Oct 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-321

 

અધ્યાય-૩૩-ભીમસેનનાં વાક્યો 


II वैशंपायन उवाच II याज्ञसेन्या वचः श्रुत्वा भीमसेनो ह्यमर्पण: I निश्चसन्नुपसंगम्य रुद्वो राजानमब्रवीत् II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રૌપદીના વચન સાંભળીને અસહનશીલ ભીમસેન ક્રોધમાં આવીને યુધિષ્ઠિર પાસે ગયો ને 

નિશ્વાસ નાખતો બોલ્યો કે-'સત્પુરુષોને યોગ્ય અને ધર્મથી યુક્ત એવી રાજ્યપદવીને માટે તમે કંઈ કરો.

ધર્મ,કામ અને અર્થથી હીન થયેલા આપણે શા માટે તપોવનમાં વસવું જોઈએ? દુર્યોધને આપણું રાજ્ય કંઈ ધર્મથી,સરળતાથી કે તેજસ્વીતાથી થોડું જ જીતી લીધું હતું? તેણે તો જુગટામાં કપટનો આશ્રય લઈને છીનવી લીધું છે.

એઠું ખાનારો શિયાળ જેમ બળવાન સિંહોનું માંસ લઇ જાય છે તેમ દુર્બળ દુર્યોધન આપણું રાજ્ય હરી બેઠો છે.

હે રાજન,પ્રતિજ્ઞાપાલન-રૂપી જરા જેટલા ધર્મથી ઢંકાઈ ગયેલા તમે,ધર્મ ને કામના ઉત્પાદક એવા રાજ્યાર્થને છોડીને શા માટે દુઃખમાં તપો છો? ગાંડીવધારી અર્જુનથી રક્ષાયેલું આપણું રાજ્ય સ્વયં ઇન્દ્ર પણ હરી શકે તેમ નહોતું.છતાં,માત્ર તમારી ગફલતને લીધે તે અમારા દેખતાં જ છીનવાઈ ગયું છે.અમારા જીવતાં,તમારા કારણે જ આપણા રાજ્યનું ઐશ્વર્ય હરાઈ ગયું,જાણે પાંગળાઓની ગાયો હરાઈ ગઈ.હે ભારત,ધર્મેચ્છામાં નિશ્ચયવાળા એવા તમને સારું લગાડવા માટે જ અમે આવું મહાન સંકટ સ્વીકારી લીધું છે.(8)


અમે તમારાં શાસ્ત્રવચનોથી અમારી જાતને નિયમમાં રાખીએ છીએ અને તેમ કરીને પોતાના મિત્રોને દુઃખી કરીએ છીએ ને શત્રુઓને આનંદ કરાવીએ છીએ.તમારી શાસ્ત્રાજ્ઞા સ્વીકારીને અમે ધૃતરાષ્ટ્ર પુત્રોને માર્યા નહિ,તે કૃત્ય હવે અમને સંતાપે છે.દુર્બળો જ આ દશાને આચરે છે બળવાનો તેનું કદી સેવન કરતા નથી.આ અવસ્થાને,

કૃષ્ણ,અર્જુન,માદ્રીનંદનોઅભિમન્યુ અને સંજયવંશીઓ-એ કોઈ અભિનંદતું નથી,કે હું પણ એને અભિનંદન આપતો નથી.હે રાજન,તમે 'ધર્મ-ધર્મ' બોલતા રહી સદૈવ વ્રતોથી સુકાઈ (દુર્બળ થઇ) ગયા છો.


કંટાળો આવવાથી તમે શું નપુંસકની જીવિકા તો લઇ બેઠા નથી ને? લક્ષ્મીને મેળવવા અશક્ત એવા માણસો 

જ સ્વાર્થનો નાશ કરનારા આવા નિષ્ફળ વૈરાગ્યને પોતાનું પ્રિય કહે છે,પણ,હે મહારાજ,તમે તો દીર્ઘ 

દ્રષ્ટિવાળા છો,સમર્થ છો,અને અમારામાં પૌરુષ જુઓ છો,છતાં દયાળુતામાં પરાયણ રહેલા તમે અનર્થને 

જોતા નથી.આપણે પુરા સમર્થ હોવા છતાં,આ ધૃતરાષ્ટ્રપુત્રો આપણને અસમર્થ જેવા માની રહ્યા છે,તે જ મોટું 

દુઃખ છે,અમને રણમાં વધેરાઈ જવામાં દુઃખ નથી.કેમ કે રણમાં મરીને આપણે ઉત્તમ લોક પામીએ છીએ.(17)


હે રાજન,જે ધર્મ મિત્રોને અને પોતાની જાતને કષ્ટદાયી છે,તે તો પીડા જ છે.તે ધર્મ નથી પણ કુધર્મનું બીજ છે.

હે તાત,જેમ,સુખ અને દુઃખ મડદાને તજી જાય છે તેમ, જે પુરુષ સર્વથા ધર્મપરાયણ રહે છે અને ધર્મથી દુબળો 

પડી ગયો છે,તેને ધર્મ ને અર્થ બંને તજી જાય છે.જેનો ધર્મ માત્ર ધર્મને જ અર્થે છે તે પંડિત નથી પણ ક્લેશ ભોગવનારો છે.આંધળો જેમ સૂર્યની પ્રભાને જાણતો નથી તેમ તે ધર્મના રહસ્યને જાણતો નથી.


દિવસના પ્રથમ ભાગમાં ધર્માચરણ કરવું,મધ્યભાગમાં ધન સંપાદન કરવું ને અંતભાગમાં કામ સેવન કરવું-એ શાસ્ત્રે કરેલો વિધિ છે.તે જ રીતે આવરદાના આગળના ભાગમાં કામસેવન,વચલા ભાગમાં ધન સંપાદન અને છેવટના ભાગમાં ધર્માચરણ થાય -એમ શાસ્ત્રે કહેલું છે.કાલજ્ઞ પંડિતે,ધર્મ,અર્થ અને કામને યાથવત વહેંચીને સર્વનું સમયાનુસાર સેવન કરવું ને સુખની ઇચ્છાવાળાઓ માટે મોક્ષ એ કલ્યાણ છે-એ વિશે કહેલ છે.

ઉપાયપૂર્વકની બુદ્ધિનો આશ્રય લઈને રાજ્યપ્રાપ્તિ કરવી એ પરમ કલ્યાણ છે તો હે રાજન તમે કાં તો સત્વર રાજ્યપ્રાપ્તિ કરો અથવા મોક્ષરૂપી કલ્યાણ હાથ કરો કેમ કે વચગાળે લટકનારાનું જીવન રોગી મનુષ્યની જેમ દુઃખકારી છે.તમારો ધર્મ અને તમે કરેલું તેનું સતત આચરણ એ હું જાણું છું,પણ જાણકાર મિત્રજનોએ 

તમારી આગળ,તમને પ્રવૃત્તિમાં પ્રેરણા પણ કરવી જોઈએ એમ વેદવાક્ય કહે છે.(45)