અધ્યાય-૨૭-દ્રૌપદીનાં પરિતાપ વચન
II वैशंपायन उवाच II ततो वनगता: पार्थाः साह्याद्वे सः कृष्णया I उपविष्टा: कथाश्चत्कृदुःख शोकपरायणा: II १ II
વૈશંપાયન બોલ્યા-તે પછી,વનવાસી થયેલા ને દુઃખશોક્મા ડૂબેલા પૃથાનંદનો સંધ્યાકાળે કૃષ્ણા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા.ત્યારે તે કૃષ્ણા યુધિષ્ઠિરને કહેવા લાગી કે-દુષ્ટચિત્ત,ઘાતકી અને પાપી તે ધુતરાષ્ટ્રપુત્રને,આપણે દુઃખી થયા,તેથી જરાયે દુઃખ થતું નથી.કેમ કે હે રાજન,તે દુરાત્માએ તમને મૃગચર્મો પહેરાવ્યાં.અને મારી સાથે વનમાં ધકેલ્યા,છતાં તે દુર્મતિયાને કશો પશ્ચાતાપ થયો નહિ.તે દુષ્ટનું હૈયું ખરે,લોખંડનું છે,કેમ કે ધર્મપરાયણ અને જ્યેષ્ઠ એવા તમને,તે વખતે કડવા બોલ સંભળાવ્યા હતા.સુખને યોગ્ય અને દુઃખને અયોગ્ય એવા તમારા પર આવું દુઃખ લાવીને તે દુષ્ટચિત્ત પાપી તેના સ્નેહીસમૂહો સાથે લહેર કરે છે.(6)
હે ભરતરાજ,તમે મૃગચર્મ પહેરીને નીકળ્યા ત્યારે દુયોધન,કર્ણ,શકુનિ ને દુઃશાસન એ ચાર પાપીઓની જ આંખમાંથી આંસુઓ પડ્યા નહોતાં બાકીના કુરુઓનાં નેત્રોમાં આંસુ હતાં.હે મહારાજ,પૂર્વે તમારું જે શયન હતું
તે અને આજની પથારી જોઈને મને તમારા માટે શોક થાય છે.પૂર્વનું સિંહાસન અને આજનું દર્ભાસન જોઈને,
મને શોક ગૂંગળાવી રહ્યી છે.પૂર્વે ઉત્તમ રશમી વસ્ત્રોમાં ઢંકાયેલા એવા તમને આજે હું વલ્કલ પહેરેલા જોઉં છું.
પૂર્વે હજારો બ્રાહ્મણોને સોનાના વાસણોમાં બ્રાહ્મણોને અન્ન પીરસીને તમે તેમને સત્કારતા હતા,
આજે એમનું કશુંયે નથી.તો મારા હૃદયને શાંતિ ક્યાંથી હોય?
યુવાન રસોઈયાઓ તમારા ભાઈઓને ઉત્તમ રાંધેલાં મિષ્ટાન્નોનાં ભોજન કરાવતા હતા,જેમને હું આજે વનમાં કંદમૂળ ખાઈને જીવતા જોઉં છું.જેથી મારુ મન શાંત રહેતું નથી.વનવાસી એવા આ ભીમસેનનો વિચાર કરીને તમને યોગ્ય કાળે પણ કોપ કેમ થતો નથી? ભીમસેનને દુઃખી અને જાતે જ કામ કરતા જોઈને તમને કેમ કોપ વધતો નથી?વિવિધ વાહનો ને મહામૂલાં વસ્ત્રોથી જેમને સત્કારવામાં આવેલા,તે ભીમસેનને આજ વનમાં જોઈને તમને કેમ કોપ વધતો નથી? આ વૃકોદર,સર્વ કુરૂઓને રણમાં રોળી નાખવાને માટે સમર્થ છે,પણ તમારી પ્રતિજ્ઞા પુરી થવાની રાહ જીઓને તે આ બધું સહન કરી રહ્યા છે.
આ બે બાહુવાળા અર્જુન,અનેક બહુવાળા સહસ્ત્રાર્જુનની બરાબર છે,બાણોનો શીઘ્ર પ્રયોગ કરવામાં તે કાલાંતક યમરાજના જેવા છે,એમના શસ્ત્ર પ્રતાપથી સર્વ રાજાઓન નતમસ્તક થયા હતા,તે દેવ અને દાનવોથી પૂજાયેલા અર્જુનને ચિતાગ્રસ્ત જોઈને તમને ક્રોધ કેમ ઉપજતો નથી?જેણે માત્ર એક રથથી દેવો,મનુષ્યો અને સર્પોને જીત્યા હતા,તે વનવાસી અર્જુનને જોઈને તમને કેમ કોપ વધતો નથી?જેણે રાજાઓ પાસેથી બળપૂર્વક ધનસંપત્તિ
આણી હતી,ને જે એકસાથે પાંચસો બાણો છોડી છે,તે પરંતપને વનમાં વસેલા જોઈને તમને કેમ કોપ થતો નથી?
શામળા,ભરાવદાર,નવયુવાન અને રણમાં ઢાલ-તલવાર સજનારા આ નકુલને વનમાં જોઈને તમને કેમ કોપ વધતો નથી?શૂરા ને દેખાવડા એવા સહદેવને વનમાં જોવા છતાં તમે કેમ ખામોશ રહ્યા છો? દુઃખને અયોગ્ય એવા નકુલ સહદેવને જોઈને તમને કોપ કેમ વધતો નથી? હે રાજા,દ્રુપદના કુળમાં જન્મેલી,પાંડુની પુત્રવધુ,ધૃષ્ટદ્યુમ્નની ભગિની અને પતિઓને અનુસારનારી વીરપત્ની એવી મને જોઈને તમે કેમ ક્ષમા રાખો છો? હે ભરતશ્રેષ્ઠ,સાચે જ તમારામાં ગુસ્સો જ નથી,કેમ કે ભાઈઓને અને મને જોઈને તમારું મન વ્યથા પામતું નથી.(31)
આ લોકમાં એમ કહેવાય છે કે-ક્ષત્રિય ક્રોધહીન ન હોય,પણ આજે ક્ષત્રિય એવા તમારામાં હું ઉલટું જ જોઉં છું.
જે ક્ષત્રિય વખત આવે પોતાનું તેજ બતાવતો નથી તેને સર્વ પ્રાણીઓ સર્વ કાલે પરાજય આપે છે,તો શત્રુ તરફ તમારે
કોઈ રીતે પણ ક્ષમા રાખવી જોઈએ નહિ,તેજથી જ તેમને મારી શકાય તેમ છે,તે વિશે સંશય નથી.(40)
અધ્યાય-૨૭-સમાપ્ત