Oct 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-312

અધ્યાય-૨૪-પાંડવોનો દૈત્યવનમાં પ્રવેશ 


II वैशंपायन उवाच II ततस्तेषु प्रयातेषु कौन्तेयः सत्यसंगरः I अभ्यमापत धर्मात्मा भ्रातृन्सर्वान युधिष्ठिर II १ II

વૈશંપાયન બોલ્યા-આમ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા પછી,સત્યપ્રતિજ્ઞ અને ધર્માત્મા એવા કુંતીનંદન યુધિષ્ઠિરે સર્વ ભાઈઓને કહ્યું કે-'આપણે હવે બાર વર્ષ સુધી નિર્જન વનમાં વસવાનું છે એટલે તમે એવી જગા શોધી કાઢો કે જેમાં અનેક મૃગો,પક્ષીઓ,ફૂલો,ફળો હોય,જે રમણીય હોય,કલ્યાણકારી હોય,પવિત્ર મનુષ્યોથી ભરપૂર હોય,

ને જેમાં આપણે સર્વ સુખરૂપ વસી શકીએ તેમ હોય' ત્યારે અર્જુને તેમને માન આપી કહ્યું કે-

'તમે મહર્ષિઓના ને વૃદ્ધજનોના ઉપાસક છો,તેથી મનુષ્યલોકમાં તમને કશું અજાણ્યું નથી.તમે જ કલ્યાણના કારણોને જાણો છો,એટલે તમે જ્યાં ઈચ્છા કરો ત્યાં આપણે નિવાસ કરીએ.અહીં,દ્વૈતવન નામનું સરોવર પુણ્યજળથી ભરેલું છે,તે અનેક ફુલફળોથી સંપન્ન છે,તે રમણીય છે અને વિવિધ જાતનાં પક્ષીઓએ તેમાં વાસ કર્યો છે.કે તમે અનુમતિ આપો તો ત્યાં જ બાર વર્ષ નિવાસ કરીએ,કે પછી બીજું કોઈ સ્થળ આપના ધ્યાનમાં છે?

યુધિષ્ઠિર બોલ્યા-'હે .પાર્થ,તેં જે કહ્યું છે તે મને પણ માન્ય છે,ચાલો આપણે તે દ્વૈતવન સરોવર તરફ જઈએ'(12)


વૈશંપાયન બોલ્યા-'પછી,તે પાંડવો,અનેક બ્રાહ્મણો સાથે તે પવિત્ર દ્વૈતવન સરોવર તરફ જવા નીકળ્યા,રસ્તામાં અનેક વનવાસી બ્રાહ્મણો,સિદ્ધો,સન્યાસીઓ ને વનવાસીઓ યુધિષ્ઠિરની આસપાસ વીંટળાઈ વળ્યા.

અંતે તેમને દ્વૈતવનમાં પ્રવેશ કર્યો.કે જે તમાલ,તાડ,આંબા,મહુડા,નીપ,કદંબ,સરગવા,સાદડ અને કરેણ જેવા અનેક વૃક્ષો

ને ફૂલોથી ભરેલું હતું.તે વનમાં મોર,ચકવા,આદિ અનેક પંખીઓ મનોરમ ટહુકા કરી વૃક્ષો પર બેઠેલાં હતાં.

ને હાથીઓનાં ટોળાંઓનો ત્યાં મુકામ હતો.વળી યુધિષ્ઠિરે ત્યાં પવિત્ર ચિત્તવાળા,જટા-વલ્કલ ધારણ કરેલા,

અનેકસિદ્ધઓ ને ઋષિઓના સમુહોને ત્યાં જોયા.(20)


પછી,તે સિદ્ધોના સમુદાયો,વનવાસીઓ આદિ યુધિષ્ઠિરને જોવાની ઈચ્છાથી,તેમની પાસે આવ્યા ને તેમને વીંટળાઈને ઉભા રહ્યા.યુધિષ્ઠિરે તે સર્વને પ્રણામ કરીને સન્માન આપ્યું તો સામે તે સર્વેએ પણ તેમનો સત્કાર કર્યો.

ત્યાર બાદ,યુધિષ્ઠિરે એક મોટા પુષ્પધારી વૃક્ષની છાયા નીચે બેઠા,એટલે બાકીના સર્વે પણ ત્યાં આવી તેમની 

પાસે બેઠા.વળી,જે અનુચરો હતા તે પણ ઘોડાઓને છોડીને બેઠા.નિવાસ કરવા આવેલા તે પાંચ પાંડવોને લીધે 

તે મહાવૃક્ષ,મહાગીરીની જેવી શોભા ધારણ કરી રહ્યું હતું.(26)

અધ્યાય-૨૪-સમાપ્ત