અધ્યાય-૨૮-દ્રૌપદીનો સંતાપ
II द्रौपदी उवाच II अत्राप्युदाहरंतीममितिहासं पुरातनम् I प्रहलादस्य संवादं बलेर्वैरोचनस्य च II १ II
દ્રૌપદી બોલી-આ વિષયમાં પુરાણવિદો,પ્રહલાદ ને વિરોચનપુત્ર બલિનો સંવાદ ઉદાહરણમાં આપે છે.
અસુરોમાં ઇન્દ્ર જેવા,મહાબુદ્ધિમાન,અને ધર્મોના રહસ્યને જાણનારા દૈત્યેન્દ્ર પ્રહલાદને બલિએ પૂછ્યું હતું-
'હે પિતા,ક્ષમા ચડિયાતી છે કે તેજ ચડિયાતું છે?મને આ વિષે સંશય છે,તો તમે તે વિષે કહો,
કે જેથી તમારા ઉપદેશ પ્રમાણે તે બધું હું યથાર્થ રીતે કરીશ' (4)
પ્રહલાદ બોલ્યા-બેટા,તેજ સદાસર્વદા સારું નથી તેમ ક્ષમા પણ નિત્ય સારી નથી,તે તું નિઃસંદેહ સમજી લે.
જે નિત્ય ક્ષમા રાખે છે,તે અનેક દોષોને આમંત્રે છે,સેવકો તેને પરાભવ આપે છે,શત્રુઓ તેને ગણતા નથી ને પ્રાણીમાત્ર તેને નમન કરતા નથી.નિત્યની ક્ષમાને પંડિતોએ વખોડી કાઢી છે,તેવા માણસના નોકરો તેને અવગણે છે અને અનેક દોષોની લતમાં પડે છે.ટૂંકી બુદ્ધિવાળાઓ,એવાનું ધન છીનવી લેવાના પ્રયત્નમાં પડે છે.વળી,તે ક્ષમાશીલ મનુષ્યના અધિકારીઓ પણ અવિચારી થઇ,તેનાં વાહન,વસ્ત્રો,અલંકારો,શયનો,આસનો,ભોજન,
પીણાંઓ,તેમ જ તમામ રાચરચીલાને ફાવે તેમ લઇ લે છે.અને સ્વામીની આજ્ઞાથી જે કોઈ વસ્તુ કોઈને
આપવાની હોય તે તેઓ આપતા નથી,ને સ્વામીને આપવા યોગ્ય માનપૂજા આપતા નથી.
આ લોકમાં આવી અવજ્ઞા એ મરણ કરતાં પણ ભૂંડી છે.
આવા ક્ષમાવાળા માણસને તેના દૂતો,પુત્રો,સેવકો તેમજ ઉદાસીન લોકો કડવી વાતો સંભળાવે છે એટલું જ નહિ પણ કેટલાએક તો તેને હંફાવીને તેની સ્ત્રીઓની પણ ઈચ્છા કરે છે.પછી એ ભાન વિનાની સ્ત્રીઓ સ્વેચ્છાએ પ્રવર્તે છે અને નિત્ય આનંદોત્સવમાં રામે છે.સ્ત્રીઓને સ્વામી તરફથી થોડી સરખી એ શિક્ષા કરવામાં આવતી નથી તેઓ તેઓ ભૂંડાં કામ કરવા લાગે છે.નિત્ય ક્ષમાવાળાને આવા અને બીજા પણ અનેક દોષો લાગે છે.
હવે,જે ક્ષમાશીલ નથી તેના દોષોને સમજ.રજોગુણથી ઘેરાયેલો ક્રોધી માણસ,પોતાના કોપ વડે સ્થાને કે અસ્થાને સતત જાતજાતની શિક્ષાઓ પ્રયોજે છે ને મિત્રોની સાથે વિરોધ ઉભો કરે છે તથા લોક અને સ્વજનો તરફથી શત્રુતા વહોરે છે.જેને લીધે તે માણસ અર્થહાનિ,ઠપકો,અપમાન,સંતાપ,દ્વેષ અને મોહ પામે છે.
જે પુરુષ ક્રોધને લીધે માણસોને વિવિધ દંડો કરે છે તે તરત જ ઐશ્વર્યથી,સ્વજનોથી ને પ્રાણોથી ભ્રષ્ટ થાય છે.
લોકો જેનાથી ગભરાટ પામતા હોય,તેનું કલ્યાણ ક્યાંથી થાય?પણ એ ચોક્કસ છે કે લોકો લાગ જોઈને તેનું ભૂંડું તો કરે છે જ.આથી અતિશય ક્રોધમાં રહેવું નહિ,ને વખત આવે તે પ્રમાણે મૃદુ કે તીક્ષ્ણ થવું.જે યોગ્ય કાલે કોમળ રહે છે ને યોગ્ય કાલે કઠોર થાય છે તેને આ લોક ને પરલોકમાં સુખ સાંપડે છે.
હવે હું વિસ્તારથી ક્ષમાના સમયો કહું છું.તે સાંભળ,પંડિતો 'તે સમયમાં કદી ક્રોધ કરવો નહિ'-એમ કહે છે.
કોઈએ અગાઉ ઉપકાર કર્યો હોય અને તે મોટો અપરાધ કરે તો તેના આગળ ઉપકારને કારણે તેને ક્ષમા આપવી ઘટે છે.અણસમજને વળગેલા અપરાધીઓના અપરાધને ક્ષમા આપવી જોઈએ કેમ કે તે પુરુષને
પાંડિત્ય સુલભ નથી.પણ જેઓ જાણી જોઈને અપરાધ કરે છે અને તેના વિશે પોતાનું અજાણપણું બતાવે છે,તે પાપીઓને તેમ જ કુટિલો ને તો તેમના નાના સરખા અપરાધ માટે પણ મારી નાખવા જોઈએ.પ્રાણીમાત્રના એક અપરાધને ક્ષમા આપવી જોઈએ પણ તે જો બીજીવાર થોડો પણ અપરાધ કરે તો તે સજાપાત્ર જ છે.
જો કોઈએ અજાણતાં અપરાધ કર્યો હોય તો તેની સારી રીતે પરીક્ષા કરીને તેને ક્ષમા આપવી.(30)
મૃદુતા કઠોરને મારે છે,તેમ તે અકઠોરને પણ મારે છે,મૃદુતા માટે કશુંયે અસાધ્ય નથી.એથી મૃદુતા એ વિશેષ તીવ્ર છે.પણ દેશ,કાળ,ને પોતાની શક્તિ-અશક્તિનો વિચાર કરીને જ કાર્ય કરવું.દેશ-કાળની વિપરીતતામાં કશું જ કામ સિદ્ધ થતું નથી,આથી દેશ કાળની તપાસ રાખવી,વળી,લોકભયને કારણે પણ કદીક અપરાધીને ક્ષમા આપવી જોઈએ.આ રીતે ક્ષમાના સમયો કહ્યા,તેનાથી ઉલટી રીતે વર્તનારા સંબંધમાં ક્રોધનો સમય કહેવાય છે.
દ્રૌપદી બોલી-હે નરેશ્વર,હું માનું છું કે,લોભમાં ડૂબેલા,એ ધૃતરાષ્ટ્રપુત્રોના સંબંધમાં તમારે ક્રોધ કરવાનો સમય આવી ગયો છે,હવે કુરુઓ પ્રત્યે ક્ષમા આપવાનો કોઈ સમય જ નથી.આ તેજ બતાવવાનો સમય આવ્યો છે ત્યારે તમારે શત્રુઓના પર તેજ જ છોડવું યોગ્ય છે.કોમળ માણસ અપમાન મેળવે છે અને તીક્ષ્ણ માણસથી લોક ગભરાટ પામે છે પણ જે વખત આવે કોમળ ને કઠોર થવાનું જાણે છે,તે જ આ ભૂમિનો નાથ થાય છે (37)
અધ્યાય-૨૮-સમાપ્ત