Oct 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-320

 

અધ્યાય-૩૨-દ્રૌપદીનો નીતિવાદ 


II द्रौपदी उवाच II नावमन्ये न गर्हे च धर्म पार्थ कथंचन I ईश्वरं कृतएवाहमयर्मस्ये प्रजापतिम II १ II

દ્રૌપદી બોલી-હે પૃથાનંદન,હું ધર્મનું કોઈ રીતે અપમાન કરતી નથી,કે તેને કોઈ રીતે નિંદતી નથી.તો પછી,

પ્રજાપતિ ઈશ્વરને તો હું કેમ અવમાનું? હે ભારત,હું તો દુઃખની મારી જ આ પ્રલાપ કરી રહી છું,એમ જાણો.

ફરી હું કેટલોક પ્રલાપ કરીશ તે તમે સાંભળો.હે શત્રુનાશન,આ લોકમાં જાણકારે કર્મ અવશ્ય કરવાં જ જોઈએ,

કર્મ કર્યા વિના તો માત્ર સ્થાવરો જ જીવે છે,બીજાં પ્રાણીઓ જીવતાં નથી.વાછરડું જન્મતાંની સાથે જ ગાયના આંચળ ધાવે છે અને તાપ લાગે ત્યારે છાંયે જઈને બેસે છે,એ પરથી સમજાય છે કે પ્રાણીઓ 

પોતાના પૂર્વકર્મોના સંસ્કારોને અનુસરે છે.હે ભરતોત્તમ,વળી,જંગમોમાં ખાસ કરીને મનુષ્યો 

આ લોક ને પરલોકમાં પોતાના કર્મથી જ આજીવિકા મેળવવા ઈચ્છે છે.(5)

હે ભારત,પ્રાણીમાત્ર,પોતાના પૂર્વકર્મના ઉત્થાનને અનુભવે છે અને લોકને પ્રત્યક્ષ થાય એવી રીતે કર્મોના ફળ ભોગવે છે.  સર્વ જીવો પોતપોતાના પૂર્વકર્મના સંસ્કાર પ્રમાણે જીવન જીવે છે.ધાતા ને વિધાતા પણ પૂર્વસંસ્કાર પ્રમાણે જ કર્મ કરે છે.કર્મ કર્યા વિના પ્રાણીઓની કશી જ આજીવિકા નથી,,તેથી કર્મ કરવાં જ જોઈએ,તેમનો નાશ ન કરાય.તો તમે કર્મ કરો,ગ્લાનિ ન પામો.કર્મ હજારોમાં એક હોય કે ન પણ હોય,તેથી દ્રવ્યની વૃદ્ધિ માટે કે તેના રક્ષણ માટે પણ કર્મ તો કરવું જ જોઈએ.માત્ર ખવાયા જ કરે ને તેમાં કશું ઉમેરાય નહિ તો હિમાલય પણ સાફ થઇ જાય.પૃથ્વીમાં સર્વ લોક જો કોઈ કર્મ કરે જ નહિ તો સમસ્ત પ્રજાઓ ઉજ્જડ  થઇ જાય.તેમ જ જો કર્મ નિષ્ફળ થાય તો પણ પ્રજાની વૃદ્ધિ ન જ થાય.કદાચિત,આપણે કર્મ કરનારા માણસોના કર્મોને અફળ જોઈએ,

તો પણ કર્મ કર્યા વિના કોઈ રીતે આજીવિકા પામી શકાય નહિ.આ સંસારમાં દૈવવાદી ને ચાર્વાક મતવાળા હઠવાદી-એ બંને શઠો છે.કર્મપરાયણ પુરુષ જ પ્રસંશાપાત્ર છે.(13)


જે માણસ દૈવને માનીને,કશુંજ કામ કર્યા વિના સુખેથી સુઈ રહે છે તે દુર્બુધ્ધિ,પાણીમાં પડેલા કાચા ઘડાની જેમ પીગળીને નાશ પામે છે,તે જ પ્રમાણે હઠવાદની દુર્બુદ્ધિવાળો,જે માણસ કર્મ કરવામાં શક્તિમાન હોવા છતાં કર્મ કરતો નથી ને બેસી રહે છે તે દુર્બળ,અનાથની જેમ લાંબુ જીવી શકતો નથી.જો કોઈ એકાદ માણસ,અકસ્માત 

અર્થને પ્રાપ્ત કરે છે,તો લોકો તે પ્રાપ્તિને હઠથી થયેલી માને છે કેમ કે તે કોઈનો પણ યત્ન હોતો નથી.


હે પાર્થ,કોઈ પુરુષ દેવપૂજાની વિધિ વડે કોઈ દેવનું આરાધન કરે અને તેથી તેને જે લાભ થાય છે,તે દૈવ લાભ છે તેવો નિર્ણય છે પણ પુરુષ પોતે પોતાના કર્મ વડે જે કંઈ પ્રત્યક્ષ મેળવે છે તે પૌરુષને નામે પ્રખ્યાત છે.પુરુષ સ્વભાવે કરીને જે કર્મમાં પ્રવૃત્ત થાય અને તેને કારણ વિના અર્થલાભ થાય તો તે ફળને તમે સ્વભાવરૂપી જાણો.

આમ હઠથી,દૈવથી અને સ્વભાવથી પુરુષ જે જે ફળો મેળવે છે તે પૂર્વકર્મોના ફળ છે.ઈશ્વર પણ માણસોના પૂર્વકર્માના ફળને તે તે હેતૂઓ દ્વારા આ જગતમાં ભોગવાવે છે.


પુરુષ જે કંઈ શુભ-અશુભ કરે છે તે તમે ધાતાએ નિર્મેલાં પૂર્વકર્મના ઉદય-રૂપ જાણો.વિધાતાએ નિર્મેલાં કર્મોમાં પ્રવૃત્ત રહેનારો આ દેહ જ તેના કારણરૂપ છે.ધાતા તેને જેમ પ્રેરે છે તેમ તે અવશ રહીને કરે છે.

હે કૌંતેય,પ્રાણીમાત્રને તે તે કૃત્યોમાં જોડાનારા એ મહેશ્વર,તે અસ્વતંત્ર એવા પ્રાણીઓ પાસે કર્મો કરાવે છે.

પણ જે માણસ,પ્રથમ મનથી નિશ્ચય કરે છે અને પછી બુદ્ધિપૂર્વક તે અર્થોને કર્મથી સિદ્ધ કરે છે,

જેમાં પુરુષ જ કારણરૂપ છે.કર્મોની ગણતરી થઇ શકે તેમ નથી કારણકે જે ઘરો ને નગરો તૈયાર થાય છે 

તેમાં પુરુષ પ્રયત્ન જ કારણરૂપ છે.(26)


તલમાં તેલ,ગાયમાં દૂધ,અને કાષ્ટમાં અગ્નિ રહ્યો છે,તેમની સિદ્ધિ મેળવવા માટે ધીર પુરુષે,બુદ્ધિપૂર્વક ચોક્કસ ઉપાય જાણવો જોઈએ.ને તેની સિદ્ધિ અર્થે પ્રયત્ન કરવો જોઈએ.આ લોકમાં પ્રાણીઓ તે કર્મજન્યં સિદ્ધિ પર જીવન ચલાવે છે.જો,પુરુષ,કર્મ-સાધ્ય વિષયોમાં કારણરૂપ હોય નહિ,તો યજ્ઞ-આદિ ઇષ્ટ કર્માઓ,વાવ-કુવા ખોદાવવાના પૂર્ત કર્મોનું ફળ ન જ હોય.અને ન કોઈ શિષ્ય થાય કે ન કોઈ ગુરુ થાય.

પુરુષ કર્તા હોવાથી જ કર્મની સિદ્ધિ થતાં તે પ્રસંશા પામે છે અને તેની સિદ્ધિ ન થતાં નિંદા પામે છે.

પણ જો તે કર્તા જ ન હોય તો તેની શાની નિંદા થાય? 


ચાર્વાકવાદી જેવા કેટલાક આ બધું અકસ્માત (હઠથી) મળે છે એમ કહે છે,કેટલાક કૌલીક મતવાદીઓ એ બધું દૈવથી મળે છે-એમ જણાવે છે તો કેટલાક પ્રાકૃત લોકો એ સઘળું પુરુષ પ્રયત્નથી જ થાય છે એમ કહે છે.

આમ એ સર્વમાં ત્રણ જાતના ભેદ છે.વળી,કેટલાક વૈદિકો એમ માને છે કે એ ત્રણથી કાર્યસિદ્ધિ થતી નથી પણ 

જે દૈવ ને હઠ નામથી પણ અદ્રશ્ય(ઈશ્વર) છે તેથી સિદ્ધિ થાય છે.(કે જેમાં ઈશ્વર કારણરૂપ નથી)

ઈશ્વર જ પ્રાણીઓને ઇષ્ટ અને અનિષ્ટ ફળનો દાતા હોય છે ને જો તેમ હોય નહિ તો પ્રાણીઓમાં કોઈ પણ કૃપણ હોય નહિ,ને,જો પૂર્વકર્મ ન હોય તો પુરુષ જે જે અર્થની ઈચ્છા રાખીને કર્મ કરે તે અર્થ સફળ જ થવો જોઈએ.


કર્મ કરવું જ જોઈએ,એવો મનુનો નિશ્ચય છે કારણકે કર્મ ન કરનારો નિશ્ચેટ પુરુષ પરાભવને પામે છે.

હે રાજન,સામાન્ય રીતે કર્મ કરનારને અવશ્ય ફળસિધ્ધિ થાય છે,આળસુને નહિ.ને માણસને પોતાની હેતુસિદ્ધિ થાય નહિ,તો જાણવું કે એ પૂર્વકર્મનું પ્રાયશ્ચિત્ત છે,ને કર્મ કરવાથી તે ઋણમુક્તિ મેળવે છે.

આળસુ ને સુઈ રહેલા માણસને દરિદ્રતા આવે છે.નિઃસંશય દક્ષ માણસ જ ફળને મેળવીને ઐશ્વર્યને ભોગવે છે.

કર્મોમાં સંશયરહિત રહિત સ્થિતિ જ સિદ્ધિદાયી છે,પણ આવા નિઃસંશય પુરુષો દુર્લભ હોય છે (43)


હે રાજન,આપણા પર આ ભારે અનર્થ વર્તી રહ્યો છે,પણ તમે જો કર્મપરાયણ હોત તો ચોક્કસ તેમ થાત નહિ.તમારો પુરુષાર્થ સફળ ન થયો,તો બાકીના ભાઈઓનું અભિમાન જ રાજ્ય માટે તમારી અયોગ્યતા માટે પ્રમાણરૂપ થઇ પડશે.બીજાઓનાં કર્મ સફળ થાય કે આપણાં કર્મ સફળ થાય,તે તો કર્મ કર્યા પછી જ જાણી શકાય.કર્મ કરનારો જ તેનું યોગ્ય ફળ જાણી શકે છે.ખેડૂત,હળ વડે જમીનને ખેડે,તેમાં બી વાવે પછી તે શાંત રહે છે.સારી ફસલ માટે વરસાદ કારણરૂપ છે.હવે જો મેઘ કૃપા ન કરે તો તેમાં ખેડૂત પોતે નિર્દોષ છે,એમ વિચારે 

છે.ને તે કહે છે કે-'મારાથી બનતું મેં કર્યું ને મને આ ફળ મળ્યું છે તેમાં મારો કોઈ અપરાધ નથી'

આમ વિચારીને તે પોતાને નિંદતો નથી.હે ભારત,કામ કરવા છતાં અર્થસિદ્ધિ થતી નથી એવો કર્મના સંબંધમાં વૈરાગ્ય થવો ન જોઈએ.કેમ કે પુરુષાર્થ ને ઉત્સાહ એ બીજાં કારણો પણ છે.કર્મની સિદ્ધિ થાય કે અસિદ્ધિ થાય તો પણ કર્મમાં પ્રવૃત્તિ બંધ ન રાખવી કેમકે અનેક કારણોના મળવાથી કર્મની સિદ્ધિ થાય છે જ.(51)


જો ગુણનો અભાવ હોય તો ફળ અધૂરું આવે છે કે બિલકુલ આવતું નથી.પણ કર્મનો આરંભ જ ન હોય તો ફળ ને ગુણ એ ક્યારેય દેખાતાં નથી.માટે ધીર પુરુષ,પોતાના બળ ને ઉત્સાહ અનુસાર પોતાના કલ્યાણની વૃદ્ધિ માટે દેશ,કાળ,ઉપાયો ને મંગળને બુદ્ધિપૂર્વક યોજે છે.આ બધું સાવધાન રહીને કરવું ઘટે છે.

ઘીમાન પુરુષને જ્યાં,શત્રુ અનેક ગુણોએ કરીને ચડિયાતો લાગે,ત્યાં સામે ઉપાયથી જ કાર્યસિદ્ધિ ઇચ્છવી અને તેની સામે કર્મ પ્રયોજવું જે પુરુષ શત્રુઓનાં આંતરછિદ્રો જોવામાં સતત જાગ્રત રહે છે,તે પુરુષ પોતાની અને પારકાની ઋણમુક્તિ મેળવે છે આથી પુરુષે પોતાની જાતને કદી હીણી માનવી નહિ.જે પોતાની જાતને અપમાનિત કરે છે તે ઐશ્વર્યને પામતો નથી.હે ભારત,આ લોકની કર્મસિદ્ધિની વ્યવસ્થા આ પ્રકારની છે.ને એ સિદ્ધિની સાધના કાળ અને અવસ્થાના ભેદને અનુસરે છે એમ કહેવાયું છે.(59)


પૂર્વે મારા પિતાએ એક પંડિત બ્રાહ્મણને ઘરવાસો આપ્યો હતો,તેણે જ આ સર્વ નીતિ મારા પિતાને કહી હતી

.તે વખતે કોઈ કાર્ય અંગે અચાનક હું ત્યાં જઈ પહોંચેલી,ત્યારે મેં એ નીતિને સાંભળી હતી,(62)

અધ્યાય-૩૨-સમાપ્ત