Oct 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-306

અધ્યાય-૧૫-યુદ્ધસમયની તૈયારી 


II युधिष्ठिर उवाच II वासुदेव महाबाहो विस्तरेण महामते I सौमस्य वधमाचक्ष्वन न हि तृप्यामि कथ्यतः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબાહુ,હે મહામતિ,હે વાસુદેવ,તમે સૌભઅધિપતિ શાલ્વના વધ વિશે 

વિસ્તારથી કહો.કેમ કે તમે કહ્યું તેટલાથી મને તૃપ્તિ થતી નથી.

વાસુદેવ બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,મેં આગળ કહ્યું તેમ,શ્રુતશ્રવાપુત્ર શિશુપાલને મેં મારી નાખ્યો છે,તે સાંભળીને શાલ્વ દ્વારકા પર ચડી આવ્યો હતો.તેણે દ્વારકાને ચારે તરફથી ઘેરીને,પોતે પોતાના આકાશચારી વિમાનમાં બેસી 

સર્વ શસ્ત્રોથી યુદ્ધ રચ્યું હતું.દ્વારકા નગરી,સંરક્ષણ માટે શાસ્ત્ર દ્રષ્ટિથી રચવામાં આવી છે,ને તે અનેક રથો,ને 

સામ્બ,ઉદ્ધવ આદિ વીર પુરુષોથી સુરક્ષિત છે,વળી,મધ્યકેન્દ્રી છાવણીમાં રહેલા સંરક્ષકો વડે ને શત્રુની છાવણીઓને ઉડાવી દેનારા યોદ્ધાઓ વડે પણ તે સંરક્ષિત છે.તે વખતે ઉગ્રસેન અને ઉદ્ધવ આદિએ 

નગરમાં ઘોષણા કરાવી હતી કે-'નગરમાં કોઈએ સુરા પીવી નહિ ને પ્રમાદમાં રહેવું નહિ'

ધનનું રક્ષણ કરનારાઓએ નટો,નાચનારાઓ,ને ગવૈયાઓને તત્કાલ નગર બહાર મોકલી દીધા,

અને કોઈ પણ પ્રમાદ કર્યા વિના સર્વ સાવધાન થઇ ગયા.નગરને જોડતા પુલ ભાગી નાખવામાં આવ્યા ને સર્વ 

નાવોને બંધ કરી દીધી.તમામ ખાઈઓ ખીલા જેવા શૂળોથી ભરી દેવામાં આવીને વાવ-કુવાઓની આજુબાજુ કોશો સુધી કાંટા ને ખીલા પાથરી દેવામાં આવ્યા.આમ તો દ્વારકા,કુદરતી રીતે જ સંરક્ષિત છે,છતાં પણ 

તે વખતે સ્વાભાવિકતાથી તેને આયુધોથી વિશેષ સજ્જ કરવામાં આવી હતી.


અનેક કુશળ સૈનિકોથી ભરપૂર એવી દ્વારકાનગરીને,સૌભરાજના આક્રમણ સામે સુસજ્જ કરવામાં આવી હતી,

રાજાની છાપ વગર કોઈ નગરની અંદર કે બહાર જય શકતું નહોતું.રાજા ઉગ્રસેન તેને સારી રીતે રક્ષી રહ્યા હતા.

અધ્યાય-૧૫-સમાપ્ત 


અધ્યાય-૧૬-યુદ્ધમાં સાંબ આદિનાં પરાક્રમ 


II वासुदेव उवाच II तां तूपयातो राजेन्द्र शाल्वः सौभपतिस्तदा I प्रभूतनरनामेन बलेनोपयिवेश ह II १ II

વાસુદેવ બોલ્યા-નગરી પર,અસંખ્ય માણસો ને હાથીઓની સેના સાથે ચડી આવેલા સૌભપતિ શાલ્વે,

જળાશય વાળી સમભૂમિ પર છાવણી નાખી હતી.તેની છાવણીમાં ગુપ્ત રીતે પ્રવેશ થઇ શકે તેમ નહોતો.

પછી,તે સેનાદળને દ્વારકા તરફ મોકલવામાં આવ્યું,સેનાને ચડી આવતી જોઈ,ચારુદેષ્ણ,સામ્બ,પ્રદ્યુમ્ન આદિ વૃષ્ણીકુમારો તરત જ બહાર નીકળી યુદ્ધ કરવા લાગ્યા,શાલ્વના સેનાપતિ ક્ષેમવૃદ્ધિ સામે ઝૂઝવા માંડ્યું.


જાંબવતીના પુત્ર સાંબે,તેના પર બાણોની વર્ષા કરી તો સામે ક્ષેમવૃદ્ધિએ પણ સાંબ પર માયા વડે રચેલી વિશેષ બાણધારા છોડી.ત્યારે સાંબે,તે માયાજાળને માયાથી વિખેરી નાખો,તેના રથ પર સહસ્ત્ર શરોનો મારો કર્યો,

તેથી તે સેનાપતિ ક્ષેમવૃદ્ધિ વીંધાયો ને બાણોથી પીડા પામેલો તે રથમાં બેસી નાસી છૂટ્યો.


પછી,તરત જ વેગવાન નામનો બળવાન દૈત્ય સાંબ પર ધસી આવ્યો.ત્યારે વીર સાંબે તેના પર પોતાની વેગવતી ગદાને ઘુમાવીને ફેંકી,કે જેથી તે દૈત્ય ગદાના પ્રહારથી ધરતી પર ઢળી પડ્યો.ત્યાર બાદ,તે સાંબ,શાલ્વની મહાન સેનામાં પ્રવેશ કરીને યુદ્ધ કરવા લાગ્યો.એ વખતે,વિવિન્ધ્ય નામનો દાનવ,ચારુદેષ્ણ સાથે યુદ્ધ કરી રહ્યો હતો.


તે બંને વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું હતું,ત્યારે,રુક્મિણીપુત્ર ચારુદેષ્ણે,સૂર્યના જેવા તેજસ્વી શત્રુનાશક બાણને,

મહાસ્ત્રના મંત્રથી મંત્રીને ધનુષ્ય પર ચડાવ્યું.એટલે તે દૈત્ય પણ વિનાનો થઈને ગબડી પડ્યો.

આમ,વિવિંધ્યને હણાયેલો અને પોતાના સૈન્યને ગભરાયેલું જોઈને શાલ્વ,ઈચ્છાગતિવાળા સૌભ વિમાનમાં બેસીને રણમાં આવ્યો,તેને જોઈને દ્વારિકાનું સર્વ સૈન્ય વ્યાકુળ થઇ ગયું,


ત્યારે પ્રદ્યુમ્ન બહાર આવ્યો ને સેનાને ધીરજ આપી બોલ્યો કે-'હવે તમે મને રણમાં જુઓ કે તે શાલ્વને હું કેવો બળપૂર્વક હટાવું છું.મારાં આ લોખંડી સર્પો જેવાં બાણોથી હું અત્યારે જ તેની સેનાનો  અને શાલ્વનો તેના વિમાન સહિત નાશ કરીશ'પ્રદ્યુમ્નના આવા શબ્દોથી સેના ધૈર્યથી ઉભી રહી ને સુખપૂર્વક યુદ્ધ કરવા લાગી (33)

અધ્યાય-૧૬-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE