Oct 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-317

 

અધ્યાય-૨૯-યુધિષ્ઠિરે કરેલી ક્ષમાની પ્રશંસા 


II युधिष्ठिर उवाच II क्रोधो हंता मनुष्याणां क्रोधो भावयिता पुनः I इति विद्धि महाप्राज्ञे क्रोधमूलौ भवाभवौ II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબુદ્ધિશાળી,ક્રોધ મનુષ્યોનો ઘાતક છે.મનુષ્યની વૃદ્ધિ ને વિનાશ એ બેઉનું મૂળ ક્રોધ છે.

જે ક્રોધને મારે છે તે અભ્યુદયને મેળવે છે.વળી,જે ક્રોધને વશ થઇ જાય,તેનો ક્રોધ જ તેના વિનાશનું કારણ બને છે.

આ જગતમાં પ્રજાઓના વિનાશનું કારણ ક્રોધ જ જોવામાં આવે છે,તો મારે શા માટે ક્રોધને પ્રગટ કરવો જોઈએ?

ક્રોધમાં આવી બેસેલો મનુષ્ય પાપ કરી બેસે છે ને ગુરુઓને પણ મારી નાખે છે,ક્રોધને વશ થયેલો મનુષ્ય કઠોર વચનો બોલીને શ્રેષ્ઠ પુરૂષોનું પણ અપમાન કરે છે,તે શું બોલવું ને શું ન બોલવું એ સમજતો નથી.

ક્રોધને લીધે તે અવદ્યનો વધ કરે છે ને વદ્યોને સન્માન આપે છે.અરે,ક્રોધી તો પોતાને પણ યમને ઘેર રવાના કરે છે.

આ દોષોને બરાબર જોનારા અને આ લોક તથા પરલોકમાં કલ્યાણ ઇચ્છનારા મહાત્માઓએ ક્રોધને જીત્યો છે.

ધીર પુરુષોએ વર્જિત કરેલા ક્રોધને,અમારા જેવા કેમ આચરી શકે? હે દ્રૌપદી,આ રીતે વિચાર કરવાથી મારો રોષ વધતો નથી.જે મનુષ્ય,કોપ કરનારની સામે કોપ કરતો નથી તે પોતાને ને પારકાંને મહાન ભયમાંથી બચાવે છે.મૂઢ અને અશક્તિમાન એવો મનુષ્ય,જો કષ્ટ પામતાં,બળવાન માણસો પર ક્રોધ કરી બેસે છે તો તે પોતાનો જ જીવ ગુમાવે છે.

ને આ રીતે જીવ ખોનારાઓ સ્વર્ગાદિ લોકને પણ ગુમાવે છે,માટે રોષને નિયમમાં રાખવો જોઈએ.


હે દ્રૌપદી,વળી,જે મનુષ્ય શક્તિમાન ને વિદ્વાન છે,તે ક્લેશ આવવા છતાં કોપ કરતો નથી,તે તો ક્લેશ આપનારનો નાશ કર્યા વિના જ પરલોકમાં આનંદ કરે છે.આથી બળવાન કે દુર્બળ એવા વિદ્વાન પુરુષે આપત્કાળમાં પણ નિત્ય ક્ષમા રાખવી એમ કહ્યું છે.આ સંસારમાં સત્પુરુષો ક્રોધ પરના વિજયની જ પ્રશંસા કરે છે.

અસત્ય કરતાં સત્ય ચડિયાતું છે,અને નિર્દયતા કરતાં દયાળુતા ચડિયાતી છે.તો અનેક દોષોવાળો ને સાધુઓએ ત્યજેલ ક્રોધ,મારા જેવાએ શા માટે દુર્યોધનના વધ માટે પ્રગટાવવો જોઈએ? પંડિતો જેને તેજસ્વી કહે છે,તેના હૃદયમાં ક્રોધ હોતો નથી એ નિશ્ચિત વાત છે.ઉઠી આવેલા ક્રોધને બુદ્ધિ પૂર્વક વાળી લે,તે જ તેજસ્વી છે.


ક્રોધી માણસ,કર્તવ્ય કર્મને યથાવત જોતો નથી,કેમ કે તે અકાર્ય ને મર્યાદાને જાણતો નથી.ને અવદ્યોને હણી નાખે છે,

એથી તેજસ્વી પુરુષે ક્રોધને દૂર જ ઉભો રાખવો.કાર્યદક્ષતા,શત્રુઓના પ્રભાવનું ચિંતન,શૌર્ય ને શીઘ્રતા-એ તેજના ગુણો છે.ક્રોધથી પરાભવ થયેલો મનુષ્ય તેજના તે ગુણોને સહેજે મેળવી શકે તેમ નથી,

ક્રોધી માણસો,કાળે કરીને તે તેજને મહાપરાણે સહન કરી શકે છે,મૂર્ખાઓ 'ક્રોધ એ જ નિત્ય તેજ છે' એમ કહે છે,


સ્વધર્મમાંથી નીચે પડનારો માણસ કદાચ સારો હશે પણ ક્રોધી માણસ સારો નથી,એવો શાસ્ત્રનિર્ણય છે.

બુદ્ધિ વિનાના ને ભાન વિનાના માણસો જ કદી ક્ષમા આદિ સર્વ ગુણોનું ઉલ્લંઘન કરે છે.માનવોમાં જો પૃથ્વી જેવી ક્ષમાવાળા માણસો ન હોય તો મનુષ્યોમાં સલાહ-સંપ રહે જ નહિ,કેમ કે ક્રોધ એ જ વિગ્રહનું મૂળ છે.

ક્રોધી માણસ સામા માણસને પણ ક્રોધ કરાવે છે ને પ્રાણીમાત્રનો વિનાશ થઈને અધર્મ પ્રસરી રહે છે.


એકે ગાળ દીધી એટલે બીજો તેને સામી ગાળ આપે,એકે હિંસા કરી એટલે સામે બીજો હિંસા કરે,પછી,

પિતાઓ પુત્રને,પુત્ર પિતાને,પતિ પત્નીને ને પત્ની પતિને હણે,ને લોકમાં આમ કોપ ફાટી નીકળે,એટલે પ્રજાજન્મ થાય જ નહિ કેમ કે સુમેળ એ જ પ્રજાઓના જન્મનું મૂળ છે.હે દ્રૌપદી,તેવો ક્રોધ થતાં,સર્વ પ્રજાઓ તત્કાલ નાશ પામે છે એટલે ક્રોધ એ પ્રજાઓના વિનાશનું અને અક્લ્યાણનું કારણ છે.માટે,આ જગતમાં સર્વ આપત્તિઓમાં પુરુષે ક્ષમા રાખવી જ જોઈએ.ક્ષમાશીલ મહાત્મા કશ્યપે નિત્ય ક્ષમાવાનોના સંબંધમાં આ જે ગાથાઓ ગાઈ છે તેનું પંડિતો ઉદાહરણ આપે છે.


ક્ષમા ધર્મ છે,ક્ષમા યજ્ઞ છે,ક્ષમા વેદો છે અને ક્ષમા વિદ્યા છે,ને ક્ષમાને જે આ પ્રમાણે જાણે છે તેઓ સર્વને 

સહન કરવાને યોગ્ય છે.ક્ષમા બ્રહ્મ છે,ક્ષમા તપ છે,ક્ષમા શૌચ છે અને જગત ક્ષમાથી જ ધારણ થયું છે.

ક્ષમા એ તેજસ્વીઓનું તેજ છે,તપસ્વીઓનું બ્રહ્મ છે,સત્યવાનોનું સત્ય છે,શાંતિ છે.આવી ક્ષમાને અમારા જેવા 

કેમ ત્યજી દઈ શકે?વિદ્વાને સતત ક્ષમા રાખવી જ ઘટે છે,તે જયારે ક્ષમા રાખે છે ત્યારે બ્રહ્મને પામે છે.

જે માણસોનો ક્રોધ ક્ષમાથી સદૈવ પરાસ્ત થયો છે,તેમને ઉત્તમ લોકો પ્રાપ્ત થાય છે માટે ક્ષમાને પરમ શ્રેષ્ઠ માની છે.


હે દ્રૌપદી,ક્ષમાશીલોના સંબંધામાં કશ્યપે જે ગાથાઓ ગાઈ છે તે સાંભળીને તું સંતોષ ધારણ કર ને ક્રોધ કરીશ નહિ.ભીષ્મ,વિદુર ને શ્રીકૃષ્ણ શાંતિને જ સ્વીકારશે.દ્રોણ,કૃપાચાર્ય,સંજય,સોમદત્ત,યુયુત્સુ,અશ્વસ્થામા ને પિતામહ વ્યાસ પણ નિત્ય શાંતિની જ સ્તુતિ કરશે.જે દુર્યોધનને નિત્ય શાંતિ તરફ પ્રેર્યાં કરશે,એટલે તે આપણું રાજ્ય પાછું આપશે એવું મારુ માનવું છે,નહિ તો તે લોભના લીધે નાશ પામશે.ભરતવંશીઓનો અકલ્યાણ કાળ આવી લાગ્યો છે,કે જેનો આગળથી જ નિર્ણય થઇ ગયો છે.દુર્યોધન રાજ્યને યોગ્ય નથી તેથી તે ક્ષમાને પ્રાપ્ત થયો છે.

હું રાજ્યને યોગ્ય છું એટલે ક્ષમા મને પ્રાપ્ત થઇ છે.ને તેને સહજતાથી હું કાર્યમાં ઉતારી રહ્યો છું (53)

અધ્યાય-૨૯-સમાપ્ત