્વે શિવજી સાથે આશ્ચર્યકારી યુદ્ધ કર્યું હતું,તે વિશે વિસ્તારથી કહો.(8)

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરની આજ્ઞાથી તે અર્જુન ઇંદ્રનાં ને દેવાધિદેવ શંકરનાં દર્શન કરવા નીકળ્યો હતો.

દિવ્ય ધનુષ્ય ને સોનાની મૂઠવાળું ખડગ લઈને,ઉત્તર દિશાએ તે હિમાલયના શિખર તરફ આવ્યો.

સ્થિર મનવાળો ને કૃતનિશ્ચયી થયેલો તે ઘોર અને કાંટાવાળા વનમાં પહોંચ્યો,કે જે અનેક ફૂલો ને ફળોથી,

ભરપૂર હતું.પછી,તેણે હિમાલયના પાછલા ભાગમાં નિવાસ કર્યો ને ઉગ્ર તપમાં પ્રવૃત્ત થયો.


તેણે દર્ભનાં ચીર પહેર્યા,ને આપમેળે જમીન પર પડેલાં પાંદડાં ખાઈને નિર્વાહ કરવા માંડ્યો.પછી,ત્રણ ત્રણ દિવસને અંતે તેણે એક મહિના સુધી એક એક વાર ફળાહાર કર્યો,બીજો મહિનો છ છ દિવસે ફળ ખાઈને ગાળ્યો,ને ત્રીજે મહિને પખવાડિયે ફળ ભોજન કર્યું.ચોથે માસે તે માત્ર પવનનું જ પાન કરી રહ્યો.ને પગના અંગુઠાના ટેરવા પર કશો આધાર રાખ્યા વિના ઊંચા હાથ રાખીને ઉભો રહ્યો.


અર્જુન આવા ઉગ્ર તપમાં સ્થિર આસને રહ્યો છે તે જણાવવા સર્વ મહર્ષિઓ મહાદેવ પાસે ગયા ને પ્રણામ કરીને અર્જુનના તપ વિશે તેમને કહ્યું કે-'હે દેવાધિદેવ,એ મહાતેજસ્વી પૃથાકુમાર હિમાલયના પડખે બેસીને ઉગ્ર તપમાં સ્થિર રહ્યો છે.અમે કોઈ તેના મનનું ધાર્યું જાણતા નથી.પણ,તે તપના તેજથી સૌને સંતાપી રહ્યો છે તો તમે એને સારી રીતે તે તપમાંથી નિવૃત્ત કરો' ત્યારે ભૂતોના નાથ એવા ઉમાપતિ બોલ્યા કે-


'એ અર્જુનના સંબંધમાં તમારે કશો પણ ખેદ કરશો નહિ.તમે ચિંતા રાખ્યા વિના પાછા જાઓ.હું એના મનના  સંકલ્પને જાણું છું,તેને સ્વર્ગની,ઐશ્વર્યની કે આયુષ્યની સ્પૃહા નથી.તે જે ઈચ્છે છે તે હું કરીશ'

ભગવાન શંકરનાં એ વચન સાંભળીને ઋષિઓ મનમાં પ્રસન્ન થઈને પોતપોતાના ધામે પાછા ફર્યા.(35)

અધ્યાય-૩૮-સમાપ્ત