અધ્યાય-૩૫-ભીમનાં વળતાં વચન
II भीमसेन उवाच II संधिं कृत्यैव कालेन ह्यन्तकेन पतत्रिणा I अनन्तेनाप्रमेयेण स्त्रोतसा सर्वविहारिणा II १ II
ભીમસેન બોલ્યો-હે મહારાજ,તમે પણ મરણધર્મવાળા છો,કાળના બંધનથી બંધાયેલા છો,ફીણના જેવા ક્ષણભંગુર છો ને ફળના જેવા પતનશીલ છો.ને છતાં એ સર્વહારી કાળ સાથે તમે સંધિ કરી હોય તેમ માનો છો.
હે કૌંતેય,જેમ ઘણું બારીક કાજળ,એક સળી લગાડવાથી પણ ઓછું થાય છે તેમ પુરુષનો આવરદા એક પલકારામાં એ ઓસરી જાય છે.તો તેણે સમયની વાટ શા માટે જોવી જોઈએ? સાચે જ જે અમાપ આવરદાવાળો હોય,અથવા જે આયુષ્યનું પ્રમાણ જાણતો હોય,કે જે સર્વને પ્રત્યક્ષ જોતો હોય તે જ કાળની પ્રતીક્ષા કરી શકે.(4)
હે રાજન,આપણે તેર વરસ વાટ જોતા રહીશું,એટલે કાળ આપણું આયુષ્ય ખુટાડીને આપણને મરણની શરણ પાસે લાવી મુકશે.આથી તે મરણ આવે તે પહેલા જ આપણે રાજ્ય માટે પ્રયત્ન કરવો જોઈએ.જે કાળની આ
વાત જાણતો નથી તે ભૂમિભારરૂપ મનુષ્ય,વેરનો બદલો લીધા વિના બળદની જેમ ગળાઈ જાય છે.
હું માનું છું કે-બળ ને ઉદ્યમમાં અલ્પ એવો જે મનુષ્ય વેરનું સાટું લેવા પ્રયત્ન કરતો નથી,તેનો જન્મ નિષ્ફળ છે.
હે રાજન,તમારા બંને હાથો સુવર્ણના સ્વામી છે અને તમારી કીર્તિ પૃથુરાજાના જેવી છે,તો સંગ્રામમાં શત્રુને
મારીને તમે ભુજબળથી મેળવેલા ધનને ભોગવો.કેમ કે મનુષ્ય જો પોતાનું અનિષ્ટ કરનારને હણીને
એક દિવસ પણ નરકે જાય છે તો તે નરક તેના માટે સ્વર્ગતુલ્ય બને છે (10)
અત્યારની પરિસ્થિતિથી,ક્રોધને કારણે બળી રહેલો હું,રાત્રે કે દિવસે ઊંઘ પામતો નથી,ને અર્જુન પણ અત્યંત સંતાપ પામેલા સિંહની જેમ બોડમાં બેસી રહ્યો છે.જે સંસારના સર્વ ધનુર્ધારીઓને એકલો હરાવી શકે છે તે આજે મહાન હાથીની જેમ પોતાના હૈયાની વરાળને પોતાના હૈયામાં જ રાખે છે,નકુલ,સહદેવ ને કુંતીમા પણ તમારું પ્રિય ઇચ્છતાં,જળ ને મુકની જેમ બેસી રહ્યાં છે.સૃજયો સહિત સર્વ બાંધવો તમારું પ્રિય ઈચ્છે છે,પણ આજે હું અને દ્રૌપદી જ તમારી સામે સંતાપ કરી રહ્યા છીએ.પણ હું જે કહું છું તે સર્વનું પ્રિય છે,કારણકે સર્વ સંકટમાં સપડાયા છીએ અને સર્વે યુદ્ધને જ અભિનંદે છે.કેમ કે નીચ ને અલ્પ બળિયો આપણું રાજ્ય છીનવીને ભોગવે એથી વિશેષ પાપભરી બીજી કોઈ આપત્તિ હોઈ શકે નહિ.(17)
હે પરંતપ,શીલરૂપી દોષે કરીને ઘૃણાથી ભરાયેલા તમે દયાળુતાથી ક્લેશોને સહન કરી રહયા છે,પણ બીજો કોઈ પણ તમારા આ કૃત્યને વખણાતો નથી.જેમ,જડ ને વેદિયાની બુદ્ધિ વેદપાઠ ગોખીગોખીને મરી જાય છે,તેવું
તમારી બુદ્ધિને પણ થયું લાગે છે અને તે તત્વાર્થને જોઈ શકતી નથી.તમે તો ક્ષમા યુક્ત બ્રાહ્મણ સમાન લાગો છો,તમે ક્યાંથી ક્ષત્રિયોમાં જન્મ ધર્યો છે? ક્ષત્રિય યોનિમાં તો સામાન્ય રીતે કઠોર બુદ્ધિવાળા જન્મે છે.
ક્રૂર,કપટભર્યા અને અશાંતિમય એવા જે વિહિત રાજધર્મો મનુએ કહ્યા છે તે તમે સાંભળ્યા જ છે તો પછી,
તમે તે દુરાત્મા દુર્યોધનને શા માટે ક્ષમા આપો છો? તમે બુદ્ધિ,વીર્ય,વિદ્યા ને કુલીનતાથી સંયુક્ત છો
તો પછી કર્તવ્યને વિશે તમે શા માટે પીઠે સરતા અજગરની જેમ બેસી રહયા છો? (12)
તમે અમને છુપાવવા ઈચ્છો છો,પણ તે તો એક મુઠ્ઠી ઘાસથી પર્વતને ઢાંકવા જેવું છે.જેમ સૂર્ય આકાશમાં છુપાઈને વિચરી શકતો નથી,તેમ,પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલા આપણે ગુપ્ત(અજ્ઞાત)વાસ કરી શકીશું નહિ જ.
હે રાજન,બાળકથી માંડીને આ સર્વ પ્રજાઓ મને ઓળખે છે,એથી અજ્ઞાતવાસ મારે માટે સંભવિત નથી,
મને તો તે મેરુ પર્વતને ઢાંકવા જેવું લાગે છે.વળી,ધૃતરાષ્ટ્રને અનુસરનારા અનેક રાજાઓને તથા રાજપુત્રોને તેમના રાજ્યમાંથી હદપાર કર્યા હતા,તે અપમાન પામેલા રાજાઓ કોઈ રીતે શાંત રહેશે જ નહીં.ધૃતરાષ્ટ્રનુ પ્રિય કરવાને ઇચ્છતા તેઓ અવશ્ય અનિષ્ટ આચરીને આપણા પર છુપા જાસુસો છોડીને,આપણને પકડી પાડી તે વિષે ખબર આપશે ત્યારે તો વળી એક મહાન ભય ઉભો થશે.(31)
હે રાજન,આપણને વનમાં તેર માસ પસાર થઇ ગયા છે,એટલે પરિમાણથી તે મહિનાઓ જેટલા વરસ માની લો.
પંડિતોએ જેમ,પૂતિક ઔષધિને સોમવલ્લીના પ્રતિનિધિરૂપ કહી છે તેમ માસને પણ વર્ષના પ્રતિનિધિરૂપ જણાવ્યો છે તો તમે પણ એ પ્રમાણે કરો.અને હે રાજન,સારા ભારવાહી બળદને પૂરું ભોજન આપવાથી એ અસત્યના પાપમાંથી મુક્ત થવાય છે,આથી તમારે શત્રુના વધનો નિશ્ચય કરવો જોઈએ
કેમ કે સર્વ ક્ષત્રિયો માટે યુદ્ધથી બીજો કોઈ ધર્મ નથી (36)
અધ્યાય-૩૫-સમાપ્ત