Oct 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-303

 'અસિતદેવલે કહ્યું છે કે-પૂર્વે પ્રજાના સર્જનકાળે એક તમે જ હતા,તમે જ પ્રજાપતિ છો,ને સર્વ લોકના સર્જનાર છો.

પરશુરામે મને કહ્યું છે કે તમે વિષ્ણુ છો.હે મધુસુદન,તમે જ યજ્ઞ છો,તમે જ યજ્ઞકર્તા છો ને તમે જ યજનયોગ્ય છો.

ઋષિઓ તમને ક્ષમારૂપ ને સત્વરૂપ કહે છે.કશ્યપે તમારા સંબંધમાં કહ્યું છે કે-તેમ તમે સત્વથી ઉત્ત્પન્ન થયેલા યજ્ઞરૂપ છો.નારદે તમારા વિશે,કહ્યું છે તેમ,હે ભૂતભાવન,તમે સાધ્યદેવોના તથા રુદ્રોના ઈશ્વરેશ્વર છો.

તમે બ્રહ્મા,શંકર અને ઇન્દ્ર સાથે,જેમ,બાળક રમકડાં સાથે રમત કરે તેમ ક્રીડા કરો છો.(54)

હે પ્રભુ,સ્વર્ગલોક,તમારા શિરથી વ્યાપ્ત છે,પૃથ્વીલોક તમારા ચરણથી વ્યાપેલો છે,ને આ લોકો તમારા જઠરરૂપ છે,

તમે સનાતન પુરુષ છો.ઋષિઓમાં તમે પરમ સત્યરૂપ છો.ને રાજર્ષિઓની ગતિરૂપ છો.તમે જ પ્રભુ છો,

વિભુ છો,ભૂતાત્મા છો અને તમે જ ચેષ્ટા કરો છો.લોકો.લોકપાલો,નક્ષત્રો,દિશાઓ,આકાશ,ચંદ્ર અને સૂર્ય એ સર્વ તમારામાં જ રહ્યાં છે.હે મહાબાહુ,પરાનીઓની મરણશીલતા ને દેવોની અમરતા તમારે જ અધીન છે.

લોકમાત્રનાં સર્વ કાર્યો તમારામાંજ પ્રતિષ્ઠિત છે.દિવ્ય અને મનુષ્ય જે કોઈ ભૂતો છે તેના તમે ઈશ્વર છો.

તો હે મધુસૂદન,હું સ્નેહથી મારુ દુઃખ કહું છું તે તમે સાંભળો.(60)


હે વિભુ,પૃથાનંદનોની પત્ની,તમારી સખી અને ધૃષ્ટદ્યુમ્નની બહેન એવી મારા જેવી સ્ત્રીને સભામાં કેમ 

ઘસેડવામાં આવે? ઋતુધર્મમાં આવેલી,એક વસ્ત્રવાળી એવી મને કુરુઓની સભામાં ખેંચીને લાવવામાં આવી 

હતી ત્યારે મને જોઈને દુરાત્મા ધૃતરાષ્ટ્રપુત્રો હસવા લાગ્યા હતા.ને મને દાસીભાવથી ભોગવવા ઇચ્છતા હતા.

પાંડુ અને ધૃતરાષ્ટ્રની હું ધર્મપૂર્વક પુત્રવધુ છું છતાં મને બળજબરીથી દાસી બનાવવામાં આવી હતી.

આ પાંડવોની પણ હું નિંદા કરું છું,કેમ કે તેઓએ પોતાની ધર્મપત્નીને રંજાડતી જોયા કરી.

ધિક્કાર હો અર્જુનના ગાંડીવને ને ભીમસેનના બળને.કે તેઓ પણ,તેમને સાંખી રહ્યા હતા.

એ સનાતન ધર્મમાર્ગ છે કે,અલ્પ બળવાળા ભર્તાઓ પણ પોતાની ભાર્યાઓનું રક્ષણ કરે છે.


આ પાંડવો,શરણે આવેલાનો કદી ત્યાગ કરતા નથી,પણ શરણે ગયેલી એવી મને રક્ષણ આપ્યું નહિ.

પાંચ પતિઓથી પાંચ પુત્રોને પામેલી એવું હું રક્ષા પામવાને યોગ્ય છું,

યુધિષ્ઠિરથી પ્રતિવિન્ઘ્ય,વૃકોદરથી સુતસોમ,અર્જુનથી શ્રુતકીર્તિ,નકુલથી શતાનિક ને સહદેવથી શ્રુતકર્મા 

એવા મારા પાંચ પુત્રો,મહારથી છે,શત્રુઓથી અજેય છે તો પછી તે કૌરવોને કેમ સાંખી રહે છે?

તે ધૃતરાષ્ટ્રપુત્રોએ અધર્મથી અમારું રાજ્ય હરી લીધું,ને સર્વ પાંડવોને દાસ કરીને,મને સભામાં ઘસડીને 

લાવી હતી.હે મધુસૂદન,ધિક્કાર છે ભીમના બળને ને અર્જુનના પૌરુષને,કેમ કે આજે તે દુર્યોધન હજુ એક ઘડી 

પણ જીવી શકે છે.અગાઉ પણ,એ દુર્યોધને,બાળક પાંડવોને માતા કુંતી સહીત બહાર હાંકી કાઢ્યા હતા.(79)


એ દુર્યોધને,ભીમને વિષ આપ્યું હતું,ને તેને ગંગામાં નાખીને પોતે પાછો નગરમાં આવ્યો હતો.પણ,દૈવયોગે તે ભીમ જીવતા રહ્યા હતા.વારણાવતમાં પણ,તે દુર્યોધને પાંડવોને ને કુંતીને બાળી મૂકવા આગ લગાવડાવી હતી,

આવું કરવું કોને છાજે તેમ છે? અનેકાનેક કલેશોથી તપી રહેલી હું,કુંતીમા વગર એકલી છું.આ પાંડવો,સિંહ જેવા વિક્રમી ને શત્રુઓથી અધિક વીર્યવાન છે,તો તેઓ મને નીચજનોથી હેરાન થતી કેમ જોઈ રહ્યા?

તે પાપીઓના હાથે આવાં દુઃખ સહેતાં હું સળગી ઉઠી છું.કહે છે કે હું દિવ્ય વિધિએ મહાન કુળમાં જન્મી છું,

પાંડવોની પ્રિય પત્ની છું,પાંડુની પુત્રવધુ છું ને શ્રેષ્ઠ સતી હોવા છતાં,આ પાંડવોના દેખતાં જ મારો ચોટલો ખેંચવામાં આવ્યો હતો' આમ કહીને કૃષ્ણાએ પોતાના કોમળ હાથથી મોં ઢાંકીને રોવા માંડ્યું.(122)


આંખ લૂછતી ને વારેવારે નિશ્વાસ નાખતી તે અશ્રુભર્યા કાંઠે ક્રોધપૂર્વક બોલવા લાગી કે-'પતિઓ મારા નથી,

પુત્રો મારા નથી,બાંધવો મારા નથી ને પિતા પણ મારા નથી,અરે,મધુસૂદન તમેય પણ મારા નથી કેમ કે,

પામરોથી અપમાનિત થયેલી,મારી સર્વ ઉપેક્ષા કરી રહયા છો.તે વખતે કર્ણે,જે મારી હાંસી કરી હતી,તેનું શૂળ આજે ય મને શમતું નથી,હે કૃષ્ણ,તમારી સાથેનો મારો સંબંધ,મારા જન્મનું ગૌરવ,તમારી સાથેનું મારુ સખ્ય,

અને તમારું પ્રભુત્વ,એ ચારેય કારણોસર તમારે મારી નિત્ય રક્ષા કરવી જોઈએ.(127)


વાસુદેવ બોલ્યા-'હે ભાવિની,તું જેમના ઉપર ક્રોધે ભરાઈ છે,તે કૌરવોની સ્ત્રીઓ પણ પોતાના પતિઓને અર્જુનના બાણોથી ઢંકાઈ ગયેલા,લોહીની નદીઓમાં ડૂબકાં મારતા ને મૃત્યુ પામેલા જોઈને આ પ્રમાણે જ રુદન કરશે.

પાંડવોને માટે જે કોઈ યોગ્ય હશે તે હું કરીશ જ.તું શોક કરીશ નહિ.હું તને પ્રતિજ્ઞાપૂર્વક સત્ય કહું છું કે તું રાજરાણી થશે,હે કૃષ્ણા,કદી આકાશ ફાટી જાય,કદી હિમાલય ફાટી જાય,કદી પૃથ્વીના ચૂરેચૂરા થઇ જાય કે 

કદી સાગર સુકાઈ જાય પણ મારુ આ વચન કદી પણ મિથ્યા નહિ થાય.'


અર્જુન બોલ્યો-'હે સુંદર લોચનવાળી,તું રડ નહિ,મધુસૂદને કહ્યું છે તેમ જ થશે,તેમાં કોઈ ફેરફાર નહિ થાય'

ધૃષ્ટદ્યુમ્ન બોલ્યો-'હું દ્રોણાચાર્યને હણીશું,શિખંડી ભીષ્મને હણશે,ભીમસેન દુર્યોધનને હણશે,અર્જુન કર્ણને હણશે.

ઓ બહેન,બલરામ ને કૃષ્ણની સહાય વડે અમે રણમાં ઈન્દ્રથી પણ અજેય છીએ'

વૈશંપાયન બોલ્યા-ધૃષ્ટદ્યુમ્ને આ પ્રમાણે કહ્યું એટલે સર્વ વીરો કૃષ્ણની સામે જોતા ઉભા રહ્યા ત્યારે કૃષ્ણ બોલ્યા-

અધ્યાય-૧૨-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE