Oct 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-318

 

અધ્યાય-૩૦-દ્રૌપદીનાં વળતાં વચનો 


II द्रौपदी उवाच II नमो धात्रे विधात्रे च मोहं चक्र्तुस्तव I पितृपैतामहं पृत्ते चोढवये तेSन्यथामतिः II १ II

દ્રૌપદી બોલી-એ ધાતા.એ વિધાતાને નમસ્કાર કે જે બંનેએ બાપદાદાથી ઉતરી આવેલા રાજયપ્રાપ્તરૂપી-ધારણ કરવા યોગ્ય આચારમાં તમારી ઉલટી મતિ કરી છે.કર્મથી જ ઉત્તમ,મધ્યમ ને નીચ-એ જુદીજુદી યોનિઓમાં,

ને જુદાજુદા લોક મળે છે,તેથી કર્મો જ નિત્ય છે અને લોભ વડે જ માણસ મોક્ષની ઈચ્છા કરે છે.આ લોકમાં પુરુષ,ધર્મથી,દયાળુતાથી,ક્ષમાથી,સરળતાથી કે લોકોપવાદના ભયથી લક્ષ્મીને પામતો નથી.(3)

હે ભારત,જુઓ,તમારા ઉપર આ દુઃસહ આપત્તિ ઉતરી છે,કે જે તમારા ને તમારા ભાઈઓ માટે યોગ્ય નથી.

માનો કે તમારા એ ભાઈઓ તે વખતે,કશાને પણ ધર્મથી વિશેષ જાણતા નહોતા,ને આજે પણ એમ જ જાણે છે.

વળી,બ્રાહ્મણો,ગુરુઓ ને દેવતાઓ સુધ્ધાં જાણે  છે કે તમારું રાજ્ય ને તમારી આવરદા ધર્મને અર્થે જ છે.

હું માનું છું કે તમે ભાઈઓને તજી શકો છો પણ ધર્મને નહિ.મેં આર્યોના મુખેથી સાંભળ્યું છે કે-ધર્મનું રક્ષણ 

કરનારા રાજાનું,તે રક્ષણ કરાયેલો ધર્મ રક્ષણ કરે છે,પણ મને લાગે છે કે ધર્મ તમારું રક્ષણ કરતો નથી.


હે નરસિંહ,જેમ,પોતાની છાયા પોતાને જ અનુસરે છે,તેમ તમારી બુદ્ધિ નિત્ય ને અનન્યતાએ ધર્મને જ અનુસરે છે.

તમે સમાન કે ઉતરતા પુરૂષોનું કદી અપમાન કર્યું નથી તો શ્રેષ્ઠ પુરુષનું અપમાન તો ક્યાંથી કરો?

સમગ્ર પૃથ્વીને પ્રાપ્ત કર્યા પછી પણ તમે મોટાઈનું અભિમાન વધાર્યું નથી,ને બ્રાહ્મણોના મનોરથી સદા સિદ્ધ કર્યા છે.મોક્ષાર્થી યતિઓ ને ગૃહસ્થીઓ તમારા ત્યાં સોનાના થાળમાં ભોજન પામ્યા છે,ને તે વખતે હું પણ સેવિકા હતી.તમારા ઘરમાં શાંતિના અર્થે વૈશ્વકર્મ થતું હતું,તેમાં અતિથિઓ અને પ્રાણીઓને અન્ન આપ્યા પછી,જે શેષ રહેતું હતું તે ખાઈને તમે જીવતા હતા.ને તમારે ત્યાં અનેક જાતના યજ્ઞો ચાલતા હતા, તે રાજ્યથી ભ્રષ્ટ થઈને તમે આ જનશૂન્ય મહારણ્યમાં આવીને વસ્યા છો.છતાં,તમારો ધર્મ સ્ખલિત  થયો નથી.હે રાજન,અવળી મતિ ભરાઈ આવવાથી તમે રાજ્યને,સંપત્તિને,આયુધોને,ભાઈઓને ને મને હારી બેઠા.તો સરળ,મૃદુ,ઉદાર,લજ્જાળુ અને સત્યવાદી એવા તમને જુગારની લત ક્યાંથી થઇ આવી?તમારું આ દુઃખ ને આપત્તિ જોઈને મારું મન ભમી ઉઠે છે.


લોકો ઈશ્વરને આધીન રહે છે,તેઓ સ્વાધીન નથી,આ સંબંધમાં પુરાતન ઇતિહાસ ઉદાહરણ તરીકે અપાય છે.

વિધાતા જ પ્રથમ પ્રાણીઓના સર્વ કર્મોનાં બીજોનો આશ્રય લઈને તેમના સુખદુઃખ અને પ્રિય-અપ્રિયને આગળથી જ યોજી રાખે છે,હે નરવીર,જેમ સજી સજાવેલી લાકડાની પુતળી,તેને નચાવનાર પ્રમાણે નાચે છે,

તેમ, આ પ્રજા પણ ઈશ્વરને આધીન રહીને પોતાની સર્વ ચેષ્ટાઓ કરે છે.


આ મનુષ્ય સ્વાધીન નથી,તે તો કાળમુઢ પરમાત્માને ભજે છે,ને તેની પ્રેરણા વડે જ તે સ્વર્ગ કે નરકમાં જાય છે.ઈશ્વર,પુણ્ય કે પાપ કર્મોમાં જોડાયેલો રહે છે અને સર્વ ભૂતોમાં વ્યાપીને વિચારે છે.ક્ષેત્ર નામે ઓળખાતું આ શરીર,પોતાનું હેતુમાત્ર છે ને એ સર્વવ્યાપી ઈશ્વર એને શુભ-અશુભ ફળવાળા કર્મો કરાવે છે.જુઓ,ઈશ્વરે માયાનો આ કેવો પ્રભાવ કર્યો છે! તે પ્રાણીઓને મોહિત કરી નાખે છે અને પછી પ્રાણીઓ વડે જ પ્રાણીઓને હણે છે.


તત્વદર્શી,મુનિઓ એ ભૂતોને બીજી જ રીતે જુએ છે અને તેઓ વાયુના વેગની જેમ બીજા જ રૂપે બદલાઈ જાય છે.મનુષ્યો જે જે કામોને કરવાના પ્રકારનાં માને છે,તે તે કામોને પ્રભુ જુદી જ રીતે કરે છે કે નથી કરતા.

આમ,તે સ્વેચ્છાવિહારી સમર્થ ભગવાન પ્રાણીઓના સંયોગ-વિયોગ કરીને તેમની સાથે ક્રીડા કરે છે.

હે રાજા,ઈશ્વર કંઈ માતપિતાની જેમ પ્રાણીઓ પ્રત્યે દયાભાવે વર્તતા નથી,તે તો સામાન્ય માણસોની જેમ રોષમાં જ પ્રવૃત્ત રહે છે.શીલવાન આર્યો ખાવાના અભાવે સુકાઈ રહ્યા છે તો અનાર્યો સુખની લહેરમાં પડ્યા છે.


હું જોઉં છું કે તમને આ આપત્તિ પડી છે અને દુર્યોધનને ત્યાં સમૃદ્ધિ વરસી રહી છે.આથી હું ઈશ્વરને નિંદા વરસાવું છું.કેમ કે તેઓ વિષમ દ્રષ્ટિથી જુએ છે.આર્યશાસ્ત્રોને છૂંદી મુકનાર,ક્રૂર,લોભિયા અને ધર્મઘાતક એવા દુર્યોધનને લક્ષ્મી આપીને ધાતા કયું ફળ ભોગવી રહ્યો છે?જો કરેલું કર્મ,તેના કરનારને જ અનુસરે છે,ને બીજાને ફળતું નથી,

તો જરૂર ઈશ્વર જ તે પાપકર્મથી લેપાય છે.ને જો પાપકર્મ,તેના કરનારને ફળતું ન હોય તો 

તેમાં બળ જ કારણરૂપ છે,તેથી હું દુર્બળ જનોનો શોક કરું છું. (44)

અધ્યાય-૩૦-સમાપ્ત