Oct 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-310

અધ્યાય-૨૨-શાલ્વનો વધ 


II वासुदेव उवाच II ततोऽहं भरतश्रेष्ठ प्रगृह्य रुचिरं धनुः I शरैरपातुयं सौभाच्छिरांसि विबुधद्विषाम II १ II

વાસુદેવ બોલ્યા- હે ભરતશ્રેષ્ઠ,પછી સુંદર ધનુષ્ય લઈને મેં બાણો વડે દેવદ્વેષી દૈત્યોનાં માથાં,તે સૌભમાંથી ખેરવવા માંડ્યાં.પણ,તે વખતે એકાએક તે સૌભ વિમાન ત્યાંથી અદૃશ્ય થઇ ગયું,એટલે હું વિસ્મિત થયો.પછી,ત્યાં દાનવોના અવાજો (બૂમબરાડા) સંભળાવવા માંડ્યા.એટલે મેં સત્વરે શબ્દવેધી અસ્ત્ર યોજ્યું,એટલે અનેક દાનવોનો નાશ થઈને તે શોરબકોર શાંત થયો.ત્યારબાદ,પ્રાગ્જ્યોતિષ જઈને મેં ઈચ્છાગતિવાળું સૌભ વિમાન ફરીથી જોયું,ત્યારે તે દાનવે મારા પર એકદમ મોટા પથ્થરની ઝડી વરસાવીને મને ઢાંકી દીધો.ને હું સૈન્યની નજર બહાર થઇ ગયો.(12)

મારા સૈનિકોએ મને ન જોયો એટલે ભયથી વ્યાકુળ થઈને સર્વ દિશાઓમાં નાસવા લાગ્યા.ને સર્વત્ર હાહાકાર થઇ રહ્યો.શત્રુઓને આનંદ થયો ને મિત્રોને અત્યંત દુઃખ થવા લાગ્યું.પછી,પર્વતોને ભેદનારૂં ને  ઇન્દ્રને પ્રિય એવું વજ્ર  લઈને મેં તે સર્વ પર્વતોના ચૂરા કરી નાખ્યા.ને તેમાંથી હું બહાર આવ્યો,એટલે સર્વ હર્ષમાં આવી ગયા.

ત્યાર બાદ,શક્તિમાં મંદ પડેલા ઘોડાઓને જોઈને,સારથિએ મને તાત્કાલિક કહ્યું કે-'હે વૃષ્ણિનંદન,આ સૌભપતિ શાલ્વ ઉભો છે તેને હવે અવગણશો નહિ.તેના તરફની કોમળતા ને સ્નેહભાવને સંકેલીને તેને મારો.ને તમારો સમય નિરર્થક ન થાય તેમ કરો.જેની સાથે તમે એકવાર યુદ્ધ કર્યું ને જેણે દ્વારકાને અસ્તવ્યસ્ત કર્યું હતું,તે આમ કોમળતાથી વશ થાય તેવો નથી,ને તે તમારો મિત્ર પણ મનાયો નથી' (26)


હે કૌંતેય,સારથિનાં આવાં  વચન સાંભળીને,મને લાગ્યું કે-તેનું કહેવું સત્ય છે,એટલે મેં તેનો વધ કરવાનો ને તેનું સૌભ વિમાન તોડી નાખવાનો નિર્ણય કર્યો.ને મહાતેજસ્વી એવું આગ્નેય અસ્ત્ર ધનુષ્ય પર ચડાવ્યું.કે જેણે 

દાનવોનો ઘાણ કાઢી કાઢ્યો.પછી,તીક્ષ્ણ ધારવાળા ને શત્રુઓનો નાશ કરનાર એવા અતુલ સુદર્શન ચક્રને મેં મંત્રીને કહ્યું કે-'અહીં જે મારા શત્રુઓ છે તેને મારીને સૌભ વિમાનને તોડી નાખ' ત્યારે ચક્ર સૌભ પાસે પહોંચીને તેને ચીરી નાખ્યું.ને તે સૌભ વિમાન નીચે ગબડી પડ્યું.ને તે ચક્ર જયારે પાછું આવ્યું,ત્યારે મેં તેને ફરીથી કહ્યું કે -

'હવે શાલ્વ તરફ જા;\' એટલે તે વેગપૂર્વક શાલ્વ તરફ ગયું ને તેને ચીરીને એકદમ બે ભાગમાં કરી દીધો (37)


 શાલ્વ  હણાયો એટલે દાનવોનાં ચિત્ત ત્રાસી ઉઠ્યા ને મારાં બાણોથી પીડાઈને તેઓ ચારે તરફ નાસવા લાગ્યા.

પછી,મેં રથને તૂટેલા સૌભની નજીક ઉભો રાખ્યો ને હર્ષભેર શંખ બજાવીને મિત્રજનો ને સૈન્યને ઉલ્લાસિત કર્યા.

આ રીતે શાલ્વને મારીને અને સૌભ વિમાનને તોડી નાખીને હું ફરી આનર્તમાં આવ્યો ત્યારે સહુ પ્રસન્ન થયા.

હે રાજન,હું તે વખતે હસ્તિનાપુર આવ્યો નહિ,તેનું કારણ આ જ હતું.હું જો આવ્યો હોત તો દુર્યોધન જીવી શકત નહિ. જુગટું રમાત નહિ.પણ,જેમ,ભાંગેલી પાળ પાણીને રોકી શકતી નથી.તેમ હવે તો જે થઇ ગયું તે ભોગવવું 

જ રહ્યું.તો હવે બોલો બીજું મારાથી બીજું શું થઇ શકે?(43)


ત્યાર બાદ યુધિષ્ઠિર સાથે વિચારવિમશ કરીને,તેમની રજા લઈને,બહેન સુભદ્રા ને અભિમન્યુને લઈને શ્રીકૃષ્ણ ત્યાંથી

દ્વારકા જવા નીકળ્યા.તેમના ગયા પછી,ધૃષ્ટદ્યુમ્ન પણ દ્રૌપદીના પુત્રોને લઈને પોતાના નગર ગયો.

ચેદિરાજ ધૃષ્ટકેતુ પોતાની બહેન (નકુલની પત્ની)ને લઈને પોતાને નગર ગયો.કૈકયો (સહદેવના સાળાઓ)પણ

પાંડવોની આજ્ઞા લઈને ત્યાંથી ગયા.પણ,બ્રાહ્મણો,વૈશ્યો ને અમુક દેશવાસીઓને બહુ કહ્યા છતાં ગયા નહિ.

કામ્યક વનમાં તેઓનું સંમેલન અદ્ભૂત દર્શનરૂપ હતું.યુધિષ્ઠિરે તે સર્વને સન્માન આપીને,

યથાકાળે સેવકોને આજ્ઞા કરી કે -'હવે રથ જોડો' (54)

 અધ્યાય-૨૨-સમાપ્ત