Oct 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-323

 

અધ્યાય-૩૪-યુધિષ્ઠિરનાં વાક્યો 


II वैशंपायन उवाच II 

स एवमुक्तस्तु महानुभावः सत्यव्रतो भीमसेन राजा I अज्ञातशत्रुस्तदनन्तरं वै धैर्यान्वितो वाक्यमिदं चमापे II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમસેને આ પ્રમાણે કહ્યું ત્યારે મહાનુભાવ,સત્યપ્રતિજ્ઞ અને અજાતશત્રુ યુધિષ્ઠિર બોલ્યા કે-

'હે ભારત,તું મને વાગ્બાણોથી વીંધીને ક્ષીણ કરે છે,તું કહે છે તે નિઃસંશય સાચું છે,ને તું પ્રતિકૂળ થયો છે તે માટે હું તને ઠપકો આપતો નથી.મારા દુર્વર્તનથી જ તમને સંકટ આવ્યું છે.મેં દુર્યોધન સામે મેં જુગટાનો સ્વીકાર કર્યો,પણ કપટી શકુનિ દુર્યોધનને બદલે મારી સામે રમવા આવી બેઠો,ને કપટથી એણે સભા વચ્ચે પાસા નાખીને,નિષ્કપટી એવા મને હરાવ્યો.ને તેથી આવેલી આપત્તિ હું જોઉં છું.શકુનિના પાસાઓને તેની ઈચ્છા મુજબ પડતા જોઈને પણ,હું મારી જાતને (મનને) વશમાં રાખી શક્યો નહિ.હે ભાઈ,આ મનને વશ કરી શકાતું નથી.

હે ભોમસેન,હું તારા વચન પર ખિજાતો નથી.હું માનું છું કે-તે એમ થવાને જ સર્જાયેલું હતું.ફરીવાર પણ જુગટું રમાયું ને આપણે સર્વ હારી ગયા ને તેમણે કરાવેલી પ્રતિજ્ઞા મુજબ આપણે દેશવટો પામીને આ દુઃખમય વનોમાં 

નિવાસ કરીને રખડવું પડે છે.સત્પુરુષોની સામે એકવાર પ્રતિજ્ઞા કર્યા પછી,માત્ર એક રાજ્યને કારણે કોણ તેનો ત્યાગ કરી શકે? હું માનું છું કે આર્ય પુરુષ માટે તો ધર્મનું ઉલલંઘન કરી પૃથ્વીનું શાસન કરવું,એ મરણ કરતા એ વસમું છે.હે ભાઈ,દ્યુત વખતે મારા હાથો બાળવાને ઇચ્છતા એવા તમે અર્જુને વાર્યો હતો,ત્યારે તેં મારા પર પરિઘ ઉગામ્યું હતું,ને તે જ વખતે તેં જો એ વીરકર્મ કર્યું હોત તો કશું માઠું નહોતું.વળી,પૌરુષને જાણનારો એવો તું એ પ્રતિજ્ઞા વિધિ વખતે કેમ કશું ન બોલ્યો? ને હવે આપત્તિ આવી જ ગઈ છે ત્યારે તું કઠોર વાક્યો બોલે છે.(17)


હે ભીમસેન,યાજ્ઞસેનીને અત્યંત દુઃખી થયેલી જોયા છતાં હું તે સાંખી રહ્યો,એ તો જાણે,મેં વિષનો રસ પીધો હોય તેવી દુઃખની ઝાળ ફેલાવે છે.પણ હવે તે કુરુઓની વચ્ચે મેં જે પ્રતિજ્ઞા કરી હતી તે ફોક કરી શકાય તેમ નથી.

બીજ વાવનારો જેમ પાકની રાહ જુએ છે તેમ તું પણ સુખના ઉદયની રાહ જો.એકવાર છેતરાયેલો પુરુષ,પોતાના શત્રુને હૃષ્ટપુષ્ટ થયેલો જુએ ત્યારે પુરુષાર્થથી તેનો નાશ કરે છે.ને મહાન ગુણો મેળવે છે.ને તેમ થશે જ.

હવે મારી સત્ય પ્રતિજ્ઞા તું સાંભળ કે હું ધર્મને અમૃત ને જીવનથી પણ અધિક ગણું છું,

રાજ્ય,પુત્રો,યશ અને ધન એ બધું આ એક સત્યની (ધર્મની) એક કલાને પહોંચી શકે તેમ નથી જ.(22)

અધ્યાય-૩૪-સમાપ્ત