Oct 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-319

અધ્યાય-૩૧-યુધિષ્ઠિરનો ઉત્તર 


II युधिष्ठिर उवाच II वल्गु चित्रपदं श्लक्ष्णं याज्ञसेनि त्वया वचः I उक्तं तछ्रुतमस्माभिर्नास्तिक्यं तु प्रभाषसे II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે યાજ્ઞસેની,તેં જે સુંદર પણ વિચિત્ર પદવાળાં વચનો કહ્યાં,તે અમે સાંભળ્યા,તું તો વેદવિરુદ્ધ ને નાસ્તિક વાતો કરે છે.હું કોઈ કર્મના ફળને શોધતો દોડતો નથી પણ 'દેવું જોઈએ' એટલે જ દાન કરું છું 

ને 'યજવું જોઈએ' એટલે યજ્ઞ કરું છું,હે કૃષ્ણા,આમાં ફળ મળો કે ન મળો,પણ ગૃહસ્થાશ્રમમાં વસતા પુરુષે જે કરવું જોઈએ તે યથાશક્તિ હું કરું છું.હું કંઈ ધર્મના ફળને કારણે ધર્મ આચરતો નથી,પણ હું તો શાસ્ત્રોને અનુસરીને અને સત્પુરુષોના વર્તનને જોઈને તેવું આચરણ કરું છું.મારુ મન સ્વભાવથી જ ધર્મપરાયણ છે.જે,ધર્મ કરીને ફળની આકાંક્ષા રાખે છે તે હીન મનુષ્ય,તો ધર્મવાદીઓમાં અધમત્તમ છે.(5)

વેદોને આધારે હું આ કહું છું,માટે તું ધર્મ પર શંકા લાવીશ નહિ.કેમ કે જે ધર્મ પર શંકા લાવે છે તે તિર્યગયોનિમાં જાય છે.ને અજરામર લોકથી વેગળો રહે છે.હે મનસ્વિની,વેદનું અધ્યયન કરનારો,ધર્મપરાયણ અને ઉત્તમ કુળમાં જન્મેલો રાજર્ષિ બાળક હોય તો પણ ધર્માચારીઓએ તેને વૃદ્ધમાં ગણવો જોઈએ.તેં મહાતપસ્વી માર્કંડેય ઋષિને પ્રત્યક્ષ જોયા છે,એ મહત્તમ ધર્મથી જ લાંબો આવરદા ભોગવતા વિચરે છે.બીજા ઋષિઓ પણ ધર્મથી જ સુચિત્ત થયા છે.એ ઋષિઓ દિવ્યયોગથી યુક્ત છે ને દેવોથી પણ અધિક શ્રેષ્ઠ છે.


હે કલ્યાણી,તું મૂઢ મન વડે ઈશ્વર ને ધર્મ પર શંકા લાવે છે યોગ્ય નથી.કેમકે ધર્મ પર શંકા લાવનારો માણસ,ધર્મનિર્ણયની સિદ્ધિવાળા સર્વ મનુષ્યોને ઉન્મત્ત (પાગલ) સાંજે છે અને પોતા સિવાય બીજાઓનાં પ્રમાણોને સ્વીકારતો નથી.ને પોતાના જ પ્રમાણમાં છકેલો રહે છે,ધર્મને અપમાને છે ને ઇન્દ્રિયને સુખ આપનારા વિષયોને જ સાર્થક માને છે.જે ધર્મ વિષે શંકા કરે છે તેને માટે પ્રાયશ્ચિત જ નથી.તેને પુણ્યલોકો સાંપડતા નથી.

પણ જે નિત્ય ઉત્તમ બુદ્ધિ રાખે છે ને ધર્મને જ સેવે છે ને તેના પર શંકા લાવતો નથી તે પરલોકમાં અનંત સુખ ભોગવે છે.જે મૂઢ,ઋષિઓના પ્રમાણનું ઉલ્લંઘન કરીને ધર્મનું પ્રતિપાલન કરતા નથી ને સર્વ શાસ્ત્રોને વેગળાં મૂકીને વર્તે છે,તે જન્મજન્માંતરમાં પણ સુખને પામતો નથી.માટે હે કૃષ્ણા,શિષ્ટજનોએ આચરેલા ને સર્વજ્ઞ તથા સર્વદર્શી ઋષિઓએ કહેલા ધર્મ વિષે તું શંકા લાવીશ નહિ,સ્વર્ગે જનારા માટે ધર્મ એ જ નૌકા છે.(24)


હે અનિન્દિતા,ધર્મચારીઓએ આચરેલો ધર્મ કદી અફળ જાય,તો આ જગત આધારવિહોણા અંધકારમાં ગરકી  જાય.ને ત્યારે કોઈ,નિર્વાણ ન પામે,પશુવૃત્તિથી જીવે,વિદ્યામાં ન જોડાય ને અર્થપ્રાપ્તિ ન સાધે.

તપ,બ્રહ્મચર્ય,યજ્ઞ,સ્વાધ્યાય,દાન અને ઋજુતા-એ જો નિષ્ફળ જ હોય તો પૂર્વજો ધર્માચરણ સેવત જ નહિ.

જો ક્રિયાઓ નિષ્ફળ હોય,તો આ બધું ભારે છેતરપિંડી જ ગણાય,ને ઋષિઓ ધર્મને શા માટે આચરત? પણ તેઓ ઈશ્વરને જ ચોક્કસ ફળદાતા જાણીને કલ્યાણને અર્થે ધર્મ આચરતા હતા.તેથી ધર્મ જ સનાતન કલ્યાણ છે.


વળી,જેમ,આ ધર્મ નિષ્ફળ નથી તેમ અધર્મ પણ નિષ્ફળ નથી.વિદ્યાનાં અને તપોનાં ફળ જોવામાં આવે છે.

હે કૃષ્ણા,તારા પોતાના જન્મ વિશે જે વૃતાન્ત છે તે તું જાણ,ને ધૃષ્ટદ્યુમ્ન પણ કેવી રીતે જન્મ પામ્યો છે? તે તું જાણ.

ધીર પુરુષ કર્મનું ફળ પ્રાપ્ત કરે છે અને થોડાથી પણ સંતોષ લે છે,એનું આ ઉદાહરણ પૂરતું છે.

ફળ જોવામાં આવે નહિ,તેથી ધર્મ પર ને દેવતાઓ પર શંકા લાવવી જોઈએ નહિ,પણ યત્નપૂર્વક યજ્ઞો કરવા જોઈએ

ને ઈર્ષા વિના દાન દેવાં જોઈએ.આ લોકમાં કર્મોનું ફળ છે જ અને એ જ સનાતન ધર્મ છે,

એમ બ્રહ્માએ પોતાના પુત્રોને કહ્યું હતું.કશ્યપ ઋષિ આ જાણે  છે.(39)


હે કૃષ્ણા તારો આ સંશય ઝાકળબિંદુની જેમ ઉડી જાઓ.આ બધું સત્ય છે-એવો ભાવ કરીને તું નાસ્તિકતાના ભાવને અળગો કર.પ્રાણીઓના નિયંતા ને ફલદાતા ઈશ્વરને તું ગાળો આપ નહિ,ને તેને તું ઓળખ,

એમને નમન કર,તારી બુદ્ધિ આવી ન હો,જેના કૃપા પ્રસાદે કરીને તેનો ભક્ત અમરતાને પામે છે,

તે ઉત્તમ દેવતાને તું કોઈ પણ રીતે અવમાનીશ  નહિ (42)

અધ્યાય-૩૧-સમાપ્ત