Oct 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-322

 

હે મહારાજ,દાન,યજ્ઞો,સત્પુરુષોનો સત્કાર,વેદાધ્યન અને સરળતા એ પરમ ધર્મ જરૂર છે,પણ આ સર્વ ગુણો હોય તો પણ ધનહીન મનુષ્ય આ ધર્મને સેવી શકતો નથી.ને એવું ધન,ભીખ માગ્યે કે નપુંસકતા રાખવાથી મળતું નથી,

બ્રાહ્મણો જે યાચના કરીને ધનસિદ્ધિ કરે છે તે તમારે માટે નિષિદ્ધ છે,તમે પરાક્રમપૂર્વક જ અર્થપ્રાપ્તિનો પ્રયત્ન કરો.કેમ કે ક્ષત્રિય માટે ભીખ માંગવાનું વિધાન નથી,તે જ રીતે તે વૈશ્ય ને શુદ્રની જીવિકા પણ ન જીવી શકે.

એનું પોતાનું બળ એ એનો વિશિષ્ટ ધર્મ છે.માટે હે પાર્થ,તમે એ સ્વધર્મને સ્વીકારો ને સામે આવેલા શત્રુઓને 

હણી નાખો.કે મારા અને અર્જુનના હાથે તમે ધૃતરાષ્ટ્રપુત્રો રૂપી વનનો નાશ કરાવો (52)

હે મહારાજ,બુદ્ધિમાન વિદ્વાનો શ્રેષ્ઠતાને જ ધર્મરૂપ કહે છે,તો તમે તે શ્રેષ્ઠતાને પામો તમે પામરતામાં રહેવાને યોગ્ય નથી.હે રાજેન્દ્ર,તમે જાગો ને સનાતન ધર્મોને જાણો.આ જગત જે હિંસાકર્મોથી થરથરે છે,તે હિંસાપ્રધાન ક્ષત્રિયકુળમાં તમે જન્મ્યા છો,પ્રજાપાલનથી ઉત્પન્ન થયેલું ફળ તમારે માટે  નિંદિત નથી.વિધાતાએ તમારા માટે  એ જ  સનાતન ધર્મ નિર્માણ કર્યો છે,કે જે ધર્મથી તમે રહિત થશો તો આ લોકમાં હાંસી પામશો,

માટે તમે ક્ષત્રિયનું હૃદય રાખો,ડગુમગુ થતા મનને તિલાંજલિ આપો,પરાક્રમની મદદે જાઓ ને ધુરંધરની જેમ ધૂરાને ધારણ કરો.કેમ કે માત્ર ધર્માત્મા એવા કોઈ પણ રાજાએ પૃથ્વીને જીતી નથી કે ઐશ્વર્ય ને લક્ષ્મીને મેળવી નથી.


પારધી જેમ,ક્ષુદ્ર પંખીઓને જીભનો સ્વાદ આપીને તેમને પોતાના આહાર તરીકે મેળવી લે છે,તેમ,રાજા,અનેક નીચ અને પાપી શત્રુઓને ભોળવીને રાજ્યપ્રાપ્તિ કરી લઇ શકે છે,હે રાજન,પ્રથમ જન્મેલા ને સર્વ રીતે અત્યંત સમૃદ્ધદિશાળી એવા પોતાના ભાઈઓને દેવોએ છલથી જ જીત્યા હતા.'બળવાનોને જ આ બધું મળે છે'

 એમ જાણીને તમે શત્રુઓને મારી નાખો,યુદ્ધમાં અર્જુન સમાન કોઈ યોદ્ધો નથી ને મારા જેવો કોઈ ગદાધારી નથી.વળી,મહાબળીયો મનુષ્ય પણ પોતાના મનોબળથી જ યુદ્ધ કરે છે,તો તમે સત્ત્વસ્થ થાઓ.


હે માનવેન્દ્ર,જે મનુષ્ય ધર્મનો અલ્પાંશ છોડીને વિશાલ ધર્મ ધારણ કરે છે,તે જ્ઞાની છે એવો નિશ્ચય થયેલો છે.

પંડિત પુરુષ,મિત્રોવાળા શત્રુને તેના મિત્રોમાં ફૂટ પડાવે છે,ને મિત્રોથી ત્યજાયેલા શત્રુને તે વશમાં લે છે.

મહાબળવાન પણ સત્વબળથી જ યુદ્ધ કરે છે,તે સર્વ પ્રજાઓને કંઈ શિક્ષા કરીને કે મીઠી વાતો કરીને પોતાની કરતો નથી કેમકે દુર્બળ લોકો પણ એકઠા થઈને શત્રુને મારી શકે છે.એટલે જેમ,સૂર્ય પોતાના કિરણો વડે પ્રજાને પાળે છે ને ભક્ષે છે તેમ તમે પણ સૂર્યના જેવા થાઓ.હે મહારાજ ભૂમિનું વિધિપૂર્વક પાલન કરવું એ પુરાતન તપ છે એમ અમે સાંભળ્યું છે.આપણા બાપદાદાઓએ પણ તે કર્યું છે.પણ,તપથી ક્ષત્રિયને તે ઉર્ધ્વલોક મળતા નથી,

તેને તો પોતે નિર્માણ કરેલા યુદ્ધમાં વિજયી થવાથી કે તેમાં જીવ આપવાથી જ ઉર્ધ્વલોક મળે છે.(73)


તમારી આ વ્યથા જોઈને લોકને એ નિશ્ચય થઇ ગયો છે કે,જાણે,સૂર્યમાંથી કાંતિ ચાલી ગઈ છે.

જુદાજુદા સંમેલનોમાં તમારી સ્તુતિઓ અને દુર્યોધન આદિ બીજાઓની નિંદાઓની વાતો ચાલી રહી છે.

બ્રાહ્મણો ને કુરુઓ એકઠા થઈને તમારી સત્ય પ્રતિજ્ઞાની વાતો કરે છે કે-તમે મોહ,દીનતા,લોભ,ભય,કામ અથવા અર્થને કારણે જરા પણ અસત્ય બોલ્યા નથી.પણ હવે હાલની આપણી સર્વની પરિસ્થિતિ જોઈને લાગે છે કે-

તમે સર્વસામગ્રીઓથી ભરેલા રથમાં બેસીને,ભાઈઓથી ઘેરાઈને હસ્તિનાપુર પર ચડાઈ કરો.ને શત્રુઓને મસળી નાખી,તેમની પાસેથી રાજ્યલક્ષ્મી પાછી લઇ લો.યુદ્ધમાં અર્જુનના ગાંડીવમાંથી નીકળેલા બાણોને ને મારી ગદાના 

વેગને સહન કરી શકે તેવો કોઈ પણ મનુષ્ય નથી.વળી,શ્રીકૃષ્ણ,,કૈકેયો-આદિનો સાથ હોવાથી આપણે શું

તે ચાલી ગયેલું રાજ્ય ન મેળવી શકીએ? હે રાજન,મહાબળથી યુક્ત એવા તમે

શું અહીં પ્રયત્ન કરીને શત્રુને હાથે ગયેલી પૃથ્વીને પાછી ન મેળવી શકો?(90)

અધ્યાય-૩૩-સમાપ્ત