Oct 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-302

 
અર્જુનાભિગમન પર્વ 

અધ્યાય-૧૨-શ્રીકૃષ્ણે કરેલું દ્રૌપદીને સાંત્વન 

II वैशंपायन उवाच II भोजाः प्रव्रजितान श्रुत्वा वृष्णयश्चाधकैः सह I पांडवान् दुःखसंतप्तान समाजग्मुर्महावने I १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો વનવાસે ગયા છે,એવું સાંભળીને ભોજવંશી,વૃષ્ણિવંશી,અને અંધકવંશી યાદવો,દુઃખથી સંતાપ પામીને પાંડવોને મળવા માટે મહાવનમાં આવ્યા.પાંચાલરાજનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન,ચેદિનરેશ ધૃષ્ટકેતુ અને કૈકેય ભાઈઓ પણ પાંડવોને મળવા વનમાં ગયા.ક્રોધ અને અસહનતાથી યુક્ત થઈને તેઓ ધૃતરાષ્ટ્ર પુત્રોની નિંદા કરવા લાગ્યા અને 'હવે અમે શું કરીએ?' એમ પૂછવા લાગ્યા.વાસુદેવ શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા કે-(4)

'આ પૃથ્વી,દુર્યોધન,કર્ણ,શકુનિ,અને દુઃશાસન એ ચારનાં લોહી પીશે.એ ચારેને અને તેમને પગલે 

ચાલનારા સર્વ રાજાઓને યુદ્ધમાં હરાવીને આપણે સૌ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરશું,

કેમ કે જે છળથી રમતો હોય તેને મારવો જ જોઈએ અને એ જ સનાતન ધર્મ છે.(7)


પાંડવોના થયેલા  નિરાદરથી,ક્રુદ્ધ થયેલા જનાર્દનને અર્જુને શાંત કર્યા ને તેમના પૂર્વાવતારના કર્મોનું કીર્તન કરતાં 

અર્જુન બોલ્યો કે-'હે કૃષ્ણ,પૂર્વે,ગંધમાદન પર્વત ઉપર તમે મુનિ તરીકે દશ હજાર વર્ષ સુધી વિચર્યા હતા.વળી,

પૂર્વે તમે અગિયાર હજાર વરસો સુધી કેવળ જલપાન કરીને પુષ્કરક્ષેત્રમાં વાસ કર્યો હતો.હે મધુસુદન,

બદરિકાશ્રમમાં વાયુભક્ષી રહીને તથા હાથ ઊંચો રાખીને સી વરસ એકપગે ઉભા રહ્યા હતા.હે કૃષ્ણ,

સરસ્વતી નદીના કિનારે બાર વર્ષના સત્રમાં તમે માત્ર એકવસ્ત્રે ઉભા રહ્યા હતા.પ્રભાસતીર્થમાં તમે 

નિયમપરાયણ રહીને દેવનાં હજાર વર્ષ સુધી એકપગે તપ કર્યું હતું,આ સર્વ મને વ્યાસજીએ કહ્યું હતું.(16)


હે કેશવ તમે ક્ષેત્રજ્ઞ (પરમાત્મા) છો,તમે ભૂતમાત્રના આદિ અને અંત છો,તમે તપના આશ્રયસ્થાન છો અને તમે સનાતન યજ્ઞ છો.તમે નરકાસુરને મારીને બે મણિમય કુંડળો લાવ્યા હતા,તમે પ્રથમ ઉત્પાદિત અશ્વને અશ્વમેઘ યજ્ઞ માટે છોડ્યો હતો ને સર્વ દૈત્યો ને દાનવોને માર્યા હતા.શચીપતિ ઇન્દ્રને સર્વેશ્વરનું પદ આપીને તમે મનુષ્યલોકમાં પ્રાગટ્ય પામ્યા છો.હે પરંતપ એવા તમે,નારાયણ થયા પછી હરિ થયા છો.હે પુરષોત્તમ,

તમે જ બ્રહ્મા,સોમ,સૂર્ય,ધર્મ,ધાતા,યમ,અગ્નિ,વાયુ,કુબેર,રુદ્ર,કાળ,આકાશ,પૃથ્વી અને દિશાઓ છો.

તમે અજન્મા છો ને ચરાચરના ગુરુ છો ને તમે સર્જનહાર છો.(22)


હે કૃષ્ણ,સર્વાશ્રયરૂપ અને દેવોમાં શ્રેષ્ઠ તથા મહાતેજસ્વી એવા તમે ચૈત્રરથ વનમાં યજ્ઞોથી યજન કર્યું હતું.

એક એક યજ્ઞમાં તમે પૂરું દશ કરોડ સુવર્ણ દાનમાં આપ્યું હતું.તમે અદિતિના પુત્ર થઈને,ઇન્દ્રના નાના ભાઈ અને સર્વવ્યાપી વિષ્ણુ  તરીકે વિખ્યાત થયા હતા.બાળકરૂપ થઈને તમે આકાશ,સ્વર્ગ ને પૃથ્વીને ત્રણ ડગલાંમાં ભરી દીધાં હતાં.સ્વર્ગ ને આકાશને ચરણમાં લઈને તમે સૂર્યના સદનમાં વિરાજ્યા હતા અને પોતાના તેજથી 

તે સૂર્યને અત્યંત તેજસ્વી કરવા લાગ્યા હતા.તમારા તે હજારો અવતારોમાં તમે અધર્મમાં રુચિ  ધરાવનારા સેંકડો અસુરોને હણી નાખીને પ્રાગજ્યોતિષ નગર તરફનો માર્ગ ફરીથી નિર્ભય કર્યો હતો (29)


તમે,આહુતિને,કાથને,શિશુપાલને,જરાસંઘને,શૈબ્યને,શતન્ધવાને અને રુકિમને રણમાં હરાવ્યા હતા.

તમે કોપ કરીને ઇંદ્રદ્યુમ્ન તેમ જ કશેરુમાન નામના યવનોને માર્યા હતા.તમે જ સૌભ વિમાનના સ્વામી શાલ્વને માર્યો હતો,ને તેનું વિમાન આકાશમાં તોડી નાખ્યું હતું.ઈરાવતીમાં ભોજને,ગોપતિને ને તાલકેતુને માર્યા હતા.

મુનિજનોને પ્રિય અને સર્વ ભોગોથી ભરેલી દ્વારકાને તમે સ્વાધીન કરી છે ને છેવટે તેને સમુદ્રમાં ડુબાડી દેશો.

હે મધુસુદન,તમારામાં ક્રોધ નથી,મત્સર નથી,અસત્ય નથી,ક્રૂરતા નથી તો કુટિલતા તો ક્યાંથી હોય? (35)


હે અચ્યુત,ચૈત્યની વચ્ચે વિરાજેલા અને સ્વતેજથી ઝળહળી રહેલા એવા તમારી પાસે આવીને સર્વ ઋષિઓએ અભયની યાચના કરી હતી,હે પરંતપ,યુગના અંતે ભૂતમાત્રને સંહારીને તમે જગતને પોતાનામાં લીન કરો છો.

જેનું આ સકળ જગત છે એવા ચરાચરના ગુરુ બ્રહ્મા,યુગના આરંભે તમારા નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છે.

મધુ ને કૈટભ એ બે દાનવો,બ્રહ્માને હણવા તૈયાર થયા ત્યારે તેમના અપરાધથી તમને ક્રોધ ચડ્યો ને 

આપના લલાટમાંથી શંભુ પ્રગટ થયા હતા.આમ તે બંને દેવેશો (બ્રહ્મા ને મહેશ) તમારા શરીરમાંથી પ્રગટ 

થયા છે અને તે બંને તમારા આજ્ઞાધીન છે-એમ મને નારદે કહ્યું હતું.હે નારાયણ,ચૈત્રરથ વનમાં તમે પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો વડે મહાસત્ર કર્યો હતો.હે પુંડરીકાક્ષ,બાળપણમાં બલદેવજીની સાથમાં રાખીને જે તમે 

જે કર્મો કર્યા છે,તે પૂર્વે કોઈએ કર્યા નથી.ને હવે પછી કોઈ કરી શકશે નહિ.(43)


વૈશંપાયન બોલ્યા-શ્રીકૃષ્ણના આત્મારૂપ એવો અર્જુન,શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહીને શાંત થયો ત્યારે જનાર્દને અર્જુનને કહ્યું કે-'તું મારો જ છે,તેમ હું તારો જ છું,જેઓ મારા છે તેઓ તારા જ છે,જે તારો દ્વેષ કરે છે તે મારો દ્વેષ કરે છે,ને જે તને અનુસરે છે તે મને અનુસરે છે.તું નર છે ને હું હરિરૂપ નારાયણ છું.આપણે બંને નર અને નારાયણ ઋષિઓ આ લોકમાં યથાકાળે આવ્યા છીએ.તું મારાથી કે હું તારાથી ભિન્ન નથી' શ્રીકૃષ્ણનાં આ વચન કહ્યા પછી,

ધૃષ્ટદ્યુમ્ન આદિ વીર ભાઈઓથી ઘેરાયેલી ક્રોધી દ્રૌપદી શ્રીકૃષ્ણ પાસે આવીને કહેવા લાગી કે-(49)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE