Oct 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-304

 
અધ્યાય-૧૩-વાસુદેવનાં વચન 

II वासुदेव उवाच II नैतरकृच्छमनुप्राप्तो भवान्स्याद्वसुधाधिप I यद्यहं द्वारकायां राजन्सत्रिहित: पुरा II १ II

વાસુદેવ બોલ્યા-હે વસુધાપતિ યુધિષ્ઠિરરાજ,હું જો પૂર્વે દ્વારકામાં હાજર હોત,તો તમને આ દુઃખ આવત નહિ.

ધૃતરાષ્ટ્ર,દુર્યોધન અને બીજા કૌરવોના આમંત્રણ વગર પણ હું દ્યુતસભામાં આવ્યો હોત,તો અનેક દોષો બતાવીને મેં જુગટાને ખાળ્યું હોત.ધૃતરાષ્ટ્રને હું કહેત કે-'તમારા પુત્રોનો આ જુગાર હવે બસ થાઓ' જે દોષોથી તેઓ અવળી દશામાં આવી પડયા,ને જે દોષોને લીધે પૂર્વે નળરાજા રાજ્યથી ભ્રષ્ટ થયા હતા તે હું ત્યાં બતાવી આપત.

જુગારથી કલ્પનામાં ન હોય તેવો વિનાશ આવે છે,ને તેથી થતી સતત દોષધારા હું વર્ણવત.(6)

સ્ત્રીઓમાં અત્યાસક્તિ,જુગાર,મૃગયા ને મદ્યપાન,એ ચાર દુઃખો કામથી ઉત્પન્ન થયેલાં કહેવાય છે.મહાત્માઓ આ  ચારેને નિંદાપાત્ર ગણે છે.દ્યુતથી એક જ દિવસમાં દ્રવ્યનાશ થાય છે,સંકટ આવે છે ને ભોગો ભોગવ્યા વિના જ વિનાશ પામે છે,ને સરવાળે એકબીજાને કટુવચનો કહેવાથી,દ્વેષ પેદા થાય છે.હે યુધિષ્ઠિર,ધૃતરાષ્ટ્રને મેં આ 

કડવી જણાતી વાતો શરૂમાં જ કહી હોત,ને તેણે જો મારુ વચન સ્વીકાર્યું ન હોત,તો તેને બળપૂર્વક વશમાં લાવત.

ને જે કોઈ અન્યાયભર્યું વર્તન કરીને તેમનો ને દ્યુતનો પક્ષ લેત,તો તેમને હું હણી નાખત.(13)


તે વખતે હું,આનર્તદેશ સમીપમાં નહોતો એટલે તમે આ સંકટમાં આવી પડયા છો.હું જયારે દ્વારકા પહોંચ્યો ને 

'તમે સંકટમાં આવી પડયા છો'-એવા સમાચાર મેં જયારે સાંભળ્યા એટલે હું તરત જ અહીં આવી પહોંચ્યો છું.

હે ભરતોત્તમ,તમને વિપત્તિમાં ડૂબેલા જોઈને,લાગે છે કે આપણે સર્વ સંકટમાં સપડાયા છીએ.(17)

અધ્યાય-૧૩-સમાપ્ત 


અધ્યાય-૧૪-શાલ્વવધનું સંક્ષિપ્ત વર્ણન 


II युधिष्ठिर उवाच II असान्निध्यं कथं कृष्ण तवासीदवृष्णिनन्दन I क वासीद्विप्रवासस्ते किं चाकार्षी प्रवासत II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે વૃષ્ણિનંદન,તમે ત્યારે દ્વારકામાં કેમ નહોતા?તમે કયા પ્રવાસે ગયા હતા?ને શું કામ કર્યું હતું?

શ્રીકૃષ્ણ બોલ્યા-હે ભરતસિંહ,હું શાલ્વના,સૌભનગરમાં તેને મારવા ગયો હતો.તેનું કારણ હું કહું છું તે સાંભળો,

તમારા રાજસૂય યજ્ઞ પ્રસંગે મને પ્રથમ પૂજા આપવામાં આવેલી,તે શિશુપાલ સાંખી શક્યો નહોતો.મેં તેનો વધ કરેલો,તેથી તેના ભાઈ શાલ્વને તીવ્ર રોષ થયો હતો ને ત્યારે તેણે મારા વગરની સૂની દ્વારકા પર ચડાઈ કરી હતી.


તે યુદ્ધમાં તેણે અનેક વૃષ્ણીવંશી રાજબાળોને મારી નાખી નગરના સર્વ ઉદ્યાનોનો નાશ કરીને તે એવું બોલેલો કે-'વસુદેવપુત્ર વાસુદેવ ક્યાં છે?તે કૃષ્ણનો હું યુદ્ધમાં દર્પ ઉતારી નાખવાનો  છું.તે જ્યાં હશે ત્યાં હું જઈશ ને 

કંસ ને કેશીને મારનાર તે કૃષ્ણને હું મારીને જ પાછો ફરીશ.એ મારી પ્રતિજ્ઞા છે કે જે પાપીએ મારા ભાઈ શિશુપાલને સંગ્રામમાં નહિ પણ પ્રમાદમાં માર્યો છે તેને હું મહીતલ પર મારી નાખીશ (14)


આ પ્રમાણે મહેણાં મારીને બડબડાટ કરીને તે તેના શૌભ વિમાનમાં બેસીને આકાશમાં ચાલ્યો ગયો હતો.

પછી,હું જયારે દ્વારકા ગયો ને તેના કરતૂતો મેં સાંભળ્યા,ત્યારે મારુ મન રોષથી વ્યાકુળ થઇ ગયું તેણે કરેલી રંજાડ,મને આપેલાં મહેણાં,ને તે દુષ્કર્મીનો વધી પડેલો મદ-જોઈને મેં તેના વધ માટે નિર્ધાર કર્યો.

ને તે શાલ્વના વધ માટે યુદ્ધ કરવા નીકળ્યો.રસ્તામાં મેં તેને એક સાગરદ્વીપમાં જોયો,એટલે મેં તરત જ પાંચજન્ય શંખ ફૂંકીને તેને યુદ્ધનું તેડું આપ્યું.ત્યાં દાનવો સાથે મારે બે ઘડી યુદ્ધ ચાલ્યું ને મેં તે સર્વ દાનવોને વશ કરીને પૃથ્વી પર પાડી દીધા.હે યુધિષ્ઠિર,આ કાર્યને લીધે તે વખતે હું હસ્તિનાપુર આવી શક્યો નહોતો.પણ જયારે,મેં અન્યાયથી રમાયેલા જૂગટા વિશે જાણ્યું કે તરત જ હું તમને મળવાની ઇચ્છાએ અહીં આવી પહોંચ્યો છું.(22)

અધ્યાય-૧૪-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE