Oct 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-308

 

અધ્યાય-૨૦-શાલ્વ સાથે શ્રીકૃષ્ણનું યુદ્ધ 


II वासुदेव उवाच II आनर्तनगरं मुक्तं ततोहमगमं तदा I महाक्रतो राजसूये निवृत्ते नृपते तव  II १ II

વાસુદેવ બોલ્યા-હે નૃપતિ,તમારો રાજસૂય યજ્ઞ પૂરો થયો એટલે હું જયારે દ્વારકા -પાછો આવ્યો ત્યારે મેં દ્વારકાને નિસ્તેજ થઇ ગયેલું જોયું.એ જોઈને મને શંકા થઇ ને મેં કૃતવર્માને તેનું કારણ પૂછ્યું.ત્યારે કૃતવર્માએ શાલ્વની ચડાઈ વિશે કહ્યું.અને તેનું વૃતાન્ત સાંભળીને તે જ વખતે મેં તે શાલ્વરાજનો વિનાશ કરવાનો મનમાં નિશ્ચય કર્યો.

પછી,મેં નગરજનોને,ઉગ્રસેનને ને વસુદેવને ધીરજ આપી ને કહ્યું કે- 'તમે સર્વ નગરમાં સાવધાનીથી રહેજો,હું તે શાલ્વરાજને મારવા માટે જાઉં છું,ને તેને માર્યા વિના હું પાછો દ્વારકા આવીશ નહિ'

ત્યારે તે સર્વ વીરોએ હર્ષપૂર્વક કહ્યું કે-' ભલે પધારો ને શત્રુઓને મારો' ને આમ તે પ્રસન્નચિત્ત વીરોએ મને આશીર્વાદથી અભિનંદિત કર્યો ને બ્રાહ્મણોએ સ્વસ્તિવાચન કર્યું.પછી,મેં શિવજીને શિર નમાવીને પ્રણામ કર્યા ને મારો પાંચજન્ય શંખ વગાડીને,હું શૈબ્ય ને સુગ્રીવ નામના ઘોડાઓ જડેલા રથથી દિશાઓ ગજાવવા લાગ્યો.ને ચતુરંગિણી સેનાથી ઘેરાઈને મેં યુદ્ધપ્રયાણ આદર્યું.ને માર્તિકાવત દેશમાં પહોંચ્યો.(15)


ત્ત્યાં મેં સાંભળ્યું કે-શાલ્વ વિમાનમાં બેસીને સાગરતટે જઈ રહ્યો છે,એટલે હું તેની પાછળ પડ્યો.સમુદ્રમાં આવેલા તેના બેટમાં તે સૌભ વિમાનમાં બેસીને સમુદ્રની મધ્યમાં ઉભો રહ્યો હતો.તેણે મારી સામે હસીને મને યુદ્ધનું તેડું આપ્યું.મેં અનેક બાણો છોડ્યાં પણ તેના નગર સુધી પહોંચી શક્યાં નહિ.આથી મને રોષ ચડ્યો.પછી તેણે નજીક આવી મારા પર સહસ્ત્ર બાણોની વર્ષા વરસાવી.પણ અમે તેને ગણકાર્યા વિના સામે બાણોની વર્ષા કરી.

તેના બાણોએ મારા રથને ને સૈન્યને જાણે ઢાંકી દીધું હતું.મારા સૈન્યનું ત્યાં ચાલતું નહોતું કેમ કે તેનું વિમાન એક કોશ જેટલું દૂર આકાશમાં રહ્યું હોય તેમ જણાતું હતું.મેં તેના દાનવ સૈન્ય પર ધસારો કર્યો ને તેથી અનેક દાનવો 

મરીને આકાશમાંથી સમુદ્રમાં નીચે પડતા હતા કે જેને જળવાસી પ્રાણીઓ ભક્ષી જતાં હતાં,


પોતાના તે દાનવોને સમુદ્રમાં પડતા જોઈને,શૌભ મારી સામે આવીને મહાન માયા યુદ્ધે લડવા લાગ્યો.ને તે વખતે 

અનેક શસ્ત્રો મારા પર એકધાર્યા પડવા લાગ્યાં.ત્યારે તેની માયાને મેં માયાથી જ પકડી તેનો નાશ કર્યો.

આમ તેની માયાનો નાશ થયો એટલે તે પર્વતના શિખરો લઈને લડવા લાગ્યો.ત્યારે ઘડીમાં અંધારું,ઘડીમાં અજવાળું તો ઘડીમાં ઠંડી-ગરમી કે વરસાદ,ધૂળ,અંગારા આદિ દેખાવા લાગ્યા.તેની આ માયાનો ફરીથી મેં માયાથી જ નાશ કર્યો ને બાણોની વર્ષા કરીને તેના સૈન્યને વિખેરી નાખ્યું.

ત્યાર બાદ તે માયાસ્ત્રથી લડવા લાગ્યો ને આકાશમાં ઘોર અંધારું છવાયું,તેની સામે મેં પ્રગ્નાસ્ત્ર ચલાવ્યું, 

એટલે તેનું માયાસ્ત્ર ઉડી ગયું.આમ રુવાંડાં ખડાં કરીદે તેવું તુમુલ યુદ્ધ થયું (41)

અધ્યાય-૨૦-સમાપ્ત