Oct 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-307

અધ્યાય-૨૦-શાલ્વનો પરાજય અને તેનું પલાયન થવું 


II वासुदेव उवाच II एवमुक्तस्तु कौन्तेय सूतपुत्रस्ततोSब्रवीत I प्रद्यम्नं बलिनां श्रेष्ठं मधुरं ष्लक्ष्णमंजसा  II १ II

વાસુદેવ બોલ્યા-હે કૌંતેય,પ્રદ્યુમ્ને આમ કહ્યું,ત્યારે સુતપુત્રે કોમળતા ને મધુરતા સાથે કહ્યું કે-

'હે રુકિમણીપુત્ર,સંગ્રામમાં ઘોડાઓ હાંકવામાં મને ભય નથી,પણ,સારથિકર્મમાં રહેનારા માટે એ ઉપદેશ કહયો 

છે કે-તેણે સર્વ કાર્યોમાં રથીને રક્ષવો જોઈએ,હે વીર,તમે જયારે ખુબ પીડિત થયા હતા,ને મૂર્છામાં પટકાયા હતા,

એટલે હું તમને ત્યાંથી ખસેડીને અહીં લાવ્યો હતો.પણ હવે તમે દૈવયોગે સચેત થયા છો,એટલે હવે તમે મારી અશ્વ ચલાવવાની કળાને જુઓ.હું દારુકનો દીકરો છું,ને મેં યથાર્થ શિક્ષણ મેળવ્યું છે.હું નિર્ભયતાથી હવે શાલ્વની આ વિશાલ સેનામાં પ્રવેશું છું'  આમ કહી તે દારુકપુત્રે વેગપૂર્વક ઘોડાઓને દોડાવ્યા.(7)

જોતજોતામાં તો તે સારથિએ,થોડાજ યત્ન વડે,શાલ્વની સેનાને ડાબે પડખે કરી દીધી.જેને સૌભરાજ સાંખી શક્યો નહિ અને તેણે તે સારથિને ત્રણ બાણો મારીને પીડિત કર્યો.પણ,તેની પરવા ન કરતાં,તે સારથિ,ફરીફરી શાલ્વને ડાબે પડખે રાખતો રહ્યો.પછી,શાલવે પ્રદ્યુમ્ન તરફ અનેકવિધ બાણો છોડ્યાં કે જેને પ્રદ્યુમ્ને પોતાની તરફ આવતાં પહેલા જ છેદી નાખ્યાં.પોતાના બાણોને આમ છેદાયેલાં જોઈ તે સૌભનરેશે આસુરી માયાનો આશરો લઈને દ્વૈતીયાસ્ત્રનું અનુસંધાન કર્યું.કે જેને પ્રદ્યુમ્ને બ્રહ્માસ્ત્રથી વચગાળે જ કાપી નાખ્યું.ને બીજાં બાણો છોડ્યાં.


 બ્રહ્માસ્ત્ર ને બીજાં અનેક બાણોથી શાલ્વ મૂર્છા પામી નીચે ગબડી પડ્યો.ત્યારે પ્રદ્યુમ્ને,સર્વ યાદવ ગણોથી પૂજાયેલું,

સર્પના ઝેરી,અને અગ્નિના જેવા પ્રકાશવાળું બાણ ધનુષ્ય પર ચડાવ્યું.કે જે જોઈને અંતરીક્ષમાં હાહાકાર થઇ ગયો.

ઇંદ્ર-આદિ દેવોએ નારદને તથા વાયુને પ્રદ્યુમ્ન પાસે મોકલ્યા,કે જેઓ પ્રદ્યુમ્ન પાસે આવીને દેવવાણી બોલ્યા કે-

'હે વીર,આ શાલ્વરાજ કોઈ રીતે તારાથી  વધને યોગ્ય નથી.જો કે આ યુદ્ધમાં આ બાણથી એકેય પુરુષ અવધ્ય નથી.પણ વિધાતાએ આનું મૃત્યુ,કૃષ્ણના હાથે જ નિર્માણ કરેલું છે,જે મિથ્યા થાય તેમ નથી'


ત્યારે,તે પ્રદ્યુમ્ને તરત જ તે બાણને ધનુષ્ય પરથી ઉતારી લીધું ને ભાથામાં પાછું મૂકી દીધું.અત્યંત ખેદ પામેલો 

ને પ્રદ્યુમ્નના બાણોથી પીડિત,થયેલો તે શાલ્વ,ઉભો પોતાની સેના સાથે ત્યાંથી ભાગવા લાગ્યો.વૃષ્ણીઓથી ત્રાહ્ય ત્રાહ્ય થયેલો તે ક્રૂર શાલ્વ,દ્વારકા છોડીને પોતાના શૌભ વિમાનમાં બેસીને આકાશમાં ચાલ્યો ગયો.(27)

અધ્યાય-૧૯-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE