Oct 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-314

 

અધ્યાય-૨૬-બકદાલભ્યનો ઉપદેશ 


II वैशंपायन उवाच II वतत्सु ते वै द्वैतवने पांडवेपु महात्मसु I अनुकीर्ण महारण्यं ब्राह्मणैः संपद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-મહાત્મા પાંડવો દ્વૈતવનમાં વસવા લાગ્યા,ત્યારથી તે મહાન અરણ્ય બ્રાહ્મણોથી જાણે ઉભરાઈ ગયું.હતું.ચારે બાજુ ગાજી રહેલા બ્રહ્મઘોષને લીધે એ દ્વૈતવન સરોવર બ્રહ્મલોકના જેવું પાવનકારી થયું હતું.

આમ એક બાજુ બ્રાહ્મણોના વેદધ્વનિ ગાજતા હતા તો બીજી બાજુ પાંડવોના ધનુષ્યટંકાર સાંભળતા હતા.

એક વખતે,ઋષિઓથી વીંટાયેલા ને સંધ્યોપાસનામાં બેઠેલા યુધિષ્ઠિરને બકદાલભ્ય મુનિએ કહ્યું કે-

'હે રાજન,તપસ્વી બ્રાહ્મણોની આ હોમવેળા જુઓ,એમાં અગ્નિ પ્રકાશી રહ્યા છે.વ્રતધારી બ્રાહ્મણો,તમારાથી રક્ષણ પામીને આ પુણ્યવનમાં ધર્માચરણ કરી રહ્યા છે.હે કૌરવ,હું તમને જે વચન કહું છું,તે તમે ભાઈઓ સહિત સાંભળો.

જયારે બ્રાહ્મણ,ક્ષત્રિયની સાથે ને ક્ષત્રિય બ્રાહ્મણની સાથે એક થાય છે,ત્યારે અગ્નિ ને વાયુની જેમ પ્રકાશમાં થઇ તેઓ શત્રુઓના વનને ખાખ કરી નાખે છે.આ લોક ને પરલોકને જીતવાને ઇચ્છતા,રાજાએ બ્રાહ્મણના સાથ વિના ઐશ્વર્યની લાંબી આશા રાખવી નહિ.ધર્મ ને અર્થમાં સુશિક્ષિત તથા મોહરહિત એવા બ્રાહ્મણોને મેળવીને જ રાજા શત્રુઓનો નાશ કરે છે.પૂર્વે બલિરાજાને પણ આ લોકમાં બ્રાહ્મણ વિના બીજો કોઈ ઉપાય જડ્યો નહોતો.(12)


એ વિરોચન પુત્ર બલિના સર્વ મનોરથો પુરા થયા હતા અને તેને અક્ષય લક્ષ્મી મળી હતી.બ્રાહ્મણનો આશ્રય કરવાથી તે અસુરને અક્ષય લક્ષ્મી મળી હતી,ને પૃથ્વી પ્રાપ્ત થઇ હતી.પણ પછી તે બ્રાહ્મણો પ્રત્યે દુષ્ટતા આચરવા લાગ્યો ને વિનાશ પામ્યો હતો.આ ઐશ્વર્યભરી ભૂમિ બ્રાહ્મણના આશ્રય વિનાના ક્ષત્રિયને લાંબા વખત સેવતી નથી.બ્રાહ્મણ જે વિનયનમ્ર ક્ષત્રિયને ઉપદેશ આપે છે તેને સમુદ્ર પર્યંતની પૃથ્વી નમન કરે છે.વશ થાય છે.


બ્રાહ્મણમાં અનુપમ દૃષ્ટિ છે ને ક્ષત્રિયમાં અતુલ બળ છે,ને તે બંને જયારે સાથે મળીને કાર્ય કરે છે ત્યારે જગત પ્રસન્ન રહે છે.જેમ,પવન સાથેનો અગ્નિ,સૂકા વનને બાળી નાખે છે,તેમ,બ્રહ્મ સાથેનો ક્ષત્રિય શત્રુઓને બાળી નાખે છે.આથી બુદ્ધિમાન ક્ષત્રિયે ન મળેલી વસ્તુઓને મેળવવા માટે તથા મેળવેલી વસ્તુઓને વધારવા માટે,બ્રાહ્મણો પાસેથી જ બુદ્ધિજ્ઞાન મેળવવું.કે આથી અમાપની પ્રાપ્તિ અને પ્રાપ્તની વૃદ્ધિ માટે તથા યથાયોગ્ય સુપાત્રને દાન કરવા માટે તમે યશસ્વી વેદવેત્તા,વિદ્વાન અને બહુશ્રુત બ્રાહ્મણોને તમારી પાસે વસાવો.હે યુધિષ્ઠિર,બ્રાહ્મણોમાં નિત્ય તમારી ઉત્તમ વૃત્તિ છે અને તેથી તમારો પ્રસિદ્ધ યશ સર્વ લોકમાં ઝળહળી રહ્યો છે (20)


વૈશંપાયન બોલ્યા-આમ યુધિષ્ઠિરની પ્રશંસા થતાં,સર્વ બ્રાહ્મણોએ,બકદાભળ્ય મુનિનું પૂજન કર્યું ને મનમાં તેઓ અધિક પ્રસન્ન થયા.દ્વૈપાયન,નારદ,પરશુરામ,પૃથુશ્રવા,ઇંદ્રદ્યુમ્ન,ભાલુકિ,કૃતચેતા,સહસ્ત્રપાત,કર્ણશ્રવા,મુંજ,લવણાશ્ચ,

કાશ્યપ,હારીત,સ્થૂલકર્ણ,અગ્નિવેશ,શૌનક,કૃતવાક,સુવાક,બૃહૃદશ્ચ,વિભાવસુ,ઉર્ધ્વરેતા,વૃષામિત્ર,સુહોત્ર અને હોત્રવાહન,અને અનેક બીજા બ્રાહ્મણો અજાતશત્રુ યુધિષ્ઠિરનું અર્ચન કરવા લાગ્યા.(25)

અધ્યાય-૨૬-સમાપ્ત