અધ્યાય-૩૭-ઇંદ્રકીલ પર્વત પર અર્જુનને ઇંદ્રનાં દર્શન
II वैशंपायन उवाच II कस्यचित्पथ कालस्य धर्मराजो युधिष्ठिरः I संस्मृत्य मुनिसंदेशमिदं वचनब्रवीत II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યાં કેટલોક સમય વીત્યા પછી યુધિષ્ઠિરે વ્યાસજીનો આદેશ સંભારીને અર્જુનને,એકાંતમાં બોલાવી શાંતિપૂર્વક ને સ્મિત કરીને કહ્યું કે-'હે અર્જુન,ભીષ્મ,દ્રોણ,કૃપ.કર્ણ અને અશ્વસ્થામામાં,
આદાન,સંધાન,વિસર્ગ અને સંહાર એ ચારે પાદવાળો ધનુર્વેદ રહ્યો છે.દૈવ,બ્રાહ્મ અને માનુષ એ સર્વ શસ્ત્રોના પ્રયોગો તેઓ યત્ન અને ચિકિત્સા સહિત સમગ્ર રીતે જાણે છે.દુર્યોધને તે સર્વેને મનાવી લીધા છે અને ભોગાદિમાં ભાગીદાર કરીને રીઝવી લીધા છે,તેમની તરફ તે માનથી વર્તે છે ને તેમના પ્રત્યે અનુપમ પ્રીતિ રાખે છે.(6)
માન અને સંતોષ પામેલા તે સર્વે,તેના દોષ દૂરકરવા માટે પ્રયત્ન કરે છે.ને આમ સત્કાર પામેલા તેઓ યથાકાળે પોતાની શક્તિને છૂપાવશે નહિ.સમગ્ર પૃથ્વી અત્યારે દુર્યોધનના વશમાં વર્તે છે.આ સમયે તું જ અમારો પ્રિય છે
ને તારા પર જ આ બધો બોજ છે,એટલે આવી પડેલા આ સમયે જે કર્તવ્ય છે તે હું તને કહીશ,
વ્યાસજી પાસેથી મેં રહસ્યવિદ્યા શીખી છે,કે જેનો પ્રયોગ કરવાથી સર્વ જગત સારી રીતે પ્રકાશમાન થાય છે
તો હે અર્જુન,તું એકાગ્ર થઈને તે મંત્રમય થા અને યથાકાળે દેવોના પ્રસાદને પામ.તું તારી જાતને ઉગ્ર તપમાં જોડ ને ધનુષ્ય,કવચ અને ખડગને ધારણ કરીને (મુનિવ્રત રાખી) કોઈને પણ માર્ગ નહિ આપતાં તું ઉત્તર દિશા તરફ જા.
હે ધનંજય,સમસ્ત દિવ્ય અસ્ત્રો ઇન્દ્રની જ પાસે છે કેમ કે જયારે દેવોને વૃત્રાસુરથી ભય થયો ત્યારે તેમણે સમસ્ત બળ ઇન્દ્રને જ સમર્પિત કર્યું છે.તો તું એ સર્વ અસ્ત્રોને એક જ સ્થાનથી મેળવ,તું ઇંદ્રને જ શરણે જા,તે તને અસ્ત્રો
આપશે.માટે આજે આ મંત્રદીક્ષા પામીને તું ઇંદ્રનાં દર્શન કરવા માટે જા.'
આમ કહીને યુધિષ્ઠિરે,અર્જુનને મંત્રોપદેશ કર્યો ને તેને વિદાઈ આપી.યુધિષ્ઠિરની આજ્ઞા અનુસાર,ઇંદ્રનાં દર્શન કરવાની ઈચ્છાવાળા અર્જુને,અગ્નિમાં હોમ કર્યો,બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવી તેમને દાન આપ્યું અને ગાંડીવ ધનુષ્ય અને બે અક્ષય ભાથાં લીધાં,ને ત્યાંથી ચાલવાની તૈયારી કરી.ત્યારે બ્રાહ્મણોએ આશીર્વાદ આપી કહ્યું,કે-'હે કૌંતેય,તું મનથી જે ઈચ્છે છે તે પામ.તું સારી રીતે સાધના કર તારો ચોક્કસ વિજય જ છે'
કૃષ્ણા બોલી-હે મહાબાહુ,તમારો જન્મ થતાં માતા કુંતીએ જે ઇચ્છયું હતું અને તમે જે ઇચ્છયું છે તે સર્વ સિદ્ધ થાઓ.આપણા ક્ષત્રિયકુળમાં કોઈનો પણ જન્મ થશો નહિ (કારણકે તેમને આવાં કષ્ટ સહન કરવાં પડે છે)
ભિક્ષાથી જ નિત્ય આજીવયિક ચલાવનારા બ્રાહ્મણોને નમસ્કાર હો.પેલા પાપી દુર્યોધને સભામાં મને જોઈને હસતા હસતાં 'ગૌ' એવું જે કહ્યું હતું તે મને દુઃખરૂપ છે.તેના કરતાં પણ આજે આ તમારા વિયોગનું દુઃખ છે.
તમારા વીર ભાઈઓ તમારી વાતો કરીને જાગરણ કરશે અને તમારી પરાક્રમ ગાથાઓ ગાશે.
હે પૃથાનંદન,અમારાં સુખદુઃખ,જીવનમરણ અને રાજ્યઐશ્વર્ય તમારે જ આધારે રહયા છે
હું તમને વિદાય આપું છું,તમે મંગલસિદ્ધિ પામો,ને વિજયને માટે નિર્વિઘ્ને પ્રયાણ કરો.
આમ આશિષ આપીને યશસ્વિની કૃષ્ણાએ વિરામ લીધો,ને પછી અર્જુન ભાઈઓ ને ધૌમ્યઋષિની પ્રદિક્ષણા કરીને ત્યાંથી ચાલી નીકળ્યો.માર્ગમાં તે ચાલ્યો જતો હતો ત્યારે સર્વ પ્રાણીઓ તેના માર્ગમાંથી દૂર ખસી જતાં હતાં.
આમ,એ પરંતપ,દેવોએ સેવેલા દિવ્ય ને પવિત્ર હિમાલય પર ગયો,ને પછી,પવનના જેવા મનના વેગવાળો થઈને એક જ દિવસમાં પુણ્યપર્વતે પહોંચ્યો.ને હિમવન અને ગન્ધમાદનને ઓળંગી જઈને રાત્રિ દિવસ જાગ્રત રહીને દુર્ગ પ્રદેશોને વટાવીને ઈંદ્રકીલ પર્વત પાસે આવ્યો ત્યારે તેણે આકાશવાણી સાંભળી કે'ઉભો રહે' એટલે તેણે ઉભા રહીને બધી બાજુ દ્રષ્ટિ ફેરવી તો ત્યાં એક વૃક્ષના મૂળ આગળ બેઠેલા,બ્રહ્મતેજથી ઝળહળતા તપસ્વીને જોયા.
તે મહાતપસ્વીએ અર્જુનને જોઈને કહ્યું કે-હે તાત,ધનુષ્ય સજીને,ક્ષત્રિય ધર્મને અનુસારનારો તું કોણ છે? અહીં શસ્ત્રનું કોઈ કામ નથી કેમ કે અહીં,કદી સંગ્રામ થતો નથી તો તારા એ ધનુષ્યને તું ફેંકી દે,તું મારા સામર્થ્યથી ને તેજથી પરમ સ્થાનને પામ્યો છે.કે જે સ્થાનમાં બીજો કોઈ પુરુષ આવી શકતો નથી'
એ તપસ્વીએ આમ વારંવાર કહ્યું પણ,તે દૃઢ અર્જુનને શસ્ત્રોનો ત્યાગ કરવી શક્યો નહિ,એટલે તપસ્વીએ સ્મિતપૂર્વક કહ્યું કે-હે અરિસૂદન,તું વરદાન માગી લે તારું કલ્યાણ થાઓ હું ઇંદ્ર છું' (49)
ત્યારે અર્જુને હાથ જોડીને નમન કરીને કહ્યું કે-;હે ભગવન,આજે તમારી પાસેથી સમગ્ર અસ્ત્રવિદ્યા જાણવા ઈચ્છું છું,
ને એ જ મારી ઈચ્છીત કામના છે,તમે મને આ વરદાન આપો' ત્યારે ઈંદ્રે હસતાં હસતાં જવાબ દીધો કે-
'હે ધનંજય,અહીં આવેલા તને અસ્ત્રોનું શું કામ છે?તું મનમાન્યા ભોગ માગી લે,કેમ કે તને પરમગતિ પ્રાપ્ત થઇ છે'
અર્જુન બોલ્યો-'હે દેવાધિપતિ,લોભ ને કામનાથી હું નથી દેવત્વ ઈચ્છતો,નથી સુખ ઈચ્છતો કે નથી દેવોના રાજ્યઐશ્વર્યને ઈચ્છતો.ભાઈઓને વનમાં મૂકીને અને વેરનું સાટુ લીધા વિના હું અહીં સુખવૈભવ ભોગવું તો
સર્વ લોકોમાં સનાતન કાળ સુધી અપકીર્તિ જ પામું;
ઈંદ્ર બોલ્યા-'હે તાત,તું જયારે ભૂતોના સ્વામી,ત્રણ નેત્રવાળા શિવજીનાં દર્શન કરીશ ત્યારે હું તને સર્વ શસ્ત્રો આપીશ.
તું એ પરમ માનનીય દેવનાં દર્શન માટે પ્રયત્ન કર.તેમના દર્શનથી સિદ્ધ થઈને તું સ્વર્ગમાં આવીશ'
આમ કહીને ઈંદ્ર ત્યાંથી અદૃશ્ય થયો ગયા,ને અર્જુન યોગયુક્ત થઈને ત્યાં જ રહ્યો.(59)
અધ્યાય-૩૭-સમાપ્ત
અર્જુનાભિગમન પર્વ સમાપ્ત