Oct 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-313

 

અધ્યાય-૨૫-પાંડવોને માર્કેન્ડેય મુનિનો ઉપદેશ 


II वैशंपायन उवाच II 

तत्काननं प्राप्य नरेन्द्रपुत्राः सुखोचितावासमुपेत्य क्रुच्छम् Iविजह्रुरिन्द्रप्रतिमाः शिवेपुसरस्वतीशालवनेपु तेपु II १ II

વૈશંપાયન બોલ્યા-સુખને યોગ્ય,છતાં વનવાસના કષ્ટને પ્રાપ્ત થયેલા તે ઇન્દ્રના જેવા રાજપુત્રો,તે વનમાં પહોંચીને સરસ્વતી નદી પરનાં સાગના વનોમાં વિહાર કરવા લાગ્યા.તેઓ યતિઓ,મુનિઓ અને બ્રાહ્નણોને ઉત્તમ ફળમૂળથી તૃપ્ત કરતા હતા.ને ધૌમ્ય પુરોહિત વનમાં વસતા તે પાંડવોની યજ્ઞ ને પિતૃ સંબંધી ક્રિયાઓ કરતા હતા.

એક વખતે અમાપ તેજસ્વી એવા માર્કન્ડેય મુનિ તેમના  અતિથિરૂપે આવ્યા.(4)

યુધિષ્ઠિરે તેમની સત્કાર પૂજા કરી.પછી,તે મુનિએ પાંડવો ને દ્રૌપદી સામે જોઈને રામચંદ્રનું સ્મરણ કર્યું.ને તપસ્વીઓની વચ્ચે તે અચરજ કરવા લાગ્યા.ત્યારે યુધિષ્ઠિર બોલ્યા-આ તપસ્વીઓ સંકોચ રાખી રહ્યા છે 

ને આપ એમના દેખતાં મારા તરફ જોઈને કેમ પ્રસન્ન થઇ વિસ્મય પામો છો?


ત્યારે માર્કન્ડેય બોલ્યા-હું નથી હરખાઈ જાતો,નથી વિસ્મય પામતો કે નથી મને હર્ષનો મદ ચડતો.પણ આજે તમારી આપત્તિ જોઈને હું સત્ય વ્રતવાળા દશરથનંદન રામચંદ્રનું સ્મરણ કરું છું.તેમને પણ પિતાની આજ્ઞાને માથે ચડાવી વનવાસ સ્વીકાર્યો હતો.ધનુષ્ય લઈને વિચરતા એમને મેં જ ઋષ્યમુક પર્વતના શિખર પર જોયા હતા.

ઇન્દ્રના જેવા પ્રભાવવાળા અને સંગ્રામમાં અજેય એવા તે શ્રીરામે વૈભવો ત્યજીને વનમાં વિચર્યા હતા.

તે બતાવે છે કે બળનું પ્રભુત્વ હોવા છતાં અધર્મ ન જ આચરવો.(11)


નાભાગ અને ભગીરથ આદિ રાજાઓએ સાગર પર્યંતની પૃથ્વીને સત્યથી જ જીતી હતી,તે બતાવે છે કે બળનું પ્રભુત્વ હોવા છતાં અધર્મ ન આચરવો.હે નરવર,અલર્ક,સત્યવ્રત,કાશીરાજ આદિ સર્વ રાજાઓ રાજ્યો ને સંપત્તિઓ છોડીને ચાલ્યા ગયા હતા,એટલે બળનું પ્રભુત્વ હોવા છતાં,અધર્મને ન જ આચરવો.

વિધાતાએ પુરાણ વેદમંત્રોથી જે વિધિ નક્કી કર્યો હતો,તેને સત્કારી રહેલા સપ્તર્ષિઓ આકાશમાં પ્રકાશી રહ્યા છે,માટે બળનું પ્રભુત્વ હોવા છતાં,અધર્મને ન જ આચરવો.મહાકાય હાથીઓ વિધાતાની આણમાં રહ્યા છે,

માટે બળનું પ્રભુત્વ હોવા છતાં અધર્મને ન જ આચરવો.(15)


હે નરેન્દ્ર,સર્વ ભૂતોને જુઓ,તેઓ પણ વિધાતાએ તેમની જાતિ માટે જે અને જેવાં કર્મો નક્કી કર્યા છે,તે અને તેવાં કર્મો નિત્ય આચરે છે,આથી બળનું પ્રભુત્વ હોવા છતાં,અધર્મ ન જ આચરવો.તમે સત્ય,ધર્મ,યથાયોગ્ય વૃત્તિ અને લજ્જાને લીધે સર્વ ભૂતોને વટી ગયા છો.અને તમારો યશ,તેજ સૂર્યની જેમ ઝગમગી રહ્યા છે,

હે મહારાજ,તમે પણ પ્રતિજ્ઞા પ્રમાણે વનવાસનું આ કષ્ટ વેઠી લેશો.એટલે તે તેજ વડે,તમે 

કૌરવોની પાસેથી તમારી ઝળહળતી લક્ષ્મીને પાછી મેળવી લેશો (18)


વૈશંપાયન બોલ્યા-આમ તપસ્વીઓની મધ્યમાં,મિત્રજનોની સાથે બેઠેલા,તે યુધિષ્ઠિરને માર્કન્ડેય મુનિએ 

ઉપદેશ વચન કહ્યાં,ને પછી પાંડવોની રજા લઈને ત્યાંથી ઉત્તર દિશામાં ચાલ્યા ગયા,(19)

અધ્યાય-૨૫-સમાપ્ત