અધ્યાય-૩૬-યુધિષ્ઠિરનો ઉત્તર અને કામ્યક વનમાં પ્રયાણ
II वैशंपायन उवाच II भीमसेनवचः शृत्वा कुन्तीपुत्रो युधिष्ठिरः I निःश्चस्य पुरुषव्याघ्र संप्रदध्पौ परंतपः II १ II
વૈશંપાયન બોલ્યા-ભીમસેનનાં વચન સાંભળીને,શત્રુઓને તાપ આપનારા અને પુરુષોમાં સિંહ એવા યુધિષ્ઠિરે નિશ્વાસ નાખ્યો ને મનમાં વિચારવા લાગ્યા કે-'મેં રાજધર્મોને તથા વર્ણોના ધર્મનિશ્ચયો સાંભળ્યા છે.પણ,જે મનુષ્ય વર્તમાનમાં ને ભવિષ્યમાં જુએ છે તે જ સાચું જુએ છે.કઠિનતાએ જાણી શકાય એવી,ધર્મની મર્મગતિને ને
હું જાણું છું,તો પછી હું બલાત્કારે તે ધર્મને કેમ કરીને નકારી શકું?' પછી થોડીવાર ધ્યાન કરીને
અને કર્તવ્ય કર્મનો નિશ્ચય કરીને તેમણે તરત જ ભીમસેનને કહ્યું કે-(4)
'હે મહાબાહુ,તું કહે છે તેમ જ છે,પણ મારુ આ બીજું વચન સાંભળ.કેવળ સાહસે કરીને જે મહા પાપભર્યા કર્મો આરંભાય છે તે કરનારને પીડા કરે છે.પણ જો સારું કાર્ય સારી રીતે મંત્રણા કર્યા પછી,નિશ્ચયપૂર્વક ને પરાક્રમપૂર્વક કરવામાં આવ્યું હોય તો પ્રયોજનો સિદ્ધ થાય છે.અને દૈવ પણ તેમાં અનુકૂળ વર્તે છે.બળના મદમાં ઊંચો થઈને તું કેવળ ચાપલ્યથી આ કાર્યને આરંભવાનું યોગ્ય માને છે તો મારુ કહેવું સાંભળી લે.ભીષ્મ,દ્રોણ,કર્ણ,અશ્વસ્થામા,
દુર્યોધન,ભૂરિશ્રવા આદિ સર્વ અસ્ત્રવિદ્યામાં નિષ્ણાત છે અને તે પણ યુદ્ધને માટે સજ્જ છે.(10)
વળી,જે રાજાઓને આપણે તાપ આપ્યો હતો તે રાજાઓ પણ કૌરવપક્ષમાં મળી ગયા છે.મોટા ભંડારવાળા ને ભરપૂર સેનાવાળા તેઓ દુર્યોધન માટે યુદ્ધમાં ઝઝૂમશે.કેમકે દુર્યોધને તેઓને યોગ્ય પ્રમાણમાં પુરા ભોગો આપીને તૃપ્ત કર્યા છે ને ખાસ સન્માન્યા છે,તેથી પણ તેઓ સંગ્રામમાં પોતાના પ્રાણ ઓવારી નાખશે.એવું મારુ માનવું છે.
ભીષ્મ,દ્રોણ અને કૃપની આપણા તરફ ને એમના તરફ સમાન વૃત્તિ છે તો પણ મારુ માનવું છે કે તેઓ,અવશ્ય રાજ્યઅન્ન ખાધાનો બદલો વાળવા,યુદ્ધમાં ઉતરશે.ને પોતાના પ્રિય પ્રાણોને પણ અળખામણા કરશે.
તે સર્વે દિવ્ય અસ્ત્રોના જાણકાર છે,ધર્મપરાયણ છે ને ઇન્દ્ર ને દેવોથી એ અજેય જેવા છે.એમ હું માનું છું.
વળી,ત્યાં અસહનશીલ,નિત્યક્રોધી,સર્વ અસ્ત્રને જાણનારો,દુર્જયઃ ને અભેદ્ય કવચથી ઢંકાયેલો એવો કર્ણ પણ છે.
આ સર્વને રણમાં જીત્યા વિના તું એકલે હાથે દુર્યોધનને હણી શકીશ નહિ.હે વૃકોદર,સર્વ ધનુર્ધારીઓને આંટી દે એવી તે સૂતપુત્ર કર્ણની બાણ-ચાલાકીનો વિચાર કરતાં મને ઊંઘનું મટકું પણ આવતું નથી (20)
વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરના આવાં વચનો સાંભળીને અત્યંત સહનશીલ ભીમસેન ઉદાસ થઇ ગયો અને ત્રાસ પામેલો એવો તે કશું બોલ્યો નહિ.તે વખતે વ્યાસજી ત્યાં આવી ચડ્યા અને સર્વ પાંડવોને મળ્યા.પાંડવોએ તેમને સત્કાર આપ્યો પછી વ્યાસજીએ યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-'હે યુધિષ્ઠિર,હું બુદ્ધિથી તારા હૃદયમાં રહેલી વાત જાણું છું ને તેથી જ હું સત્વરે અહીં આવ્યો છું.ભીષ્મદ્રોણ આદિથી તારા હૃદયમાં જે ભય ઘૂમી રહ્યો છે
તે હું શાસ્ત્રવિધિએ કહેલા કર્મથી નાશ પમાડીશ.તું ધીરજ ધરીને ક્રમપૂર્વક સિદ્ધિ મેળવજે
ને આ સાધન (કહું છું તે) કરીને તું તારા તાપને સમાવી દેજે.' (27)
પછી,વ્યાસજી,યુધિષ્ઠિરને એકાંતમાં લઇ જઈ તેમને કહેવા લાગ્યા કે-'હે ભરતોત્તમ,તારા કલ્યાણનો ઉત્તમ સમય આવી પહોંચ્યો છે,રણમાં ધનંજય સર્વ શત્રુઓને પરાજય આપશે.તને હું સાક્ષાત સિદ્ધિ-રૂપિણી એવી મારી
'પ્રતિસ્મૃતિ' નામની વિદ્યા કહું છું તે તું ગ્રહણ કર.ને અસ્ત્રસિદ્ધિ મેળવવા અર્જુનને,મહેન્દ્ર,રુદ્ર,વરુણ,કુબેર ને ધર્મરાજ પાસે મોકલ.તપ ને પરાક્રમથી તે દેવોનાં દર્શન કરવા શક્તિમાન છે,એ અર્જુન મહાતેજસ્વી (નારાયણના સાથ વાળા) નરઋષિ છે ને તે (અર્જુન) પુરાતન,સનાતન,અજેય,અચ્યુત ને જયશીલ દેવ છે
એ મહાબાહુ,ઇન્દ્ર,રુદ્ર અને લોકપાલો પાસેથી અસ્ત્ર મેળવીને મહાન કર્મ કરશે,વળી,હવે તમે નિવાસને માટે બીજું વન ખોળી કાઢો,કેમ કે એક જ ઠેકાણે લાંબો સમય રહેવું એ તમને પ્રીતિકારી નથી.ને તપસ્વીઓને માટે તે ઉદ્વેગકારી છે.વળી,એથી મૃગોનો નાશ થાય છે ને ઔષધિઓ ને લતાઓ પણ ક્ષીણ થાય છે.(37)
વૈશંપાયન બોલ્યા-આમ કહીને વ્યાસજી ત્યાંથી અંતર્ધાન થયા,બુદ્ધિમાન યુધિષ્ઠિર પણ એ બ્રહ્મમંત્રને મનમાં યત્નપૂર્વક ધારણ કરી રહ્યા અને તેનો અભ્યાસ કરતા હતા,પછી,વ્યાસજીના વચન મુજબ,તેઓ તે દ્વૈતવનમાંથી નીકળીને સરસ્વતીને તીરે આવેલા કામ્યક વન તરફ જવા નીકળ્યા.બ્રાહ્મણો પણ તેમની પાછળ ગયા.
કામ્યક વનમાં પહોંચીને તે મહાત્મા ભરતોત્તમોએ પોતાના પરિવાર સાથે ફરી નિવાસ કર્યો,ત્યાં તેમણે કેટલોક કાળ નિવાસ કર્યો,ત્યાં તેઓ મૃગયા કરતા ને બ્રાહ્મણો દ્વારા પિતૃઓ,દેવો ને વિપ્રોને તૃપ્તિ આપતા હતા.(45)
અધ્યાય-૩૬-સમાપ્ત