Oct 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-301

 
કિર્મીર વધ પર્વ 

અધ્યાય-૧૧-વિદુરનાં વાક્યો 

II धृतराष्ट्र उवाच II किर्मीरस्य वधं क्षत: श्रोतुमिच्छामि कथ्यतां I रक्षसा भीमसेनस्य कथमासी त्समागमः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,હું કિર્મીરના વધ વિશે સાંભળવા ઈચ્છું છું.તો તે તમે કહો.

ભીમસેનનો એ રાક્ષસ સાથે કેવી રીતે ભેટો થયો?

વિદુર બોલ્યા-મનુષ્યોથી ન થાય એવું કર્મ કરવાવાળા ભીમનું એ કામ તમે સાંભળો.દ્યુતમાં હારેલા તે પાંડવો અહીંથી નીકળો ત્રણ દિવસે કામ્યક નામે વનમાં ગયા ત્યારે ગાઢ અંધકારવાળી રાત્રિનો અડધો સમય વહી ગયો હતો,અને ઘોરકર્મી રાક્ષસોનો સંચાર થવા મંડ્યો હતો,ત્યારે એક બળતી આંખવાળો રાક્ષસ હાથમાં,ઉંબાડિયું 

લઈને માર્ગ રોકતો તેમને સામે મળ્યો.તે રાક્ષસી માયા રચતો હતો,ને મહાનાદથી ગર્જતો હતો,તેની ગર્જનાથી 

સર્વ દિશાનાં પ્રાણીઓ,ચીસો પાડતાં ભાગી જતાં હતાં.આ રાક્ષસ પાંડવો માટે પણ એક અપરિચિત મહારિપુ થયો.

તેને સામે આવેલો જોઈને દ્રૌપદી ગભરાઈ ગઈ ને પોતાની બંને આંખો મીંચી દીધી.(16)

મૂર્છાની અણી પર આવેલી તે નીચે પડતી દ્રૌપદીને,પાંચે પાંડવોએ પકડી લીધી.ત્યારે ધૌમ્યે રાક્ષસને મારનારા વિવિધ મંત્રોને વિધિપૂર્વક યોજ્યા અને તેની રાક્ષસી માયાનો નાશ કરી નાખ્યો.માયારહિત થયેલા તે રાક્ષસે પોતાના ડોળા પહોળા કર્યા એટલે તે કાળના જેવો દેખાવા લાગ્યો.પછી,યુધિષ્ઠિરે તેને પૂછ્યું કે-'તમે કોણ છો?

કોના પુત્ર છો? તમે ક્યા કારણથી અહીં આવ્યા છો?' ત્યારે રાક્ષસે કહ્યું કે-'હું કિર્મીર નામે બકનો ભાઈ છું.

મનુષ્યોને જીતીને હું તેમનો નિત્ય આહાર કરું છું.તમે કોણ છો?તમને પણ હરાવીને હું તમારું ભક્ષણ કરીશ.


યુધિષ્ઠિર બોલ્યા-'હું ધર્મરાજ છું.રાજ્યભ્રષ્ટ થયેલા અમે પાંચે પાંડવો વનમાં વસવાના નિશ્ચયથી આવ્યા છીએ'.

કિર્મીર બોલ્યો-'મારુ સદ્ભાગ્ય છે કે,ઘણા સમયથી મારુ મન જેને ઝંખ્યા કરતુ હતું,તે ભીમ આજે અહીં આવ્યો છે.

મારા ભાઈ બકને મારનારા ભીમને મારવા હું નિત્ય ઝંખી રહ્યો હતો તે આજ મારા હાથમાં આવ્યો છે,તે મારુ 

સદ્ભાગ્ય છે.બ્રાહ્મણનું કપટરૂપ લઈને જેને મારા ભાઈને માર્યો હતો,એનામાં પોતાની જાતનું બળ છે જ નહિ.

વળી,પૂર્વે હિડિમ્બ નામના મારા પ્રિય સખાને પણ તેને જ મારી નાખ્યો હતો,ને એની બહેનને હરી ગયો હતો.

આજે લાંબા કાળ સુધી સંઘરી રાખેલા તે વેરનો બદલો લઈને હું તેના વિપુલ લોહીથી હું મારા ભાઈ ને 

મિત્રના ઋણમાંથી છૂટો થઈશ ને પરમ શાંતિ મેળવીશ.હે યુધિષ્ઠિર,પૂર્વે મારા ભાઈ બક થી 

તો તે જીવતો રહ્યો હતો પણ આજે હું એને મારીને ખાઈ જઈશ.'(37)


ત્યારે,યુધિષ્ઠિરે ક્રોધપૂર્વક કહ્યું જે-'એમ નહિ બને' પછી,ભીમે એક મોટા ઝાડને વેગપૂર્વક ઉખેડી નાખ્યું,ને અર્જુને પોતાનું ગાંડીવ સજ્જ કર્યું.પણ ભીમે તેને અટકાવ્યો અને ભીમ રાક્ષસ તરફ વેગપૂર્વક ધસ્યો.ને ઝાડથી તેના માથા પર પ્રહાર કર્યો.રાક્ષસ તેથી ગભરાયો નહિ ને એક બળતું ઉંબાડિયું તેની સામે ફેંક્યું.ભીમે તરત જ તેને પોતાના પગથી તે ઉંબાડિયું,રાક્ષસની સામે જ ધકેલી મૂક્યું.તે રાક્ષસે પણ હવે ઝાડને ઉખાડીને ભીમ સામે પ્રહાર 

કરવા ગયો.આમ તે બે વચ્ચે વૃક્ષયુદ્ધ ચાલ્યું.ક્રોધે ભરાયેલા રાક્ષસે એક શિલા ઉપાડીને ભીમ તરફ ફેંકી.

પણ ભીમે તેને ચુકાવી,પણ તેથી તે ડગ્યો નહિ.ને તેની નજીક ધસીને તેની સાથે બાહુયુદ્ધ કરવા લાગ્યો.


આમ ધમાસાણ યુદ્ધ પછી,ભીમે ગુસ્સામાં આવીને તે રાક્ષસને ઉપાડીને ગોળ ઘુમાવી જમીન પર પટક્યો,

ને તેની કમ્મર પાર ઢીંચણ મૂકીને બે હાથ વડે તેનું ગળું દબાવી દીધું.ને તેને નિષ્પ્રાણ કરી મુક્યો.

આમ તે રાક્ષસ હણાયો એટલે ભાઈઓ પ્રસન્ન થયા,ને ભીમની પ્રશંસા કરી દ્વૈતવન તરફ જવા નીકળ્યા.

વિદુર બોલ્યા-'હે ભારત,જે બ્રાહ્મણો યુધિષ્ઠિર સાથે તેમણે મને ભીમસેનનું આ કર્મ કહ્યું હતું'

વૈશંપાયન બોલ્યા-કિર્મીરના વધની વાતથી ધૃતરાષ્ટ્ર વિચારમાં પડી દુઃખી થઇ નિસાસા નાખવા લાગ્યા (75)

અધ્યાય-૧૧-સમાપ્ત 

કિર્મીર વધ પર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE